Loading...

બોમ્બની ધમકી, 181 મુસાફર પાસે ટીશ્યુ પર 36 વખત લખાવ્યું:હવે અક્ષરોની થશે ફોરેન્સિક તપાસ, કુવૈત-દિલ્હીની ફ્લાઇટનું 30મીએ અમદાવાદમાં થયું હતું ઇમરજન્સી લેન્ડિંગ

જો હજારો ફૂટની ઊંચાઈને ઉડતા વિમાનમાં બોમ્બથી ધમકી મળે ત્યારે શું થાય? જો અને તો વચ્ચેના આ સવાલ પાછળની હકીકત ખૂબ ભયંકર અને થકવી દેનારી હોય છે. તાજેતરમાં જ ટીશ્યુ પેપર પર બોમ્બની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર એક ફ્લાઇટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ત્યાર પછી તમામ મુસાફરો અને ક્રુ મેમ્બર મળીને 181 લોકો પાસેથી એક કે બે નહીં પણ 36 વખત ટીશ્યુ પેપર પર લખાણ લખાવવામાં આવ્યું. 36 વખત લખાણ કેમ? આ પાછળનું કારણ પણ ખૂબ રોચક છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે 30 જાન્યુઆરીની સવાર ખૂબ અસામાન્ય હતી. સાડા છ વાગ્યાની આસપાસનો સમય હતો ત્યારે ATCને મેસેજ મળ્યા અને દોડધામ મચી ગઈ. કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી. એટલે આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા વિમાનને તાત્કાલિક અમદાવાદ તરફ ડાયવર્ટ કરવાનો આદેશ અપાયો.

ATCના અધિકારીઓ તેમજ સિક્યોરિટી ટીમના શ્વાસ અધ્ધર હતા. બરાબર સવારે 6 વાગીને 39 મિનિટે વિમાને રનવે પર લેન્ડ કર્યું. પણ લેન્ડિંગ પછીની પ્રક્રિયા બીજી ફ્લાઇટ કરતા એકદમ અલગ હતી. પ્રોટોકોલ મુજબ વિમાનને તરત જ મુખ્ય ટર્મિનલથી દૂર 'આઈસોલેશન 2' પર લઈ જવામાં આવ્યું. તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બીજી તરફ મિટિંગનો ધમધમાટ શરૂ થયો.

ટર્મિનલ-1 પર સવારે 7 વાગીને 17 કલાકે BTACની ઇમરજન્સી મીટિંગ મળી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને આ ઘટનાને 'સ્પેસિફિક થ્રેટ' જાહેર કરવામાં આવી. ઇન્ડિગોના સિક્યોરિટી એક્ઝિક્યુટિવ લલિત પાપડે હવે ધબકતા હૈયે 'આઈસોલેશન 2' પાસે ઉભેલા વિમાન પાસે પહોંચ્યા. સીડી મુકાઈ, દરવાજો ખુલ્યો અને કેપ્ટન આકાશ અગ્રવાલ સાથે તેમની મુલાકાત થઈ.

કેપ્ટન આકાશના ચહેરા પર ગંભીરતા હતી. તેમણે લલિતભાઈને એ વસ્તુ સોંપી જેણે 6 ક્રુ મેમ્બર અને 175 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા… સફેદ રંગનું એક ટિશ્યુ પેપર.

આ ટિશ્યુ પેપર ફ્લાઇટની ઇન્ચાર્જ ઉર્વશીને સીટ નંબર 14-D નીચેથી મળ્યું હતું. તેના પર લીલી પેનથી અંગ્રેજીમાં લખેલા શબ્દો કોઈ પણ વ્યક્તિને હચમચાવી નાખે એવા હતા.

કેપ્ટન આકાશ અગ્રવાલ અને કો-પાયલોટ અનુષા જૈને જ્યારે આ લખાણ જોયું ત્યારે તેમની પાસે વિમાનને શક્ય હોય એટલા વહેલા સુરક્ષિત જમીન પર ઉતારવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.

વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હોવાની જાણ એરપોર્ટ પોલીસ સ્ટેશને પણ કરવામાં આવી હતી. સેકન્ડ પી.આઈ. ડિમ્પલબેન પટેલ પોતાની ટીમ સાથે એરપોર્ટ પહોંચી ચૂક્યા હતા. વિમાનમાં સવાર 175 મુસાફરોને સાવચેતીપૂર્વક નીચે ઉતારી ટર્મિનલ-2ના અરાઈવલ હોલમાં લઈ જવામાં આવ્યા. આ વખતે પણ દરેક મુસાફરની આંખમાં ડર હતો.

બોમ્બ સ્ક્વોડ અને સિક્યોરિટી એજન્સીઓએ વિમાનનો ખૂણેખૂણો ફંદી માર્યો. તમામ પેસેન્જરોનું કડક સ્ક્રીનિંગ થયું. કલાકો સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું પણ ન તો કોઈ બોમ્બ મળ્યો, ન કોઈ વિસ્ફોટક. તો સવાલ એ ઉભો થયો કે ટીશ્યું પણ ધમકીભર્યું લખાણ કોણે લખ્યું?

આ સવાલનો જવાબ મેળવવા માટે હવે વૈજ્ઞાનિક પદ્ધતિ જ અપનાવવી પડે એમ હતી. એટલે પીઆઈ ડિમ્પલબેન પટેલે ધમકીના લખાણવાળું ટિશ્યુ પેપર કબજે કર્યું અને આ લખાણ કોણે લખ્યું એ જાણવા માટે ફ્લાઇટના કેપ્ટન, પાયલટ, ક્રૂ મેમ્બર્સ અને તમામ 175 મુસાફરોના હસ્તાક્ષરના નમૂના લેવાની પ્રક્રિયા શરૂ થઈ. દરેક વ્યક્તિના અક્ષરોની સરખામણી ધમકીના લખાણ સાથે કરવાની હતી.

સવારના સાડા છ વાગ્યાથી શરૂ થયેલો આ ઘટનાક્રમ છેક સાંજ સુધી ચાલ્યો. આખરે, જ્યારે ખાતરી થઈ ગઈ કે વિમાન સુરક્ષિત છે, ત્યારે સાંજે 7 વાગીને 9 મિનિટે ફ્લાઇટને દિલ્હી જવા રવાના કરવામાં આવી. મુસાફતો તો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા પરંતુ કેસ હજુ પૂરો થયો નહોતો. સિક્યોરિટી એક્ઝિક્યુટિવ લલિત પાપડેની ફરિયાદના આધારે અમદાવાદના એરપોર્ટ પોલીસે તપાસ આગળ વધારી.

એક જ વ્યક્તિના 36 નમૂનાઓ શા માટે લેવામાં આવે છે? તેવા પ્રશ્નના ઉત્તરમાં ડિમ્પલબેને જણાવ્યું કે, જ્યારે એક જ લખાણ વારંવાર લેવામાં આવે ત્યારે હસ્તાક્ષરની મૌલિકતાની ચોકસાઈપૂર્વક ચકાસણી થઈ શકે તે હેતુથી 36 વખત નમૂના લેવામાં આવે છે.

આ નમૂનાઓને ચકાસણી માટે DFS એટલે કે ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2025થી અત્યાર સુધીમાં એરપોર્ટ પર ફ્લાઇટમાં કુલ 10 વખત આ પ્રકારની ધમકીઓ મળી છે. જેમાંથી 5 ધમકીઓ ટીશ્યુ પેપર પર લખેલી હતી, જ્યારે 4 ધમકીઓ ઇ-મેઇલ દ્વારા અને એક ધમકી મોબાઈલ ફોન મારફતે મળી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે ટીશ્યુ પેપર પર ધમકીભર્યું લખાણ મળે છે ત્યારે દરેક કેસમાં આ જ પ્રક્રિયા અનુસરવામાં આવે છે. હવે DFSનો રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા કરી શકાશે.

ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના હેન્ડ રાઈટિંગ વિભાગના મદદનીશ નિયામક અજીતસિંહ સોલંકીએ કહ્યું, "અમે 36 નમૂના એટલા માટે લઈએ છીએ કે તેના દ્વારા તકરારી લખાણની સચોટ સરખામણી થઈ શકે. જો લખાણના 36 નમુના હોય તો તેની અંદર રહેલી લેખન લાક્ષણિકતાઓ એટલે કે રાઇટિંગ કેરેક્ટરિસ્ટિક વ્યવસ્થિત રીતે તપાસી શકાય છે. જો કોઈ વ્યક્તિ લખાણમાં ફેરફાર કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે તો તેવા લક્ષણો પણ અમે પકડી શકીએ છીએ. મૂળભૂત લખાણની લાક્ષણિકતાઓ તપાસવા માટે જ અમે ઓછામાં ઓછા 36 નમૂના લઈએ છીએ."

34, 35 કે 37 નહીં પણ 36 નમૂના જ કેમ લેવામાં આવે છે? તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, "36 પેરામીટર્સ અમે એટલા માટે સેટ કરીએ છીએ કે લખાણનું આટલું ન્યૂનતમ પ્રમાણ હોય તો તેમાંથી જરૂરી લેખન લાક્ષણિકતાઓ મળવાની પૂરી શક્યતા રહે છે. જો નમૂના વધારે હોય તો તે વધુ સારું છે."

અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “રિપોર્ટ મળવાનો સમય અહીં દસ્તાવેજોની પેન્ડન્સી અને અગાઉના પડતર કેસો પર આધાર રાખે છે. તેમ છતાં જો ગુનો ગંભીર પ્રકારનો હોય તો વહેલી તકે તપાસ કરીને રિપોર્ટ આપી દઈએ છીએ.”

અગાઉ પણ ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર બોંબની ધમકી અંગેના લખાણો મળ્યા હોય અને તેમાં રિપોર્ટ આપ્યો હોય તેવા કિસ્સાઓ વિશે પૂછતા તેમણે કહ્યું કે, "તે પ્રકારના અગાઉ ત્રણ ગુનાઓ બન્યા હતા જેમાં અમે હેન્ડ રાઈટિંગ અંગેનો અભિપ્રાય આપ્યો છે."

વધુમાં તેમણે જણાવ્યું કે, “રિપોર્ટ કેટલા સમયમાં આવશે તે ડોક્યુમેન્ટ પર નિર્ભર કરે છે. અગાઉ 240 પેસેન્જરનું લખાણ આવ્યું તેમાં વધારે સમય લાગ્યો હતો. આ કેસમાં તમામ પેસેન્જરોના 36-36 નમૂના અને અન્ય લખાણો તપાસવાના હોવાથી લગભગ 3થી 4 મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે. કારણ કે, અમારી પાસે એટ્રોસિટી, પોક્સો, મર્ડર તેમજ સ્યુસાઇડ જેવા અન્ય કેસોની તપાસ પણ ચાલતી હોય છે. ગુનાની ગંભીરતા મુજબ અમે તમામ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.”

એક પ્રશ્નના જવાબમાં તેમણે ઉમેર્યું કે, “આ પ્રક્રિયામાં લખાણ કઈ સપાટી એટલે કે સરફેસ પર લખાયેલું છે તે પણ ખૂબ મહત્વનું છે. તેથી જે પ્રકારની વસ્તુ અને સપાટીનો ઉપયોગ થયો હોય તેના પર જ નમૂના લેવાનો પ્રયાસ હોય છે. આથી જ અમે ટીશ્યુ પેપર પર જ લખાણના નમૂના લઈએ છીએ. જે પ્રકારના કાગળનો ઉપયોગ થયો હોય તેના પર જ નમૂના લેવા તે વધુ યોગ્ય છે.”

Image Gallery