શું ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાની હાલત બગાડી? T20 વર્લ્ડ કપ પહેલા જ ખતરાની ઘંટડી વાગી ગઈ
વાત એમ છે કે, ગૌતમ ગંભીર બેટિંગ પોઝિશનને “ઓવરરેટેડ” માને છે. હકીકતમાં, ગૌતમ ગંભીરે તાજેતરમાં વ્હાઈટ-બોલ ક્રિકેટ અંગે મોટું નિવેદન આપ્યું હતું અને તેણે વ્હાઈટ-બોલ ક્રિકેટમાં બેટિંગ ઓર્ડરને ‘ઓવરરેટેડ’ ગણાવ્યું હતું. ગૌતમ ગંભીર ઘણીવાર કહી ચૂક્યો છે કે, ઓપનર્સને છોડીને બાકીના બેટ્સમેનોએ ક્યાંય પણ રમવા માટે તૈયાર રહેવું જોઈએ. આ મેચમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું, જે ટીમ ઈન્ડિયા પર ભારે પડી ગયું.
શું ગંભીરે ટીમ ઈન્ડિયાની હાલત બગાડી?
ગૌતમ ગંભીરની આ વિચારસરણીની સીધી અસર મેચમાં જોવા મળી અને તે સંપૂર્ણપણે નેગેટિવ સાબિત થઈ. આ મેચમાં સતત ફ્લોપ ચાલી રહેલા શુભમન ગિલને ફરીથી ઓપનર તરીકે તક આપવામાં આવી અને પરિણામે તે પહેલી જ બોલ પર શૂન્ય પર આઉટ થયા.
ત્યારબાદ ટીમને એક ઇન-ફોર્મ બેટ્સમેનની જરૂર હતી પરંતુ અક્ષર પટેલને નંબર-3 પર મોકલવામાં આવ્યો, જ્યારે તે સામાન્ય રીતે લોઅર ઓર્ડરમાં રમે છે. દબાણમાં તેણે 21 બોલમાં ફક્ત 21 રન બનાવ્યા અને રન-ચેઝ દરમિયાન ટીમ પર દબાણ જોવા મળ્યું.
સૂર્યકુમાર યાદવ, જે નિયમિતપણે ત્રીજા નંબર પર બેટિંગ કરે છે, તેને ચોથા નંબર પર ખસેડવામાં આવ્યો. સૂર્યકુમાર યાદવે આ મેચમાં ફક્ત 5 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગયા મેચમાં નંબર-3 પર રમેલા તિલક વર્માને આ વખતે પાંચમા નંબર પર ધકેલવામાં આવ્યો. તેણે 62 રનની લડાયક ઇનિંગ્સ તો રમી પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. બીજી તરફ, વિસ્ફોટક બેટ્સમેન શિવમ દુબેને આઠમા નંબરે મોકલવામાં આવ્યો, જ્યાં તે ફક્ત 1 રન બનાવી આઉટ થઈ ગયો.
ભારતીય ટીમ વારંવાર ડગી ગઈ
આનો અર્થ એ થયો કે, દરેક બેટ્સમેનને નવી બેટિંગ પોઝિશન પર મોકલવામાં આવતા કોઈપણ ખેલાડી પોતાની સ્વાભાવિક રમત રમી શક્યો નહીં. પાવરપ્લેમાં જલ્દી વિકેટ પડ્યા પછી પણ કોઈ સેટ બેટ્સમેનને ઉપર મોકલાયો નહીં, જેના કારણે રન રેટ આસમાને પહોંચી અને એક પછી એક વિકેટો પડતી ગઈ.
છેલ્લી કેટલીક મેચોથી ગિલને સતત ઓપનિંગ, તિલકને ક્યારેક 3-4-5, હાર્દિકને 5-6-7 અને દુબેને 7-8 નંબર પર મોકલવામાં આવી રહ્યા છે. પરિણામ સ્પષ્ટ છે કે, મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ વારંવાર ડગી ગઈ છે.
T20 વર્લ્ડ કપને લઈને ઘણા સવાલો ઊભા થયા
વર્ષ 2026 નો T20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે. જો દરેક ખેલાડીને તેની મજબૂત પોઝિશન નહીં મળે અને તેમના રોલ ક્લિયર નહીં થાય તો, આ અનિશ્ચિતતા ટીમ માટે ખૂબ જ મોંઘી સાબિત થઈ શકે છે.
ગંભીરની “ફ્લેક્સિબિલિટી”ની વિચારધારા સિદ્ધાંત પ્રમાણે સારી લાગે છે પરંતુ સતત નિષ્ફળતા મળતી હોવાથી હવે સમય આવી ગયો છે કે, ટીમ ‘ફિક્સ્ડ રોલ’ને પ્રાથમિકતા આપે. હવે નજર રહેશે કે, ટીમ ઈન્ડિયા આગામી મેચમાં કયો ગેમ પ્લાન અપનાવે છે? શું ગંભીર પોતાની રણનીતિ પર ટકશે કે પછી પ્લેઈંગ ઇલેવનમાં મહત્વના બદલાવ જોવા મળશે?
