Loading...

શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે?:31st ડિસેમ્બરની ઉજવણી પહેલાં અમદાવાદમાંથી કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો; અઠવાડિયામાં બે મોટી રેડ, 3.20 કરોડનો જથ્થો જપ્ત

અમદાવાદ જિલ્લામાં દારૂની હેરાફેરીના નેટવર્ક પર પોલીસની તવાઈ તાજેતરના કિસ્સામાં, કોઠ પોલીસમથકની હદમાં ગ્રામ્ય એલસીબીએ રૂ. 2.02 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બગોદરા-વટામણ હાઈવે પર આવેલા રાઈપૂર પાટિયા નજીક કરવામાં આવી હતી.

બગોદરા હાઈવે પરથી ₹2.02 કરોડનો દારૂ પકડાયો પોલીસને મળેલી બાતમીના આધારે, કોંક્રિટ કન્ટેનર ટ્રકમાં છુપાવીને લઈ જવાઈ રહેલા વિદેશી દારૂની 15 હજારથી વધુ બોટલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે ટ્રક પણ જપ્ત કરી છે. દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. 2.27 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે બાડમેર, રાજસ્થાનના મુલારામ દેવરામ જાટ નામના એક શખસની અટકાયત કરી છે.

એક શખસની અટકાયત, બે વોન્ટેડ વધુ તપાસ દરમિયાન, રાજસ્થાનના અનિલ પંડ્યા અને જામનગરના અન્ય એક શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ આ બંને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ કાર્યવાહી કરી રહી છે.

ઝડપાયેલા મુદ્દામાલની વિગતો

  • દારૂનો જથ્થો: વિદેશી દારૂની 15 હજારથી વધુ બોટલો
  • કિંમત: દારૂની કિંમત રૂ. 2.02 કરોડ
  • કુલ જપ્ત મુદ્દામાલ: ટ્રક સહિત કુલ રૂ. 2.27 કરોડ

અઠવાડિયા પહેલાં ઊનની આડમાં ₹1.20 કરોડનો દારૂ ઝડપાયો હતો 2 ડિસેમ્બરના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે પણ એક વિશાળ જથ્થો જપ્ત કર્યો હતો, જે 31મીની પાર્ટીઓ માટે લાવવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવે છે. SMCએ અમદાવાદના સરખેજ-બાકરોલ ટોલપ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. દારૂનો જથ્થો ચંદીગઢથી લાવવામાં આવ્યો હતો અને તેને ઘેટાં-બકરાંનાં ઊન (વૂલ)ની 196 બેગની આડમાં સંતાડવામાં આવ્યો હતો, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય.

આ રેડ દરમિયાન કોઈ આરોપી પકડાયો નહોતો. પોલીસે ડ્રાઈવર સહિત કુલ 6 વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે, જે પૈકી સપ્લાય કરનાર અને મગાવનાર બંને અજાણ્યા વ્યક્તિને શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

મુદ્દામાલની વિગતો

  • દારૂની બોટલો: 53,369 બોટલ
  • કિંમત: જપ્ત દારૂની કિંમત રૂ. 1,20,08,025/-
  • કુલ જપ્ત મુદ્દામાલ: ટ્રક (કિં. રૂ. 30 લાખ) સહિત કુલ રૂ. 1,50,08,025/-

રાજકીય ગરમાવો: કોંગ્રેસ દ્વારા દારૂબંધી પર સવાલ કરોડો રૂપિયાના દારૂની હેરાફેરીના આ સતત પર્દાફાશ એવા સમયે થયા છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસકર્મીઓ પર દારૂ-જુગારમાંથી કમાણી કરવાના આરોપોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસે દારૂ-જુગારની લડતને આગળ વધારવા માટે આગામી સમયમાં હેલ્પલાઈન નંબર જાહેર કરવાની પણ જાહેરાત કરી છે.

આ મોટા દારૂના જથ્થાઓ પકડાતા, રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે, અને આવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી કરીને બૂટલેગરોનું નેટવર્ક તોડશે કે કેમ, તેના પર સૌની નજર છે.

અન્ય જગ્યાઓથી ઝડપાયેલા દારૂના જથ્થાઓ

  • વિવેકાનંદ નગર : પોલીસે ચોંકાવનારી રીતે બોર્નવિટાના બોક્સની આડમાં છુપાવીને લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
  • સાણંદ : સાણંદ પોલીસે એક ફ્લેટના પાર્કિંગમાં ઊભેલી કારમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
  • વિરમગામ: એલસીબીએ કાપેલા લાકડા (ટિમ્બર)ની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને પકડી પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, અમદાવાદ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વિદેશી દારૂની હેરાફેરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં બૂટલેગરોએ નાના વાહનો, ખાનગી બસ, કે પછી શાકભાજી કે અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની આડમાં દારૂની હેરાફેરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવીને નાની-મોટી માત્રામાં દારૂના જથ્થાઓ પકડી પાડ્યા છે. પોલીસની સતર્કતા અને બાતમીદારોના નેટવર્કના કારણે 31મી ડિસેમ્બર પહેલાં બૂટલેગરોનું નેટવર્ક સતત તૂટી રહ્યું છે.

Image Gallery