ગાંધીનગરના બિલ્ડરપુત્ર આપઘાતકેસનો આરોપી તલાટી મંત્રી નીકળ્યો:મૃતકનાં સાસરિયાં સાથે નિકટનું કનેક્શન, BJPના પૂર્વ કોર્પોરેટરના પુત્રના આઇડીથી સટ્ટો રમાતો
ગાંધીનગરના સુઘડમાં રહેતા સાંનિધ્ય બિલ્ડરના 25 વર્ષીય ઋષભ પટેલના આપઘાતકેસમાં ચાર આરોપી પૈકીના પકડાયેલા મહિપાલસિંહ રાઠોડના આજે રિમાન્ડ પૂરા થતાં તેને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો છે, જોકે રિમાન્ડ દરમિયાન તેણે વટાણા વેરી દેતાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર મનીષ સ્પ્લેન્ડરના આઇડીથી સટ્ટો રમાતો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ ઉપરાંત કલ્પેશ સાણંદનો તલાટી હોવાનું પણ સામે આવ્યું છે.
ગાંધીનગરના જાણીતા બિલ્ડરના 25 વર્ષીય પુત્ર ઋષભ પટેલના આપઘાતપ્રકરણમાં દરરોજ નવા અને ચોંકાવનારા ફણગા ફૂટી રહ્યા છે. આ કેસમાં પકડાયેલા મહિપાલસિંહ રાઠોડે રિમાન્ડ દરમિયાન વટાણા વેરી દેતાં ઇન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આ આત્મહત્યા પાછળ સટ્ટાબજારના લાખો રૂપિયાની ઉઘરાણી અને માનસિક ત્રાસ જવાબદાર હોવી જોઈએ.
ઋષભ અને મહિપાલસિંહ આ રીતે આવ્યા સંપર્કમાં છેલ્લા દોઢ વર્ષથી ઋષભ પટેલ કોઈ કારણોસર તેના નાની સાથે રહેતો હતો. ઋષભની નાની એ જ સોસાયટીમાં રહે છે, જ્યાં મહિપાલસિંહ રાઠોડ રહે છે. મહિપાલસિંહના ફ્લેટની ઉપર ઋષભના નાની રહે છે, જેના લીધે મહિપાલ અને ઋષભ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આમ, ઋષભ મહિપાલના પાર્લર ઉપર બેસવા જતો હતો. આ દરમિયાન મનીષ સ્પ્લેન્ડર સહિતના આરોપીઓ સાથે તેની ઓળખાણ થઈ હતી.
અઢી વર્ષ પહેલાં હેલી સાથે સગાઈ થઈ બાદમાં બધા મિત્રો બની ગયા હતા. બીજી તરફ અઢી વર્ષ પહેલાં ઋષભની સગાઈ કુબેરનગર ખાતે રહેતી હેલી નામની યુવતી સાથે થઈ હતી. તેના પિતા કોર્પોરેશનમાં પાણીનાં મીટર રિપેરિંગ કરવાની કામગીરી કરી રહ્યા છે, જેઓ પહેલાં સબમર્સિબલનું કામ કરતા હતા, પરંતુ હૃદયની બીમારીના લીધે ડોક્ટરોએ હેવી કામ કરવાની ના પાડી હોવાથી તેઓ હાલમાં મીટર રિપેરિંગનું કામકાજ કરે છે.
તલાટી મંત્રી અને હેલી એક જ સોસાયટીમાં રહેતા આ સમગ્ર મામલે નવો વળાંક એવો આવ્યો છે કે કલ્પેશ ઉર્ફે તલાટી પણ કુબેરનગરમાં આવેલી હેલીની ભાર્ગવ સોસાયટીમાં રહેતો હતો. એ રીતે હેલી આધેડ વયના કલ્પેશ ઉર્ફે તલાટીને મામા તરીકે સંબોધીને બોલાવે છે. આજે ઇન્ફોસિટી પીઆઈએ વોન્ટેડ આરોપીઓના ઘરે રેડ કરી ત્યારે કલ્પેશ ઉર્ફે તલાટીના ઘરે માત્ર તેની પેરેલિસિસગ્રસ્ત માતા જ મળી હતી. તેની પત્ની પણ ગાયબ થઈ ચૂકી છે. જ્યારે મનીષ સ્પ્લેન્ડરનાં પરિવારજનો સટ્ટાના વ્યવહારો વિશે કશું જાણતા નહીં હોવાનું રટણ કરી રહ્યાં છે. ત્યારે હવે પોલીસ સમગ્ર ગૂંથી ઉકેલવા માટે એડી ચોટીનું જોર લગાવીને આગામી દિવસમાં નવો ઘટસ્ફોટ કરે તો નવાઈ નહીં.
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રના આઈડી પરથી સટ્ટો રમાતો તો મહિપાલે એવો પણ ઘટસ્ફોટ કર્યો છે કે ભાજપનાં પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલના પુત્ર મનીષ સ્પ્લેન્ડર આઇડી પરથી સટ્ટો રમાતો હતો, જે પૈસાની લેતદેતી તેના પાર્લર ખાતે થતી હતી. હારજીતના પૈસાની લેતીદેતી માટે મહિપાલ મીડિયેટર તરીકેની ભૂમિકા ભજવતો હતો.
મનીષ સ્પ્લેન્ડરના કહેવાથી મહિપાલ ઋષભ પાસે ઉઘરાણી કરતો મનીષ સ્પ્લેન્ડરના કહેવાથી મહિપાલ ઋષભ પાસે ઉઘરાણી કરતો હતો. અગાઉ સટ્ટાના હિસાબ પેટે મનીષને 50 હજાર લેવાના નીકળતા હતા. જે સંદેશો મહિપાલે ઋષભ સુધી પહોચતો કર્યો હતો અને ઋષભ પાર્લરે જઈને પૈસા આપી આવ્યો હતો. આજ રીતે ચારેય જણની ગેંગ વચ્ચે સટ્ટા બેટિંગની હારજીતના આર્થિક વ્યવહારો ચાલતા હતા, જેમાં મહત્ત્વની બાબત બહાર આવી છે કે મનીષ સ્પ્લેન્ડર દ્વારા જ સટ્ટા માટેનું આઇડી પાસવર્ડ આપવામાં આવ્યા હતા.
અડધા કરોડનો ખેલ હોવાની પોલીસને શંકા જે હિસાબના પૈસાની ઉઘરાણી મનીષ, કલ્પેશ અને ક્રિશાલ દ્વારા ઋષભ પાસે કરવામાં આવતી હતી. આ રકમ પાંચ-દસ લાખ પૂરતી સીમિત નહોતી, પણ અડધા કરોડની આસપાસની હોવાની પોલીસને શંકા છે, પરંતુ ઋષભે પાર્લર પર જવાનું બંધ કરી દીધું હતું, જેના લીધે બધા ભેગા મળીને ઋષભને ટોર્ચર કરવામાં આવતું હતું. મનીષ સ્પ્લેન્ડર પૈસા કઢાવવા માટે ઋષભને ફોન કરતો હતો, પરંતુ ઋષભ તેનો ફોન રિસીવ કરતો નહોતો.
પૈસા મેળવવા માટે ઋષભને નાના ચિલોડાના મામા દેવ પાર્લર બોલાવ્યો જેથી મનીષે મહિપાલ થકી પૈસા આપી દેવાની વાત ઋષભ સુધી પહોંચાડી હતી. આખરે પૈસા મેળવવા માટે ઋષભને નાના ચિલોડાના મામા દેવ પાર્લર બોલાવ્યો હતો, પરંતુ ક્રિશાલ અને મહિપાલ ત્યાં ગયા નહોતા. મનીષ અને કલ્પેશ તલાટીએ ઋષભને જાહેરમાં આબરૂ જાય એ રીતે માર માર્યો હતો. આ વાતે લાગી આવતાં ઋષભે કેનાલમાં પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. બીજી તરફ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઋષભ મિત્રો વર્તુળમાં પૈસાની લેતીદેતીમાં હવાલા પણ પાડી આપતો હતો. હેલી પણ ઉક્ત આરોપીઓથી પરિચિત હોવાથી જ ઋષભે સુસાઇડ નોટમાં પત્ની પાસે ન્યાય અપાવવાની આશા વ્યક્ત કરી હતી.
હેલીના પિતાની ભૂમિકાની પણ તપાસ થશે જેના પગલે પોલીસ દ્વારા હેલીની પૂછતાછ કરવામાં આવી છે, પરંતુ હેલીએ પણ કોઈ સંતોષકારક જવાબો આપ્યા નથી, જેથી હેલીના પિતાની શંકાસ્પદ ભૂમિકાની પણ પોલીસ તપાસ કરવાની છે. આ અંગે ઇન્ફોસિટી પીઆઇ વી. આર. ખેરે કહ્યું હતું કે હેલીના પિતાને પણ પૂછપરછ માટે બોલાવીશું. મનીષ સ્પ્લેન્ડર અને કલ્પેશ તલાટી મુખ્ય સૂત્રધાર છે. મનીષ દ્વારા આઇડી પાસવર્ડ આપવામાં આવ્યા હતા. જ્યારે કલ્પેશ પટેલ વાસ્તવમાં સાણંદના કોઈ ગામમાં તલાટી તરીકે નોકરી કરે છે, જેની કુંડળી કઢાવવા તાલુકા વિકાસ અધિકારી પાસે વિગતો મેળવવામાં આવશે, જે 15 દિવસથી રજા પર ઊતરી ગયો છે. હાલમાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે કુલ 8 ટીમ એક્ટિવ છે, જેમાં લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો પણ જોડાઈ છે.
એક આરોપી પૂર્વ ભાજપ કોર્પોરેટરનો દીકરો પૈસાની લેવડદેવડમાં બે-ત્રણ મહિનાથી માનસિક અને શારીરિક હેરાનગતિ કરતાં ઋષભે અંતિમ પગલું ભર્યું હતું. ચાર આરોપીમાંથી એક મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર પૂર્વ ભાજપ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે મહિપાલસિંહ રાઠોડની ધરપકડ કરી આ અંગે ગુનો દાખલ થતાં જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. ખેર સહિતની ટીમે ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરી તાબુંલ પાન પાર્લરના સંચાલક મહિપાલસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મહિપાલસિંહની પ્રાથમિક પૂછપરછમાં ક્રિશાલ પટેલ અને ઋષભ બંને મિત્રો છે.
ક્રિશાલને ઋષભ પાસે 4 લાખ લેવાના હતા જ્યારે મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર અને કલ્પેશ ઉર્ફે તલાટી ક્રિશાલના મિત્રો છે. આ ચારેય એકબીજાને ઓળખતા હોવાથી પાર્લર ઉપર બેસવા જતા હતા. ક્રિશાલને ઋષભ પાસે સાડાત્રણથી ચાર લાખ લેવાના હતા. એ જ રીતે મનીષ અને કલ્પેશ પણ ઋષભ પાસે પૈસા માગતા હતા.
સમગ્ર મામલે સટ્ટા બેટિંગના પૈસાની લેતીદેતીની શંકા બીજી તરફ સુસાઇડ નોટમાં પણ માનસિક ટોર્ચરના ચોક્કસ કારણનો ઉલ્લેખ નથી અને પરિવારજનો પણ કશું જાણતા નહીં હોવાનો દાવો કરી આ ચારેય શખસ 007થી ગેંગ ચલાવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા હતા, જેના પગલે પોલીસે મહિપાલસિંહને સાથે રાખી ગુનાવાળી જગ્યા સહિતના સ્થળે લઈ જઈ તપાસ આગળ વધારી હતી. તો પોલીસને સમગ્ર ઘટના સટ્ટા બેટિંગના પૈસાની લેતીદેતીમાં ઘટી હોવાની શંકા છે.
પોલીસ આગામી દિવસોમાં હેલીની પણ પૂછપરછ કરશે કહેવાઈ રહ્યું છે કે સટ્ટા બેટિંગના હારજીતના લાખો રૂપિયા એક ચોક્કસ આઇડીમાં જમા થયા હતા. જોકે અન્ય ત્રણ આરોપી પકડાયા પછી જ આપઘાતનું સાચું કારણ બહાર આવી શકે છે. ઉપરાંત ઋષભની પત્ની હેલી મૂળ જૂનાગઢની હોવાથી અને આરોપીઓ પણ તેના પારિવારિક પરિચિત હોવાથી પોલીસ આગામી દિવસોમાં હેલીની પણ પૂછપરછ કરશે અને ઋષભના મોબાઈલની પણ વિગતો મેળવવામાં આવશે.
શું છે સમગ્ર ઘટના? સુઘડ ખાતે અપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગલોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલના લગ્ન તા. 12 જાન્યુઆરીના રોજ થયા હતા. લગ્નના 13 દિવસ બાદ એટલે કે 25 જાન્યુઆરીના રોજ તે સાઈટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, જોકે તે પરત નહીં ફરતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ ઋષભનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો.
આ દરમિયાન 26 જાન્યુઆરીના રોજ ઋષભની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી હતી, જેની અંદર તપાસ કરતાં પરિવારને દાગીના, મોબાઈલ અને રોકડ રકમની સાથે બે પેજની અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી.
28 જાન્યુઆરીના રોજ ઋષભનો મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી નર્મદા કેનાલમાંથી મળ્યો હતો. લગ્નજીવનનના 13 જ દિવસમાં જુવાનજોધ યુવકના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.