ગોવાની નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ, 25નાં મોત:લોકોને ભાગવાનો સમય ન મળ્યો, શ્વાસ રુંધાઈ જવાથી લોકો મોતને ભેટ્યા; 4 ટૂરિસ્ટ સહિત 18 લોકોની ઓળખ થઈ
રસોડામાંથી આગ શરૂ થઈ, સીડીઓ પરથી મૃતદેહો મળ્યા
ગોવાના ડીજીપી આલોક કુમારે જણાવ્યું કે 23 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના ક્લબમાં કામ કરતા કર્મચારીઓ હતા. ડીજીપીએ કહ્યું- આગ સૌથી પહેલા ગ્રાઉન્ડ ફ્લોરમાં બનેલાં રસોડામાંથી ક્લબના અન્ય ભાગોમાં ફેલાઈ હતી. તેથી સૌથી વધુ મૃતદેહ કિચન એરિયામાંથી મળ્યા છે. ભાગવાની કોશિશમાં બે લોકોનું સીડીઓ પર મૃત્યુ થયું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રશાસને ઘટનાસ્થળને સીલ કરી દીધું છે. પોલીસે આ મામલે ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.
નજરેજોનારે જણાવ્યું હતું કે લોકો ગ્રાઉન્ડ ફ્લોરના રસોડામાં ફસાયેલા હતા
નજરેજોનાર ફાતિમા શેખના જણાવ્યા અનુસાર, આગને કારણે ક્લબમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. તે સમયે ક્લબમાં સપ્તાહના અંતે પાર્ટી ચાલી રહી હતી અને લગભગ 100 લોકો ડાન્સ ફ્લોર પર હતા.
જેવો ધુમાડો અને જ્વાળાઓ દેખાઈ કે તરત જ, ઘણા લોકો ગભરાઈ ગયા અને નીચે દોડી ગયા, ભૂલથી ગ્રાઉન્ડ ફ્લોરના રસોડામાં પહોંચી ગયા. ત્યાં પહેલાથી જ રહેલા સ્ટાફ પણ ફસાઈ ગયા હતા. ફાતિમાએ કહ્યું,
બહાર નીકળવાના રસ્તા ખૂબ સાંકડા હતા, જેના કારણે લોકો બહાર નીકળી શકતા ન હતા. થોડીવારમાં જ, આખું ક્લબ આગની ઝપેટમાં આવી ગયું, ત્યાં શણગારેલા ખજૂરના પાંદડા પણ તરત જ બળીને ખાખ થઈ ગયા. ઘણા લોકો ભાગી જવામાં સફળ રહ્યા, પરંતુ કેટલાક અંદર જ રહ્યા.
CM સાવંત બોલ્યા- જવાબદારો સામે કાર્યવાહી કરાશે
CM સાવંતે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આજનો દિવસ ગોવા માટે ખૂબ જ દુઃખદ છે. અરપોરામાં લાગેલી ભીષણ આગમાં 23 લોકોના મોત થયા છે. હું ખૂબ જ દુઃખી છું અને આ મુશ્કેલ સમયમાં તમામ પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મેં ઘટનાસ્થળે જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
તપાસમાં એ જાણવા મળશે કે આગ કેવી રીતે લાગી અને શું ત્યાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. જે કોઈ આ ઘટના માટે જવાબદાર હશે, તેની સામે કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પ્રકારની બેદરકારી બિલકુલ સહન કરવામાં આવશે નહીં.
BJP MLA એ ક્લબોનું સેફ્ટી ઓડિટ કરાવવાની માગ કરી
BJP MLA માઈકલ લોબોએ કહ્યું કે રાજ્યના તમામ ક્લબોનું સેફ્ટી ઓડિટ કરાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે પ્રવાસીઓ ગોવાને હંમેશા એક સુરક્ષિત સ્થળ માને છે, પરંતુ આ ઘટના ખૂબ જ ચિંતાજનક છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થવી જોઈએ.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રવાસીઓ અને આ ક્લબોમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. લોબોએ જણાવ્યું કે દુર્ઘટનામાં મોટાભાગના લોકો બેઝમેન્ટ તરફ ભાગતી વખતે શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા.
