Loading...

ગુજરાત શિક્ષણ બોર્ડનો છબરડો, ધુળેટીના દિવસે બોર્ડનું પેપર:4 માર્ચે પેપર ગોઠવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા

જાહેર રજાના દિવસે બોર્ડનું પેપર રાખવામાં આવતા વાલીઓ અસમંજસમાં ધૂળેટીની જાહેર રજાના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. રંગોના તહેવારના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓ ચિંતામાં મુકાયા છે. જો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પહેલી વખત આ પ્રકારની ભૂલ નથી કરવામાં આવી. અગાઉ પણ વર્ષ 2023માં ચેટી ચાંદના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રજtઆતના આધારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી આ વર્ષે પણ ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.

વિદ્યાર્થીઓ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી શકશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 7 નવેમ્બર, 2025થી 6 ડિસેમ્બર, 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. બોર્ડ દ્વારા જણાવાયું છે કે, રેગ્યુલર ફી સાથેના ઓનલાઈન આવેદનપત્રો 7 નવેમ્બર, 2025ના રોજ બપોરે 12:00 કલાકથી 6 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રીના 12:00 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પર ભરી શકાશે.

15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાની 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે, બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે.

બે વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષાઓ ગત વર્ષે 27 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ હતી. 27 ફેબ્રુઆરીથી શરૂ થઈને 10 માર્ચ સુધી પરીક્ષાઓ ચાલી હતી. જ્યારે આ વખતે પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચે પૂર્ણ થશે. 2025 પહેલાં બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ થતી હતી, પરંતુ બે વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ સતત 2 વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષા યોજવામાં આવે છે.

29 માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા આ સાથે જ ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે.

Image Gallery