હિમાચલના સોલનમાં 6-7 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 8-9 લોકોના મોતની આશંકા
એક મકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લીધું
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ એક રહેણાંક મકાનમાં આગી હતી, તેમજ ઘરમાં રાખેલા એલપીજી સિલિન્ડરો એક પછી એક ફાટવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સાંકડી ગલીઓ અને સતત થતા ધડાકાઓને કારણે ફાયર બ્રિગેડ માટે બચાવ કામગીરી કરવી અત્યંત પડકારજનક બની હતી. ગભરાયેલા રહીશો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરો, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકોની કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બજારનો મોટો હિસ્સો રાખમાં ફેરવાઈ ગયો હતો.
સર્ચ ઓપરેશન તેજ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં સિલિન્ડર બ્લાસ્ટ મુખ્ય કારણ જણાય છે. હાલમાં મૃત્યુ પામેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર અર્કી પંથકમાં શોક અને ભયનો માહોલ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પીડિત પરિવારોને રાહત પહોંચાડવાની કામગીરી અને આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.
