Loading...

ઓસ્ટ્રેલિયામાં આતંકવાદી બાપ-દીકરાએ 16 લોકોની હત્યા કરી:હુમલાખોરો પાકિસ્તાની મૂળના હોવાનો આરોપ, નેતન્યાહુએ કહ્યું- સરકારની નીતિઓએ આગમાં ઘી હોમ્યું

રવિવારે બોન્ડી બીચ પર થયેલા ઘાતક હુમલા બાદ પોલીસે 50 વર્ષના હુમલાખોરને ઠાર માર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, તેની પાસે શિકાર માટેની બંદૂકનું લાઇસન્સ હતું. NSW પોલીસ કમિશનર મલ લેનયને જણાવ્યું કે સાજિદ અકરમ એક ગન ક્લબનો સભ્ય હતો અને રાજ્યના કાયદા હેઠળ તેને બંદૂકનું લાઇસન્સ રાખવાનો હક હતો. સાજિદ અકરમ, જે પશ્ચિમી સિડનીમાં રહેતો હતો, કાયદેસર રીતે છ બંદૂકો રાખતો હતો.

પ્રીમિયર ક્રિસ મિન્સે આજે સંકેત આપ્યો છે કે સરકાર બંદૂક સુધારાઓ પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે NSW માં બંદૂક નોંધણી કાયદામાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. મિન્સે કહ્યું કે સરકારી કર્મચારીઓ હાલમાં સંભવિત કાયદાકીય ફેરફારોની તપાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ આજે સુધારાની જાહેરાત કરવા તૈયાર નથી. “અમે ઇચ્છીએ છીએ કે NSWમાં થતા કોઈપણ સુધારાની લાંબા સમય સુધી અસર થાય. ટૂંક સમયમાં કાર્યવાહીની અપેક્ષા રાખી શકાય છે.” અકરમનો પુત્ર અને કથિત સહ-ગુનેગાર, 24 વર્ષનો નવીદ અકરમ, હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે કહ્યું છે કે તેની હાલત ગંભીર પરંતુ સ્થિર છે.

નેતન્યાહુ બોલ્યા- સરકારની નીતિઓએ આગમાં ઘી હોમ્યું

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઓસ્ટ્રેલિયન સરકારની નીતિઓને હુમલા માટે જવાબદાર ઠેરવી છે. નેતન્યાહુના મતે સરકારની નીતિઓએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું.

નેતન્યાહુએ જણાવ્યું કે તેમણે અગાઉથી જ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને ચેતવણી આપી હતી કે સરકારની નીતિઓ દેશમાં યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપી રહી છે. નેતન્યાહુના મતે તેમણે 17 ઓગસ્ટે પત્ર લખીને અલ્બેનીઝને તેની જાણકારી આપી હતી.

વૃદ્ધે આતંકવાદી પાસેથી બંદૂક છીનવી, પછી ભગાડ્યો

ફાયરિંગ દરમિયાન અહેમદ નામના એક વૃદ્ધે જીવના જોખમે એક આતંકવાદીને પકડી લીધો. એક વીડિયોમાં દેખાય છે કે અહેમદ એક કારની પાછળથી ચૂપચાપ ફરતા હુમલાખોર પાસે પહોંચે છે અને પાછળથી તેના પર કાબૂ મેળવી લે છે. ત્યારબાદ તે હુમલાખોર પાસેથી રાઇફલ છીનવી લે છે.

તેમણે આતંકવાદી પાસેથી બંદૂક છીનવીને ઘણા લોકોનો જીવ બચાવ્યો. વૃદ્ધે આતંકવાદી પર બે રાઉન્ડ ફાયર કરવાનો પ્રયાસ પણ કર્યો અને તેને દૂર સુધી ભગાડ્યો.

ઓસ્ટ્રેલિયામાં 29 વર્ષ પછી માસ શૂટિંગ

ઓસ્ટ્રેલિયામાં મોટા પાયે ગોળીબારની ઘટનાઓ સામાન્ય નથી. વર્ષ 1996માં પોર્ટ આર્થરમાં થયેલા એક અત્યંત દર્દનાક હુમલા પછી અહીં કડક બંદૂક કાયદા લાગુ કરવામાં આવ્યા હતા. તે હુમલામાં એકલા હુમલાખોરે 35 લોકોની હત્યા કરી દીધી હતી.

ઓસ્ટ્રેલિયામાં બંદૂક ખરીદવા માટે ખૂબ જ કડક તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જોકે અહીં પણ બંદૂક સંબંધિત ગુનાઓ થાય છે, પરંતુ સામાન્ય રીતે તે કોઈ ખાસ વ્યક્તિને નિશાન બનાવીને કરવામાં આવે છે અને તેમનો વ્યાપ મર્યાદિત હોય છે.

ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિમિનોલોજી અનુસાર, 2023–24 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં બંદૂકથી હત્યાના કુલ 31 કેસ નોંધાયા હતા. આ અત્યાર સુધીના સૌથી તાજા આંકડા છે.

મોટા પાયે હુમલા અહીં બહુ ઓછા થાય છે. તાજેતરની આવી એક ઘટના સિડનીના પૂર્વીય વિસ્તારમાં બની હતી. એપ્રિલ 2024માં બોન્ડી જંકશનના વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાં એક વ્યક્તિએ છરી વડે હુમલો કરીને છ લોકોની હત્યા કરી હતી. હુમલાખોરને ઘટનાસ્થળે જ ગોળી મારી દેવામાં આવી હતી. જણાવવામાં આવ્યું હતું કે તે વ્યક્તિને અગાઉથી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી.

Image Gallery