કેન્દ્રીય બજેટ-2026 રવિવારે રજૂ થઈ શકે છે:1 ફેબ્રુઆરીએ રવિદાસ જયંતિની પણ રજા, નાણામંત્રી સીતારમણનું સતત 8મું બજેટ હશે
2026માં બજેટ ક્યારે રજૂ થઈ શકે છે
વર્ષ 2020 અને 2025માં પણ બજેટ શનિવારે (1 ફેબ્રુઆરી) રજૂ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે બજેટ 31 જાન્યુઆરી (શનિવાર) ના રોજ રજૂ કરવામાં આવશે નહીં. જો રવિવારે બજેટ રજૂ ન થાય, તો બીજો વિકલ્પ 2 ફેબ્રુઆરી (સોમવાર) નો રહેશે.
2017 પહેલાં બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કાર્યકારી દિવસે આવતું હતું, જેને બદલીને 1 ફેબ્રુઆરી કરવામાં આવ્યું જેથી 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ સરળતાથી શરૂ થઈ શકે.
સરકાર પરંપરા જાળવી રાખવા માંગે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓનું કહેવું છે કે સરકાર 1 ફેબ્રુઆરીની પોતાની પરંપરા જાળવી રાખવા માંગે છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે બજેટની તારીખ પર નિર્ણય સમય આવ્યે કેબિનેટ કમિટી લેશે.
જોકે, સૂત્રોનું કહેવું છે કે ગુરુ રવિદાસ જયંતિ કેન્દ્ર સરકારની 'પબ્લિક હોલિડે' યાદીમાં નહીં પરંતુ 'પ્રતિબંધિત રજા'માં આવે છે. આવી સ્થિતિમાં, રવિવાર હોવા છતાં સંસદની વિશેષ બેઠક બોલાવીને બજેટ રજૂ કરી શકાય છે.
નિર્મલા સીતારમણ બનાવશે નવો રેકોર્ડ
બજેટ 2026-27 નિર્મલા સીતારમણનું સતત આઠમું બજેટ હશે. આ સાથે તેઓ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબરી કરશે. મોરારજી દેસાઈએ પણ 8 સંપૂર્ણ બજેટ રજૂ કર્યા હતા, પરંતુ તેમણે બે અલગ-અલગ વડાપ્રધાનોના કાર્યકાળમાં આવું કર્યું હતું. જ્યારે, સીતારમણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની બે સતત સરકારોમાં આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ નાણામંત્રી બનશે.
રવિવારે સંસદ ચાલવાના જૂના ઉદાહરણો
સંસદના ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે રવિવાર કે રજાના દિવસે પણ ગૃહની કાર્યવાહી ચાલી છે. 2020માં કોરોના મહામારી દરમિયાન અને 2012માં સંસદની 60મી વર્ષગાંઠના અવસરે રવિવારે બેઠક યોજાઈ હતી. આ જ રીતે 1957માં બુદ્ધ પૂર્ણિમાની રજા હોવા છતાં રાષ્ટ્રપતિએ બંને ગૃહોને સંબોધન કર્યુ હતું. જાણકારોનું કહેવું છે કે બજેટ એક બંધારણીય પ્રક્રિયા છે, તેથી વિશેષ સંજોગોમાં રવિવારે ગૃહ ચાલી શકે છે.
