અમેરિકાએ યૌન અપરાધી એપસ્ટીનનો AI વીડિયો જાહેર કર્યો:જેલની અંદર આત્મહત્યાની કોશિશ દેખાઈ, ટ્રમ્પે કહ્યું, એપસ્ટીન ફાઇલોથી નિર્દોષોની છબિ ખરાબ થશે
ટ્રમ્પ સરકારે એપસ્ટીન સાથે જોડાયેલો નકલી વીડિયો શેર કર્યો
અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (DOJ)એ સોમવારે રાત્રે યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનના જેલમાં મૃત્યુ સાથે સંબંધિત એક વીડિયો જાહેર કર્યો. આ વીડિયો માત્ર 12 સેકન્ડનો હતો અને એમાં જેલની કોટડીમાં એક માણસ આત્મહત્યાનો પ્રયાસ કરતો દેખાઈ રહ્યો હતો.
વીડિયોનો સમય એપસ્ટીનના મૃત્યુના લગભગ બે કલાક પહેલાં 10 ઓગસ્ટ 2019ના રોજ સવારે 4:29 વાગ્યાનો જણાવવામાં આવ્યો. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, થોડી જ વારમાં સ્પષ્ટ થઈ ગયું કે આ વીડિયો અસલી નથી, પરંતુ AI દ્વારા બનાવવામાં આવેલો નકલી વીડિયો છે.
આ 4chan વેબસાઇટ અને યુટ્યૂબ પર પહેલાંથી જ ઉપલબ્ધ હતો. 4chan એક ઓનલાઈન ઈમેજબોર્ડ વેબસાઇટ છે, જ્યાં લોકો નામ જણાવ્યા વિના પોસ્ટ કરી શકે છે. બાદમાં DOJએ આ વીડિયો પોતાની વેબસાઇટ પરથી તરત જ હટાવી લીધો.
શરૂઆતમાં લોકોને લાગ્યું કે એપસ્ટીનના મૃત્યુનો અસલી વીડિયો સામે આવી ગયો છે, તેથી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ, પરંતુ ધ્યાનથી જોતાં વીડિયોમાં ઘણી ગડબડો દેખાઈ, જેમ કે જેલનાં કપડાં જમીન પર વિચિત્ર રીતે પડેલાં હોવા અને કોટડીનો દરવાજો અસલી જેલથી અલગ દેખાવો.
હવે જાણો એપસ્ટીનનું મૃત્યુ કેવી રીતે થયું હતું
જુલાઈ 2019માં જ્યારે એપસ્ટીનને ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી હતી. એના એક મહિના પછી જ 10 ઓગસ્ટ 2019ના રોજ તેનું મૃત્યુ થયું. સરકારી રિપોર્ટમાં તો કહેવામાં આવ્યું કે એપસ્ટીને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી, પરંતુ ઘણા મેડિકલ અને લો એક્સપર્ટ્સે આના પર સવાલ ઉઠાવ્યા હતા.
પોસ્ટમોર્ટમથી જાણવા મળ્યું કે એપસ્ટીનના ગળાનાં ઘણાં હાડકાં તૂટેલાં હતાં, પરંતુ ફોરેન્સિક એક્સપર્ટ ડો. માઈકલ બેડને દાવો કર્યો કે આવી ઈજાઓ ફાંસી કે આત્મહત્યામાં થતી નથી. આ ગળું દબાવવા જેવો મામલો લાગે છે.
રિપોર્ટ મુજબ, જે રાત્રે એપસ્ટીનનું મૃત્યુ થયું એ રાત્રે જેલની સુરક્ષામાં ખામીઓ જોવા મળી. એપસ્ટીનના સેલની બહાર લાગેલા 2 કેમેરા એ રાત્રે ઘણીવાર ખરાબ થયા. એકવાર 3 મિનિટ માટે કેમેરા બંધ થયા અને જ્યારે ફરીથી ચાલુ થયા ત્યારે એપસ્ટીનનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જેલ દ્વારા જાહેર કરાયેલા CCTV ફૂટેજમાં પણ 1 મિનિટનો જમ્પ હતો.
અમેરિકી ટીવી હોસ્ટ જો સ્કારબોરોએ ટ્વીટ કર્યું - એક એવો માણસ, જેની પાસે અમીર અને શક્તિશાળી લોકોનું જીવન બરબાદ કરવાની જાણકારી હતી. જેલમાં મૃત હાલતમાં મળ્યો. આ તો રશિયન રીત છે.
શુક્રવારે ત્રણ લાખ દસ્તાવેજો જાહેર થયા હતા
જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જેફરી એપસ્ટીન સંબંધિત તપાસ હેઠળ શુક્રવારે રાત્રે અઢી વાગ્યે (ભારતીય સમય મુજબ) ત્રણ લાખ દસ્તાવેજો જાહેર કર્યા હતા, જોકે હજુ પણ સંપૂર્ણ દસ્તાવેજો જાહેર થવામાં સમય લાગી શકે છે.
આમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, પોપ સિંગર માઈકલ જેક્સન જેવા દિગ્ગજોની તસવીરો સામે આવી હતી, જોકે રેકોર્ડ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લગભગ નહિવત્ જોવા મળ્યું હતું. જ્યારે ફેબ્રુઆરીમાં જાહેર થયેલા એપસ્ટીનના ખાનગી જેટના ફ્લાઇટ લોગ્સમાં ટ્રમ્પનું નામ સામે આવી ચૂક્યું છે.
ઘણા પીડિતોના ઇન્ટરવ્યૂ અને એપસ્ટીનની સજાની કોપી જાહેર થઈ નથી
નવા દસ્તાવેજોમાં એપસ્ટીનના ન્યૂયોર્ક અને યુએસ વર્જિન આઇલેન્ડ્સવાળાં ઘરોની તસવીરો અને કેટલાક જાણીતા લોકોના ફોટા હતા, પરંતુ સૌથી જરૂરી કાગળો, જેમ કે પીડિતોના FBI ઇન્ટરવ્યૂ અને એ નિર્ણય જેમાં એપસ્ટીનને મોટી સજા આપવામાં આવી ન હતી, એ જાહેર કરવામાં આવ્યા નથી.
આનાથી સવાલો ઊઠી રહ્યા છે કે પહેલાં તપાસ બરાબર કેમ ન થઈ અને એને હળવી સજા કેમ મળી. ડેમોક્રેટ નેતાઓએ ટ્રમ્પ સાથે સંબંધિત ફોટો હટાવવા પર કહ્યું કે સરકાર કંઈક છુપાવી રહી છે અને સંપૂર્ણ સત્ય સામે લાવવાની માગ કરી.
બ્રિટનના પૂર્વ પ્રિન્સ એન્ડ્રુ જેવાં અન્ય મોટાં નામોનો પણ આ દસ્તાવેજોમાં બહુ ઓછો ઉલ્લેખ છે. વિરોધપક્ષના સાંસદોએ અમેરિકી જનતા માટે સંપૂર્ણ પારદર્શિતાની માગ કરતાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પર કવર-અપના આરોપો લગાવ્યા.
