જૂનાગઢના બુટલેગરે ઘરમાં જ ઊભી કરી નકલી દારૂની 'મિની ફેક્ટરી:કેમિકલ અને એસેન્સ ભેળવી જાતે જ દારૂ બનાવતો, બ્રાન્ડેડ બોટલોમાં ભરી ઊંચા ભાવે વેચતો
ઘરના ડેલામાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી અત્યાર સુધી રાજ્યમાં નકલી ઘી, નકલી તેલ કે નકલી મસાલા પકડાવવાની ઘટનાઓ સામાન્ય હતી પરંતુ, આ પ્રકારે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ડેલાની અંદર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રાતોરાત આ જગ્યા પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘટનાસ્થળના દૃશ્યો જોઈને પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ગઈ હતી.
બુટલેગર જાતે જ દારૂ તૈયાર કરતો ને બ્રાન્ડેડ બોટલોમાં ભરીને વેચતો બુટલેગરે પોતાના રહેણાંક મકાનને જ નકલી દારુ તૈયાર કરવા માટેની 'મિની ફેક્ટરી' બનાવી દીધી હતી. નકલી દારુ બનાવવા માટેની આખી સિસ્ટમની ઘરમાં ગોઠવણ કરી હતી. બુટલેગર જાતે જ દારૂ તૈયાર કરતો હતો. એક મોટી ટાંકીમાં પાણી ભરીને ત્યારબાદ તેમાં ઘાતક કેમિકલ અને એસેન્સ મિક્સ કરીને દારુ જેવું જ પ્રવાહી તૈયાર કરતો હતો. આ પ્રવાહી તૈયાર થઈ જાય એટલે તેને અલગ-અલગ પ્રીમિયમ બ્રાન્ડની બોટલોમાં ભરતો ને બજારમાં વેચવા માટે તૈયાર કરતો હતો.
ઘરમાં ચારેય બાજુ નકલી દારૂની અસલીની માફક રેલમછેલ અજુગતી વાત તો એ હતી નકલી દારુ તૈયાર કરવાના કીમીયા સાથે તેની પાસે અલગ-અલગ પ્રીમિયમ બ્રાન્ડના નકલી સ્ટીકરો અને સીલ મારવાનું મશીન પણ હતું. નકલી દારૂ તૈયાર થઈ જાય એટલે નવી-જૂની બોટલો ભેગી કરી તેમાં દારુ ભરીને બ્રાન્ડેડ સ્ટીકરો અને સીલ મારીને આરામથી અસલી દારુની માફક વેચવામાં આવતો હતો. આ દારુની બોટલ એવી રીતે સીલપેક તૈયાર કરાતી કે કોઈ તેના પર શંકા ન કરી શકે કે તે નકલી છે.
15 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી 15 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ આ આરોપી આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે. એ-ડિવિઝન પોલીસે દરોડા દરમિયાન નકલી દારૂ ભરેલી 1400 બોટલો, 450 લિટર જેટલું કેમિકલ અને એસેન્સનો જથ્થો મોટી સંખ્યામાં ખાલી બોટલો, બુચ અને નકલી સ્ટીકરો દારૂ બનાવવામાં વપરાતા વાસણો અને અન્ય સાધનો જપ્ત કર્યા હતા.
પોલીસે કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી આ કૌભાંડમાં રઘુવીર સોલંકી સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને તે આ કેમિકલ ક્યાંથી લાવતો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. જૂનાગઢ પોલીસની આ સફળતાથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડી નાખવા માટે એ-ડિવિઝન પોલીસે કમર કસી છે. આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે.
