ICUમાં દર્દીના હાથની નળી નીકળી જતાં લોહી વહી ગયું:હાજર ડૉક્ટરો કે સ્ટાફે ધ્યાન ના આપ્યું, અમદાવાદની SVP હોસ્પિટલમાં બેદરકારીનો આક્ષેપ
દર્દીએ નળી કાઢવાનો પ્રયાસ કર્યો હતો’ SVP હોસ્પિટલના CEO સૌરભ પટેલે જણાવ્યું હતું કે ICU વોર્ડમાં દર્દીને દાખલ કરવામાં આવ્યું છે જેમાં તેમની થોડી હાલત ગંભીર છે તેમના મોઢે માસ્ક લગાડવામાં આવ્યું છે ત્યારે દર્દી દ્વારા કેટલીકવાર માસ્ક કાઢી નાખવામાં આવ્યું અને તેમના હાથમાં લગાવવામાં આવેલી નળી પણ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જેથી આ લોહી નીકળી ગયું હતું.
‘સ્ટાફની બેદરકારી અને ખોટી રીતે લગાવ્યું હોય તેવું નથી’ સામાન્ય રીતે ICU વોર્ડમાં દિવસમાં એક જ વાર દર્દીના પરિવારજનોને મળવા દેવામાં આવે છે અને જ્યારે તેઓ આવ્યા ત્યારે આ નળી નીકળી ગયેલી જોવા મળી હતી અને લોહી નીકળ્યું હતું. સ્ટાફની બેદરકારી અને ખોટી રીતે લગાવ્યું હોય એવું નથી પરંતુ દર્દીની હાલત આ પ્રકારની હતી અને તેમને સારું ન લાગતું હોવાથી નળી કાઢવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે લોહી નીકળી ગયું હતું અને આ મામલે જો પોલીસ દ્વારા નિવેદન લખાવવા બોલાવવામાં આવશે તો દર્દીની પરિસ્થિતિ અંગે જાણકારી આપવામાં આવશે.
‘શ્વાસની તકલીફના કારણે પિતાને દાખલ કર્યા’ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા રિયાઝુદ્દીન શેખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પિતા સલીમ શેખને ગઈકાલે 29 ડિસેમ્બરના રોજ એલિસબ્રિજ ખાતે આવેલી SVP હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે તેઓને ICUમાં રાખવામાં આવ્યા છે.
‘લોહી નીકળવા મામલે હાજર ડોક્ટરો-સ્ટાફને જાણ કરી હતી’ ગઈકાલે સાંજના સમયે હોસ્પિટલમાં ICU વોર્ડમાં તેમના પિતાના હાથમાં રહેલી નળી નીકળી ગઈ હતી અને બધું લોહી વહી ગયું હતું. જ્યારે તેમના સગા તેમની પાસે ગયા ત્યારે લોહી નીકળેલું જોવા મળ્યું હતું. હાજર ડોક્ટરો અને સ્ટાફને આ મામલે જાણ કરી હતી.
‘હોસ્પિટલ સ્ટાફની બેદરકારીથી કોઈનો જીવ ના લેવાય’ વૃદ્ધ દર્દીના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું પરંતુ સ્ટાફનું ધ્યાન ગયું નહોતું. આ બાબતે તેઓએ આક્ષેપ કર્યો હતો કે SVP હોસ્પિટલ સ્ટાફની બેદરકારી છે. હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી કોઈનો જીવ ના લેવાય. જેથી જવાબદાર સ્ટાફ સામે પગલા ભરવાની દર્દીના સગા દ્વારા માગ કરવામાં આવી છે. આ મામલે દર્દીના સગા દ્વારા એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે પણ બેદરકારીને લઈ અરજી આપવામાં આવી છે.
