Loading...

અમદાવાદમાં મુસાફરો ભરેલી AMTS બસ ભડભડ સળગી:જીવ બચાવવા કૂદ્યા પેસેન્જરો, સુરતમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા 5થી વધુ શ્રમિકો દાઝ્યા

અમદાવાદના એસજી હાઇવે પર સોલા ભાગવત ચાર રસ્તા નજીક AMTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. બસની આગળના ભાગે એન્જિનમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી ગઈ હતી. જેના પગલે તાત્કાલિક બસમાં સવાર મુસાફરો પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

તો સુરત શહેરના ઉદ્યોગ નગરી ગણાતા ઉધના વિસ્તારમાં આજે એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5થી વધુ વ્યક્તિઓ દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5 ફાયર સ્ટેશનની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યો છે.

સોલા ભાગવત ચાર રસ્તા પર બસમાં આગ ફાયરબ્રિગેડ પાસેથી પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ AMTS રૂટ નંબર 501ની બસ અડાલજ ત્રિમંદિરથી સરખેજ ઉજાલા તરફ જતી હતી. દરમિયાનમાં સોલા ભાગવત ચાર રસ્તા ઉપર બસની ડ્રાઈવર કેબિનમાં એન્જિન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેથી ડ્રાઈવરે તાત્કાલિક બસ સાઇડમાં ઊભી કરી દીધી હતી.

મુસાફરો પાછળના દરવાજાથી જીવ બચાવી ભાગ્યા આગ લાગતા જ ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસમાં સવાર મુસાફરોને તાત્કાલિક પાછળના દરવાજેથી નીચે ઉતરી જવા કહ્યું હતું, જેથી તરત જ મુસાફરો પાછળના દરવાજેથી નીચે ઉતરી ગયા હતા.

કંડક્ટરે પોલીસ-ફાયરને જાણ કરી ડ્રાઇવરે બસની મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી અને પોતે પણ નીચે ઉતરી ગયો હતો. આ દરમિયાન આગળના ભાગે એન્જિનમાં આગ શરૂ થઈ ગઈ હતી. બસના કંડક્ટરે તરત ઈમરજન્સી 112માં ફોન કરી પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયરે આગ કાબૂમાં લીધી જાણ થતાં જ ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. બસની ડ્રાઈવર કેબિન તેમજ બસનો આગળનો ભાગ અંદરથી 6 સીટો અને ફ્લોર, સિલીંગ સળગી ગઈ હતી.

બસ ઓપરેટર વિરુદ્ધ નોટિસ આપી દંડની કાર્યવાહી કરાશે પોલીસ પણ ઘટનાસ્થળે આવી ગઇ હતી. AMTS ફ્લાઈંગ વિભાગની ટીમ તેમજ વાડજ ટર્મિનસથી સુપર વાઇઝર સ્થળ પહોંચી ગયા હતા. આ સમગ્ર મામલે બસ ઓપરેટર વિરુદ્ધ નોટિસ આપી અને દંડની કાર્યવાહી કરવામાં આવશે.

પ્લાસ્ટિકનો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું સુરતના ઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતાં નાસભાગ મચી ગઈ હતી.'

ફાયર વિભાગના 8 ટેન્કર આગ બુઝાવવામાં લાગ્યા આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા 5 અલગ-અલગ ફાયર સ્ટેશનની ટીમોને રવાના કરવામાં આવી હતી. કુલ 8થી વધુ ફાયર ટેન્કરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. ફાયરના જવાનોએ જીવના જોખમે કારખાનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

5 લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી હોસ્પિટલમાં ખસેડાયા આ દુર્ઘટનામાં 5થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આગનું કારણ અકબંધ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ આગ સંપૂર્ણપણે ઓલવાયા બાદ તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે.

‘પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કામ થાય છે’ કારખાનામાં કામ કરતા શ્રમિક રહેમાને જણાવ્યું હતું કે, હું અહીં અંદર કામ કરું છું. અંદર આગ લાગી હતી, ત્યારે હું ત્રણ રસ્તા પાસે ચા પીતો હતો. મને ખબર પડી એટલે મેં આવીને જોયું. અંદર 4થી 5 લોકો ઘાયલ થયા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. કેટલાક લોકોને 108માં લઈ ગયા છે. ફાયર બ્રિગેડવાળા આવ્યા અને પાણીનો મારો ચલાવ્યો. અહીં અંદર પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કામ થાય છે.

કોઈના હાથ તો કોઈના પગ સળગી ગયા નજરે જોનાર અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે, બધું સળગી ગયું હતું. અવાજ આવ્યો, અમે બહાર ઉભા હતા ત્યારે અચાનક જોરદાર ધડાકો થયો. સવારે 8થી 8:30 વાગ્યાની આસપાસની આ વાત છે. પછી જ્યારે બધા અંદરથી બહાર નીકળ્યા ત્યારે જોયું તો બધા દાઝી ગયા હતા. કોઈના હાથ તો કોઈના પગ સળગી ગયા હતા. લગભગ પાંચ માણસો હતા. પહેલા અહીં તો કોઈ નહોતું આવ્યું, પછી આગ બુઝાવવાવાળા આવ્યા હતા.

કામ પર હતા ને બ્લાસ્ટ થયો દાઝી ગયેલા શ્રમિકની પત્ની સુધા વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મારા પતિનું નામ લલિત વિશ્વકર્મા છે. માલ કાપતી વખતે ત્યાં બ્લાસ્ટ થયો અને આવું થઈ ગયું અને ગોડાઉનમાં આગ લાગી ગઈ. ‘એકે પ્લાસ્ટિક’ છે. 8 વાગ્યે તેઓ કામ પર ગયા હતા અને ત્યાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ કેવી રીતે થયો તે મને નથી ખબર, એ તો હવે એ જ લોકોને ખબર હશે. અમે પણ ત્યાં જ કામ કરતા હતા પણ અમે નીચેના ભાગમાં હતા. આ લોકો ઉપર માલ કાપી રહ્યા હતા. કંપનીમાં તો ઘણા બધા લોકો કામ કરે છે, પણ કટિંગમાં 5-6 લોકો જ હતા.

ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની સબ ફાયર ઓફિસર રોહિત ખલાસીએ જણાવ્યું હતું કે, ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો. એટલે ઉધના, માન દરવાજા અને ડિંડોલી-ડુંભાલથી ગાડીઓ રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા માળે આગ ફેલાયેલી હતી. એટલે આવીને આગ અમે તાબડતોબ બુઝાવી નાખી.

આગ કાબૂમાં ત્રણ-ચાર માણસો દાઝ્યા છે, એવું એમનું કહેવું છે. એટલે એમને પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા છે.આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી. આગ પણ બુઝાવી નાખી છે અને ટોટલ કૂલ ડાઉન કરી નાખ્યું છે.

Image Gallery