સુરતના મગદલ્લા દરિયા કિનારે 5 સેકન્ડમાં બોટની જળસમાધિ, VIDEO:કોલસો ભરી જેટી તરફ આવતી બોટ અચાનક પલટી, 5 લોકો દરિયામાં ફેંકાતા જીવ બચાવવા વલખાં માર્યા, અંતે બચાવ
અન્ય બોટના ચાલકોએ સમયસૂચકતા વાપરી પાંચ લોકોને બચાવ્યા આ ઘટના સમયે સદનસીબે અન્ય કોલસા ભરેલી બોટો પણ નજીકમાંથી પસાર થઈ રહી હતી. બોટ પલટી જવાની ઘટના નજરે જોતા જ અન્ય બોટના ચાલકોએ સમયસૂચકતા વાપરી હતી. ડૂબી રહેલા પાંચેય વ્યક્તિઓને તાત્કાલિક અન્ય બોટમાં ખેંચી લેવામાં આવ્યા હતા. જો થોડી પણ સેકન્ડોનું મોડું થયું હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. લોકોના જીવ બચી જતા ઘટનાસ્થળે હાજર શ્રમિકો અને અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ પાણીમાં ડૂબતી બોટના દ્રશ્યો હજુ પણ ભય પેદા કરી રહ્યા છે.
કિંમતી કોલસો દરિયામાં ગરકાવ આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે. પરંતુ આર્થિક નુકસાન મોટા પાયે થયું હોવાનું જાણવા મળ્યું છે. બોટમાં લાદવામાં આવેલો કિંમતી કોલસો અને અન્ય સામાન દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પલટી ગયેલી બોટને કિનારે લાવવામાં આવી હતી. આ લાઈવ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા દરિયાઈ કામગીરી દરમિયાન રાખવામાં આવતી સુરક્ષા અને લાઈફ જેકેટ જેવા સાધનોની ઉપલબ્ધતા સામે પણ સવાલો ઉભા થયા છે.
