અમદાવાદમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત:GMDC પાસે પૂર ઝડપે જતો BMW બાઇકચાલક BRTSની રેલિંગ સાથે ટકરાયો, સ્થળે જ મોત
ઘટનાની જાણ થતાં ભાઈ અને પિતા સ્થળે દોડી ગયા અમદાવાદના વેજલપુરમાં રહેતો પાર્થ કલાલ નામનો 25 વર્ષનો યુવક 1 ડિસેમ્બરની મોડીરાત્રે એની BMW બાઇક લઈને જઈ રહ્યો હતો. આ સમયે અંધજનમંડળથી હેલ્મેટ સર્કલ જતા જીએમડીસી ગ્રાઉન્ડની બહાર આવેલા બીઆરટીએસના રેલિંગ પાસે પાર્થ પૂરઝડપે બાઈક લઈને અથડાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે તે બાઇક રેલિંગ સાથે ટકરાતાં તેને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતાં પાર્થના ભાઈ અને પિતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
1 ડિસેમ્બરે નિરમા યુનિવર્સિટી પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના બનાવવા અંગે એ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસીને અકસ્માતનું કારણ જાણવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે મોટી અને ગંભીર ઘટના સામે આવી છે. ગઈકાલે (1 ડિસેમ્બર) વહેલી સવારે એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. બાઈક લઈને નોકરીએ જઈ રહેલા ગાંધીનગરના 21 વર્ષીય યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતાં નિરમા યુનિવર્સિટી પાસે મોત થયું હતું
બે દિવસ પહેલાં મોતની રીલ, અકસ્માતમાં માથું ધડથી અલગ, CCTV
સુરતમાં 1 ડિસેમ્બરે સર્જાયેલા અકસ્માતે તમામ લોકોને હચમચાવી દીધા હતા. એક 18 વર્ષીય એક આશાસ્પદ યુવાન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનું બાઈક અકસ્માતમાં ધડથી માથું અલગ થઈ ગયું હતું. યુવક રોડ પર ઢસડાતા માસના ટુકડા પણ રોડ પર વિખેરાયા હતા. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મૃતકે પોતાના મોતના માત્ર બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તે મોત અને સ્વર્ગની વાતો કરી રહ્યો હતો, જે વાત તેના માટે એક ભયાનક હકીકત બની. પ્રિન્સ નામનો યુવક પોતાની 'લેલા' (KTM)ને બહુ પ્રેમ કરતો હતો અને આ પ્રેમ જ પ્રિન્સને ભારે પડ્યો. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
ગઈકાલે વડોદરામાં NH48 પર છોટાહાથી ટેમ્પો પલટી મારતાં ચાલકનું મોત થયું હતું
1 ડિસેમ્બરે વડોદરાના દુમાડ ચોકડી નજીક નેશનલ હાઈવે48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક છોટાહાથી ટેમ્પો પલટી મારીને ડિવાઈડર કૂદીને અન્ય માર્ગ પર જતો રહ્યો હતો, જેમાં ટેમ્પોચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. ટેમ્પોચાલકના 9 મહિના પહેલાં જ લગ્ન થયા હતા.
નિકોલમાં હિટ એન્ડ રન, અસલાલીમાં ડમ્પરની અડફેટે બે યુવાનનાં મોત 4 દિવસ પહેલાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અકસ્માતમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. નિકોલમાં ભક્તિનગર સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ચાલવા નીકળેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જોકે અકસ્માતની ઘટના બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો તો અસલાલીમાં મહીજડા પાટિયા પાસે ડમ્પરની અડફેટે એક્ટિવા લઈને જતા યુવકનું મોત નીપજ્યું હતું.
14 નવેમ્બર: SG હાઇવે પર MBAના વિદ્યાર્થીએ કાર વડે બે હોમગાર્ડને ઉડાવ્યા
