Loading...

યુવકે અત્યંત ઝેરી સાપને CPR આપ્યો, VIDEO:સ્કૂલની અંદર એશિયાનો બીજો સૌથી ઝેરી સાપ બેભાન થયો, યુવકે શ્વાસનળીમાં સ્ટ્રો નાખી 7 વાર ફૂંકો મારી બચાવ્યો

લાકડાંનો જથ્થો માથે પડતાં સાપ અર્ધબેભાન થયો ઘટનાની વિગતે વાત કરીએ તો પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં ગઇકાલે બે સાપ જોવા મળતાં સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અન્સારીનો સંપર્ક કર્યો હતો. અલી અન્સારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો, જોકે બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાંનો મોટો જથ્થો એના પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા પહોંચી હતી અને એની શ્વાસનળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હતી અને સાપ અર્ધબેભાન થઇ ગયો હતો.

શ્વાસ નળીમાં સ્ટ્રો નાખીને યુવકે CPR આપ્યા સાપ અર્ધબેભાન થઇ જતાં સાપને બચાવવા માટે અલી અન્સારીએ એને ખુલ્લા મેદાનમાં લાવ્યા હતા અને પહેલા હાથેથી પમ્પિંગ કર્યું હતું, પરંતુ કોઈ હલચલ ન થતાં તેમણે પ્લાસ્ટિકની સ્ટ્રોની મદદથી જોખમ ખેડીને સાપના મોઢામાં નીચેના ભાગે આવેલી શ્વાસ નળીમાં સ્ટ્રો નાખીને પાંચથી સાત વાર પોતાના મોઢેથી ફૂંક મારી કૃત્રિમ શ્વાસ (CPR) આપ્યો હતો. અલી અન્સારીએ સાપને CPR આપતાં થોડીવાર બાદ સાપમાં હલચલ થવા લાગી અને એની શ્વાસનળી ફરી શરૂ થઈ હતી, જેનાથી તેને નવજીવન મળ્યું હતું

'એકનું તો રેસ્ક્યૂ તરત કરી લીધું, પણ બીજો ઇજાગ્રસ્ત થયો' દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં અલી અન્સારીએ જણાવ્યું હતુ કે ગઇકાલે તેમને શાળામાંથી ફોન આવ્યો હતો અને સંચાલકોએ જણાવ્યું હતું કે શાળામાં બે અજગર જેવા દેખાતા સાપ છે. હું ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અજગર નહીં, પણ અત્યંત ઝેરી 'રસેલ વાઈપર' હતા, જે એશિયાના બીજા નંબરના ઝેરી સાપ ગણાય છે. મેં એક સાપને તો તરત પકડી લીધો હતો, પરંતુ બીજા સાપનું રેસ્ક્યૂ કરતી વેળાએ તેના પર લાકડાનો જથ્થો પડી ગયો હતો.

'કંઈ સમજાતું નહોતું, પણ તરત સ્ટ્રો મગાવીને શ્વાસ નળીમાં નાખી' અલી અન્સારીએ વધુમાં જણાવ્યું હતું કે સાપને ઇજા પહોંચતાં એની શ્વાસ નળી બંધ થઇ હોવાનું મને જણાયું હતું. મેં સાપને પમ્પિંગ કર્યું, પણ સાપમાં કંઇ હલનચલન નહોતું થતું, જેથી શું કરું એ મને સમજાતું નહોતું, પરંતુ તરત મેં સ્કૂલમાં હાજર લોકો પાસે સ્ટ્રો મગાવીને એને CPR આપી જીવ બચાવ્યો હતો. સાપને CPR આપતી વખતે મારે ઘણું ધ્યાન રાખવું પડ્યું હતું, કારણ કે સાપની શ્વાન નળી મોઢાની અંદર નીચેના ભાગે હોય છે. રસેલ વાઈપર એશિયાનો બીજા નંબરનો સૌથી ઝેરી સાપ છે, મને ડર તો હતો, પણ દિલમાં સાપનો જીવ બચાવવાની ઈચ્છા પ્રબળ હતી.

'રીલ્સના ચક્કરમાં જીવ જોખમમાં ન મૂકો' આ ઘટના બાદ અલી અન્સારીએ યુવાનો અને સામાન્ય જનતાને સંદેશ આપતાં જણાવ્યું હતું કે હાલમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો સાપ સાથે રમત કરે છે, જેના કારણે વલસાડ જિલ્લામાં 3-4 યુવાનોએ જીવ ગુમાવ્યા છે. સાપ દેખાય તો એની સાથે છેડછાડ કરવાને બદલે NGO અથવા ફોરેસ્ટ વિભાગને જાણ કરો.

'અંધશ્રદ્ધાથી દૂર રહો અને સમયસર સારવાર કરાવો' અલી અન્સારીએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈને સાપ કરડે તો કોઈપણ ભૂવા, ભગત કે મુલ્લા પાસે સમય બગાડવાને બદલે તાત્કાલિક સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું. અંધશ્રદ્ધામાં લોકોનો જીવ જોખમમાં મુકાઇ શકે છે, જ્યારે સમયસરની સારવારથી 99 ટકા લોકોનો જીવ બચી શકે છે.

Image Gallery