હવે રાજ્યની ખાનગી સ્કૂલો ફી છુપાવી નહીં શકે:FRCએ 5,780 સ્કૂલની ફી ઓનલાઈન જાહેર કરી, તમારા સંતાનની ફી આ રીતે કરી લો ચેક
વધારાની ફી વસૂલાતી હોવાની વાલીઓની ફરિયાદો ઉઠતી હતી અમદાવાદ ઝોનની વાત કરીએ તો શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી પહેલેથી જ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ ફીનું માળખું જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે. વર્ષ 2017માં FRC અમલમાં આવ્યા છતાં અનેક સ્કૂલોએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી.
નવા ઓર્ડરમાં ટર્મ કે એડમિશન ફીની અલગથી છૂટ નથી આપી તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્થિતિ વધુ કડક બની છે. હવે FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. મહત્વની વાત એ છે કે નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી, એટલે નિયત ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવાનો રસ્તો બંધ થયો છે.
નોટિસ બોર્ડ પર ફીના ઓર્ડર લગાવવાની સૂચનાનું પાલન થતું નહોતું અગાઉ સ્કૂલોને નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચના હોવા છતાં ઘણી જગ્યાએ તેનું પાલન થતું નહોતું. પરિણામે વાલીઓ અજાણ રહેતા. હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે.
