Loading...

પશ્ચિમ બંગાળથી સુરત સુધી ફેલાયેલું ફેક કરન્સી રેકેટ ઝડપાયું:માર્કેટમાં 500ની નકલી નોટ વટાવવાનો પ્રયાસ કરનારને લોકોએ પકડ્યો, 3.82 લાખની બનાવટી નોટો સાથે 3ની ધરપકડ

એક કોલ અને મોટું કૌભાંડ બહાર આવ્યું ઘટનાની શરૂઆત એક સામાન્ય ફોન કોલથી થઈ હતી. લિંબાયત વિસ્તારમાં જ્યારે બજાર તેની ચરમસીમા પર હતું, ત્યારે અનીલ બંસીલાલ ચૌધરી નામના એક જાગૃત નાગરિકે એક ઈસમને શંકાસ્પદ હાલતમાં જોયો. આ ઈસમ બજારમાં 500ના દરની નોટ વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નોટના કાગળ અને પ્રિન્ટિંગ જોઈને અનીલભાઈને શંકા ગઈ અને તેમણે તાત્કાલિક જનરક્ષક-112 પર કોલ કર્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખ નામના વ્યક્તિની તલાશી લીધી, જેની પાસેથી અલગ-અલગ સીરીયલ નંબરની 500ની 5 નોટો મળી આવી હતી.

તપાસમાં 500ના દરની બીજી 763 નોટો મળી આવી પોલીસને સફીકુલની કડક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ નેટવર્ક માત્ર તેના પૂરતું સીમિત નથી. તેના તાર છેક ભેસ્તાન સુધી જોડાયેલા હતા. પોલીસે તાત્કાલિક ભેસ્તાનના સાહિલનગર સ્થિત પ્લોટ નં-38 પર દરોડા પાડ્યા. ત્યાં તપાસ કરતા પોલીસ પણ ડઘાઈ ગઈ હતી. રૂમમાં છુપાવીને રાખવામાં આવેલી 500ના દરની બીજી 763 નોટો મળી આવી હતી. કુલ મળીને પોલીસે રૂ. 3,84,500ની કિંમતની 769 નકલી નોટો જપ્ત કરી હતી. આ ઓપરેશનમાં સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખ (ઉ.વ. 32), મોહમદ રાકીબ નાજીમુદ્દીન શેખ (ઉ.વ. 32), તાજમહાલ ઉર્ફે મિલન જયમત મંડલ (ઉ.વ. 42) તમામ રહેવાસી: સાહિલનગર, ભેસ્તાન અને મૂળ વતન: મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળના જેમની ધરપકડ કરવામાં આવી છે..

નોટોના બંડલ પર એક જ સીરીયલ નંબર છપાયેલો હતો આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જપ્ત કરાયેલી નોટોના બંડલોમાં પાંચ-પાંચ બંડલ એવા હતા જેમાં તમામ નોટો પર એક જ સીરીયલ નંબર છપાયેલો હતો. સામાન્ય રીતે નકલી નોટોમાં પણ અલગ નંબર છાપવાની તસ્દી લેવાતી હોય છે, પરંતુ અહીં જથ્થાબંધ રીતે માર્કેટમાં નાણાં ઠાલવવાનું ષડયંત્ર હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ત્રણેય આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના છે. મુર્શિદાબાદ બાંગ્લાદેશ બોર્ડરની નજીક હોવાથી, એવી પ્રબળ શક્યતા છે કે આ નોટો બાંગ્લાદેશમાં છપાઈને પશ્ચિમ બંગાળના રસ્તે સુરત લાવવામાં આવી હતી. તેઓ બહરામપુરથી 5 લાખની ફેક કરન્સી લઈને સુરત આવ્યા હતા.

50-100ની ખરીદી કરી અસલી નોટો પરત મેળવી લેતા આરોપીઓ ખૂબ જ ચાલાકીપૂર્વક કામ કરતા હતા. તેઓ ભીડભાડવાળા વિસ્તારો અને નાના વેપારીઓને ટાર્ગેટ કરતા. તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ 500 રૂપિયાની નકલી નોટ આપીને માત્ર 50થી 100 રૂપિયાની નજીવી ખરીદી કરતા. બદલામાં વેપારી પાસેથી 400 રૂપિયા જેટલી 'અસલી' કરન્સી પરત મેળવતા. આમ, નકલી નોટ બજારમાં પધરાવીને તેઓ અસલી રોકડ એકઠી કરતા હતા. શાકભાજી માર્કેટ, પાનના ગલ્લા અને નાની દુકાનો તેમનો મુખ્ય ટાર્ગેટ હતી. જ્યાં વેપારીઓ ઘાઈમાં નોટની ખરાઈ કરતા નથી.

આરોપી સફીકુલ રીઢો ગુનેગાર પકડાયેલો મુખ્ય આરોપી સફીકુલ ઇસ્લામ કોઈ નવો નિશાળિયો નથી. પોલીસ રેકોર્ડ તપાસતા સામે આવ્યું છે કે, તેની વિરુદ્ધ અગાઉ પણ નકલી નોટોના પ્રકરણમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેલની હવા ખાધા પછી પણ તેણે ફરીથી આ જ કાળો કારોબાર શરૂ કર્યો હતો, જે દર્શાવે છે કે આ એક સુવ્યવસ્થિત સિન્ડિકેટ છે.

નાગરિકો માટે ચેતવણી આ ઘટના સુરતીઓ માટે લાલબત્તી સમાન છે. જે નોટો જપ્ત થઈ છે તેમાં વોટરમાર્ક, સિક્યુરિટી થ્રેડ અને કાગળની ગુણવત્તામાં સ્પષ્ટ ખામીઓ જોવા મળી છે. જો તમે પણ રોકડ વ્યવહાર કરતા હોવ, તો 500ની નોટ સ્વીકારતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Image Gallery