Loading...

મંગળવારની રાત અમંગળ સાબિત થઈ, 4 અકસ્માત, 9નાં મોત:અમરેલીમાં કારના કટકા કરી 3 ભાઈઓની લાશો કાઢી, દ્વારકામાં દર્શને જતાં 4 પદયાત્રીઓને કચડી માર્યા

અમરેલીમાં કાર પલટી ને ત્રણ પિતરાઈ ભાઈઓના મોત અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના હડાળા ગામ નજીક ગત રાત્રિએ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી કાર પલટી મારી ખેતરમાં ઘૂસી જતાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, GJ 11 CL 8531 નંબરની કારમાં ચાર લોકો સવાર હતા. રાત્રિના સમયે કાર ચાલકે અચાનક સંતુલન ગુમાવી દેતા કાર રોડ પરથી પલટી ખાઈને ઢસડાઈને નજીકના ખેતરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કૂચડો બોલી ગયો હતો.

કારને કાપી મૃતદેહોને બહાર કાઢ્યા ઘટનાની જાણ થતા બગસરા પોલીસ અને અમરેલી ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં મૃતકો કારમાં ફસાયા હોવાથી ફાયર વિભાગની ટીમે મશીનરીનો ઉપયોગ કરીને કારને કાપી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
 
પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા મૃતકોમાં જૂનાગઢના ડ્રાઈવર વિકાસ, ધોરાજી તાલુકાના જાલણસર ગામના મંથન અને ધર્મેશ સાવલિયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય કુટુંબીક પરિવારજનો હતા અને રાત્રે જૂનાગઢ પોતાના ઘરે પરત ફરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બગસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લાઠીમાં બોલેરો-પિકઅપ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત બગસરાની જેમ લાઠી તાલુકાના ટોડા ગામ નજીક પણ બોલેરો પિકઅપ અને ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા બોલેરોમાં સવાર મનોજ ચાવડા ફસાઈ જવાના કારણે ફાયર ટીમ દ્વારા મશીનરી મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અન્ય બસમાં સવાર 20 લોકોનો આબાદ બચાવ થયો હતો.

અમરેલી સિવાય ગત મોડી રાત્રે દ્વારકા, વિસનગર તેમજ વડોદરામાં પણ ગંભીર અકસ્માતોની ઘટના સામે આવી છે..
 
દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓ માટે આજની સવાર અમંગળ સાબિત થઈ છે. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડફેટે લઈ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 4 પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ટ્રકની ટક્કરથી પતિ-પત્ની બંને નીચે પટકાયા હતા. ટ્રકનું ટાયર પત્નીના શરીર અને પેટના ભાગે ચડી જતાં મોત નિપજ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્થ પતિને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
 
વડોદરા શહેરના સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલાં મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સગીર હિતેન્દ્ર પિતાની બાઈક લઈને બહાર નીકળ્યો હતો અને સમા તળાવ પાસે જતાં પૂરપાટ ઝડપે અને બેદરકારી પૂર્વક વાહન ચલાવતાં બાઇક સ્લિપ થઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર ઇજાઓને લઈ માથાના ભાગેથી લોહી વહી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

Image Gallery