Loading...

3 શખ્સોએ 150 રૂપિયા માટે યુવકને ચપ્પુના ઘા મારી દીધા:વડોદરામાં બે શખ્સોએ પકડ્યો ને ત્રીજાએ લોહીલુહાણ કર્યો, પિતાએ કહ્યું, મારા છોકરાનો ફોન આવ્યો, પપ્પા મને બચાવો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મંગળવારે(3 ફેબ્રુઆરી) રાત્રે 3 શખ્સોએ માત્ર 150 રૂપિયા માટે યુવક પર ચપ્પુથી હિંસક હુમલો કર્યો હતો. જેથી તેને લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ત્રણ શખ્સ સામે ગુનો નોંધીને મદદ તપાસ શરૂ કરી છે.

'બે જણાએ તેને પકડી લીધો અને ત્રીજાએ ચપ્પુના ઘા મારી દીધા' ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈએ જણાવ્યું હતું કે, મંગળવારે તેઓ રિક્ષામાં આવ્યા અને મારા છોકરાને બહાર બોલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, લે ભાઈ, તારા 150 રૂપિયા લઈ લે. જેવો મારો છોકરો ત્યાં ગયો, કોઈ પણ વાતચીત કર્યા વગર બે જણાએ તેને પકડી લીધો અને ત્રીજાએ ચપ્પુના ઘા મારી દીધા હતા.

ત્રણ શખ્સોએ યુવક પર છરીથી હુમલો કર્યો માંજલપુર વિસ્તારમાં આવેલ અમર કૃપા સોસાયટીમાં રહેતાં 26 વર્ષીય મનિષભાઈ કોયારામ મારવાડીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 2 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ કાર્તિક નામના યુવક તથા તેના બે સાથીઓ ફરિયાદીના ઘર આગળ આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી. યુવકે તેમને ગાળો બોલવાથી રોકતા સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્રણેય જણા ત્યાંથી જતા રહ્યાં હતા.

ચપ્પુ પેટમાં અને હાથમાં મારી દીધું ત્યારબાદ 3 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ કાર્તિક તથા તેના બે સાથીઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને આગલા દિવસની વાતને લઈને વાતચીત કરવાના બહાને તેમને ઘરની નજીક આવેલા શ્રી સાંઈબાબા મંદિર પાસેના રોડ પર લઈ ગયા હતા. વાતચીત દરમિયાન તેઓએ અચાનક ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન કાર્તિક તથા એક અન્ય વ્યક્તિએ ફરિયાદીને પકડી રાખ્યો હતો, જ્યારે ત્રીજા વ્યક્તિએ ચપ્પુ દ્વારા તેના પેટના જમણા ભાગે ધા મારી દીધી હતી. ફરિયાદીએ ચપ્પુ પકડવાના પ્રયાસમાં જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી.

ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હુમલા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે પોતાના ખાનગી વાહન દ્વારા ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં તે સારવાર હેઠળ છે. આ ઘટના અંગે મનિષભાઈએ કાર્તિક તથા તેના બે અજાણ્યા સાથીઓ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસ આ ઘટનાની તપાસ હાથ ધરી રહી છે.

'150 રૂપિયા લેવા માટે પેલા લોકો પાસે ગયો' ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈએ જણાવ્યું હતું કે, સોમવારે મારો છોકરો તેના મહેનતના 150 રૂપિયા લેવા માટે પેલા લોકો પાસે ગયો હતો. જ્યારે તેણે પોતાના પૈસા માંગ્યા હતા, ત્યારે તેઓ ગાળાગાળી કરવા લાગ્યા હતા. મારા છોકરાએ માત્ર એટલું જ કહ્યું કે, ગાળો ના આપશો, જો અત્યારે પૈસા ન હોય તો વાંધો નહીં પણ આવી રીતે વર્તન ના કરશો. આ સાંભળીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

હુમલાખોરો રિક્ષામાં આવ્યા ને તૂટી પડ્યા ઈજાગ્રસ્ત યુવકના પિતાએ કહ્યું કે, હુમલાખોરો રિક્ષામાં આવ્યા હતા. તેમાંથી એકનું નામ કાર્તિક અને બીજાનું નામ સિકંદર છે. બાકીના બે વ્યક્તિઓના નામ અમે જાણતા નથી. આ ઘટના મારુતિધામ અમરકૃપા સોસાયટી, મકાન નંબર 82 પાસે આવેલી મોબાઈલની દુકાન નજીક બની હતી. આ તમામ દ્રશ્યો મંદિરના CCTV કેમેરામાં કેદ થયા છે.

Image Gallery