Loading...

બ્લડ કેન્સરનો રામબાણ ઇલાજ હવે ગુજરાતમાં!:CAR-T સેલ થેરપી શરૂ, અમદાવાદની હોસ્પિટલને સફળતા, ડૉક્ટર-એન્જિનિયરનું સંશોધન લાવ્યું ક્રાંતિ

CAR-T સેલ થેરેપી શું છે? CAR-T સેલ થેરેપી સ્પેશિયલાઇઝ થેરેપી છે. જેનું આખું નામ કાયમેરિક એન્ટિજન રિસેપ્ટર ટી સેલ છે. શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ માટે કેટલાક કોષો જવાબદાર હોય છે. જેમ કે T સેલ, B સેલ વગેરે. આ થેરેપીમાં દર્દીની રોગપ્રતિકારકતા માટે જે સેલ જવાબદાર હોય છે તેને શરીરમાંથી લેવામાં આવે છે. એ પછી તેને જીનેટિક અને બાયો એન્જિનિયરિંગ લેબમાં લઇ જવાય છે. જ્યાં તે સેલને મોડિફાઇડ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નોર્મલ T સેલને એ રીતે મોડિફાય કરાય છે જેથી એ આપણાં શરીરમાં કેન્સરના કોષોને જોઇ શકે એટલું જ નહીં તેને ઓળખીને તેનો નાશ પણ કરી શકે. આમ T સેલ લઇને તેમાંથી નવા જે સેલ બનાવાય તેને CAR-T સેલ થેરેપી કહેવાય છે.

T સેલ લેવાની પ્રોસેસ સૌથી પહેલાં તો દર્દીના શરીરમાંથી તેના પોતાના જ T સેલ લેવાય છે. જેમ લોહી આપવા જઇએ અને શરીરમાંથી લોહી લેવાય તેવી જ રીતની પ્રોસેસ આમાં પણ થાય છે. એક નિડલથી લોહી લેવામાં આવે છે. જે લોહી એક મશીનમાં જાય છે અને તેમાંથી માત્ર T સેલ અલગ થાય છે. જે બાદ બાકીનું લોહી એ વ્યક્તિના શરીરમાં પાછું જતું રહે છે. એકવાર આ સેલ લીધા પછી મુંબઇની સ્પેશિયલ લેબમાં મોકલાય છે.

મુંબઇની લેબમાં તેના પર પ્રોસેસ શરૂ થાય છે. સેલને રિક્રીએટ થતાં 2થી 3 અઠવાડિયાનો સમય લાગે છે. જેના પછી તેમાંથી CAR-T સેલ તૈયાર થાય છે. એમાં ક્વોલિટી કન્ટ્રોલથી લઇને આ સેલ કેટલું કામ કરી શકશે તેની પણ ચકાસણી થાય છે.

ફાઇનલ CAR-T સેલ તૈયાર થઇ જાય એટલે મુંબઇની લેબમાંથી માહિતી અપાય છે. આ માહિતી મળ્યા બાદ દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાય છે અને કેટલીક જરૂરી સારવાર અપાય છે. બીજીતરફ ફ્લાઇટ દ્વારા CAR-T સેલ અમદાવાદ આવે છે અને તેને હોસ્પિટલ સુધી પહોંચાડાય છે.

CAR-T સેલ માઇનસ 80 ડિગ્રીમાં રખાય છે ડૉ. કૌમિલ પટેલ કહે છે કે, જ્યારે CAR-T સેલ મુંબઇની લેબમાંથી પ્લેનમાં કુરિયર દ્વારા અહીં મોકલવામાં આવે છે ત્યારે તેને માઇનસ 80 ડિગ્રીમાં બરફના સ્વરૂપમાં રાખવામાં આવે છે. CAR-T સેલ 3 મહિના સુધી આરામથી રહી શકે છે. જે અહીં આવ્યાં પછી તેને નોર્મલ ટેમ્પરેચરમાં કન્વર્ટ કરીને દર્દીને અપાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે આમાં કોઇપણ પ્રકારનું ઓપરેશન કરવામાં નથી આવતું.

દર્દી 1 વર્ષમાં સ્વસ્થ થઇ જાય છે 'આ આખી પ્રોસેસમાં એકાદ કલાક જેટલો સમય લાગે છે. એક વાર આ પ્રોસેસ પૂર્ણ થાય એ પછીના બે અઠવાડિયા સુધી એ સેલ દર્દીના શરીરમાં કેન્સરના સેલને મારવાનું કામ કરે છે. જેનું ઓબ્જર્વેશન કરીએ છીએ પછી દર્દીને રજા અપાય છે. જે બાદ દર્દીને મહિને મહિને બોલાવાય છે. દર્દી સંપૂર્ણ રીતે 1 વર્ષમાં એકદમ ફ્રી થઇ જાય છે.'

IIT મુંબઇ અને TATA મેમોરિયલ હોસ્પિટલે પ્રયત્ન શરૂ કર્યો હતો તેમણે કહ્યું, વિશ્વમાં CAR-T સેલ થેરેપી 2010થી ઉપલબ્ધ છે. જેની મંજૂરી 2017માં આવી. મંજૂરી બાદ આ થેરેપી અમેરિકા, ઇઝરાયલ, ચીન, સિંગાપોરમાં ચાલતી હતી. તેનો ખર્ચો કરોડો રૂપિયા થતો હતો. આવામાં અમારી પાસે આવતાં કોઇ દર્દીને અમે ભાગ્યે જ વિદેશમાં સારવાર કરાવવાનું કહેતા હતા.

'બીજી તરફ IIT મુંબઇ અને TATA મેમોરિયલ હોસ્પિટલે વર્ષ 2020થી આ દિશામાં પ્રયત્નો શરૂ કર્યાં હતા. છેલ્લા એકથી દોઢ વર્ષમાં આ થેરેપી આપણાં દેશમાં બનાવી. હાલમાં જ એક દર્દીને આ થેરેપીથી કેન્સરનો ઇલાજ કર્યો હતો. જેમાં ખૂબ જ સારી સફળતા મળી. મારી દૃષ્ટિએ આ પ્રકારની થેરેપી આપનારા ગુજરાતમાં અમે પહેલાં છીએ.'

CAR-T સેલ થેરેપી આશાનું કિરણ 'અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે લોહીના કેન્સરની ટ્રીટમેન્ટ માટે કિમોથેરેપી આપવામાં આવતી હતી પરંતુ જેમ જેમ ટેક્નોલોજી અને સંશોધનો થઇ રહ્યાં છે તેના કારણે નવી નવી પદ્ધતિઓ આવતી જાય છે. કિમોથેરેપી પછી ટાર્ગેટેડ થેરેપી આવી જે બાદ બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટનો પણ ઓપ્શન આવ્યો. આવી સારવાર બાદ પણ એવું થતું હતું કે લોહીના કેન્સરના 20થી 25% દર્દીઓમાં 1, 2 કે 3 વર્ષનો સમય વિત્યા પછી કેન્સર પાછું આવી જતું હતું. આવી સ્થિતિમાં અમારે દુઃખ સાથે 2 હાથ જોડીને દર્દીના સંબંધીને કહેવું પડતું હતું કે હવે અમે આગળનો ઇલાજ નહીં કરી શકીએ, તમે દર્દીને ઘરે લઈ જાઓ અને તેની સેવા કરો. હવે CAR-T સેલ થેરેપી આ પ્રકારના દર્દીઓ માટે આશાની એક નવી કિરણ બની છે.'

શું એક વાર CAR-T સેલ થેરેપી આપ્યાં પછી એ વ્યક્તિને ફરી કેન્સર થવાની સંભાવના છે એ અંગે પૂછતાં ડૉ. કૌમિલ પટેલે કહ્યું, પહેલાં અમે કિમોથેરેપી, ઇમ્યિનોથેરેપી, ટાર્ગેટેડ થેરેપી આપતા હતા, બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ કરતાં હતા તેમ છતાં પણ 20 થી 25% દર્દીઓનું કેન્સર કન્ટ્રોલમાં ન આવે અથવા તો તેમને ફરીથી કેન્સર થતું હતું. આવા દર્દીઓ માટે આ થેરેપી ખૂબ જ અગત્યની બનશે. તેમના માટે 100% આશાનું કિરણ છે.

'આ થેરેપીમાં બાકી બધા ઉપચાર કરતાં ખૂબ જ સારી ક્યોરિટી છે છતાં પણ 100% રિસ્પોન્સ બ્લડ કેન્સરમાં મળવો આમાં પણ શક્ય નથી પણ જે દર્દીઓ માટે પહેલાં અમે કંઇ જ નહોતા કરી શકતા એવા દર્દીઓને પણ અમે 60 થી 65% ક્યોર કરી શકીએ છીએ. મને વિશ્વાસ છે કે નવા સંશોધનો થશે તેમ તેમ આમાં પણ નવા ઇનોવેશનો થશે.'

મહિલા દર્દીની હાલત સુધરી 'અમે ગુજરાતમાં પહેલીવાર જે દર્દીને CAR-T સેલ થેરેપી આપી તે મહિલા માત્ર 36 વર્ષની હતી. તેને બાળકો પણ છે. તેઓ એક વાર આ બીમારીમાંથી બહાર આવ્યા એ પછી ફરી તેમને આ બીમારી થઇ હતી. જ્યારે આવી બીમારી પાછી આવે ત્યારે પહેલા કરતાં ખૂબ જ ગંભીર સ્વરૂપ લઇને પાછી આવતી હોય છે. આ દર્દી માટે અમે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટના તમામ પ્રયત્નો કરી ચૂક્યાં હતા પણ કોઇ પરિણામ ન મળ્યું.'

'એક ડૉક્ટર તરીકે હું અને મારી ટીમ આ દિશામાં વિચારી રહ્યાં હતા કે તેમની સારવાર કરવી છે એટલે અમે દર્દી સાથે CAR-T સેલ થેરેપી અંગે ચર્ચા કરી એ પછી તેમની ફિટનેસ ચકાસી ત્યાર બાદ તેમની બીમારીને કન્ટ્રોલમાં લેવાની શરૂઆત કરી. એ પછી આજથી એક મહિના પહેલા તેમના શરીરમાંથી CAR-T સેલ માટેની પ્રક્રિયા કરી મુંબઇ મોકલ્યા. મુંબઇથી સેલ તૈયાર થઇને આવ્યાં પછી એ મહિલા દર્દીને અપાયા. હાલમાં ખૂબ જ સારું પરિણામ જોવા મળી રહ્યું છે.'

લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા કેન્સર માટે કારગત તેમના મતે, દુનિયામાં કેન્સરના જેટલા પણ દર્દીઓ છે તેમાં બીજા નંબર પર બ્લડ કેન્સરના દર્દીઓ આવે છે. બ્લડ કેન્સરમાં પણ લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા સહિત ઘણા કેન્સર છે.હાલમાં જે CAR-T સેલ થેરેપી શોધાઇ છે તે લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમામાં કામ કરે છે. લિમ્ફોમાના દર્દીઓ ઉંમરમાં નાના પણ હોઇ શકે અને મોટા પણ હોઇ શકે. માયલોમાના દર્દીઓ મોટા ભાગે મોટી ઉંમરના હોય છે. જ્યારે લ્યુકેમિયાના દર્દીઓ યંગ હોય છે. આ થેરેપી નાના બાળકોથી માંડીને ઉંમરલાયક લોકોમાં સફળ રીતે કરી શકાય છે.

વિદેશમાં 2થી 4 કરોડ રૂપિયાનો ખર્ચ, દેશમાં 20થી 30 લાખ 'થેરેપી આપવાથી કેન્સરની લડત સામે ચોક્કસપણે લાભ થશે જ. હાલમાં આ દિશામાં ઘણી ટ્રાયલ ચાલી રહી છે, વધારે સંશોધનો થઇ રહ્યાં છે. જેનાથી ઘણા ફાયદા થશે. સૌથી મોટો ફાયદો કહું તો વિદેશમાં આ થેરેપી 2 થી 4 કરોડ રૂપિયામાં થાય છે પણ આપણે ત્યાં 20થી 30 લાખ રૂપિયાની વચ્ચે થઇ જાય છે. આવનારા 5 થી 7 વર્ષમાં અન્ય કેન્સરના નિદાન માટે પણ આવી થેરેપી આવી જશે. વાના રોગ માટે પણ ઘણી ટ્રાયલ ચાલી રહી છે.'

તેમણે ઉમેર્યું કે, CAR-T સેલ થેરેપી એન્જિનિયર સાયન્સ વગર શક્ય જ નથી. આ એક કોલોબ્રેટિવ ઇનોવેશન છે જેમાં કોઇ ડોક્ટર દર્દી તરફથી જુએ છે. જ્યારે એન્જિનિયર મનુષ્યના શરીરના કોષોને કેવી રીતે એન્જિનિયરિંગ મોડિફાઇ કરી શકે તે જુએ છે. ડોક્ટર અને એન્જિનિયર બન્ને જ્યારે ભેગા થયા તેના ઇનોવેશનથી જ CAR-T સેલ થેરેપી શક્ય બની છે.

Image Gallery