ધોરણ-10નું પ્રથમ ભાષાનું પેપર શરૂ:વડોદરામાં ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થિની બેભાન અને એકને ખેંચ આવી; સુરત પોલીસે છેલ્લી ઘડીએ પરીક્ષાર્થીને કેન્દ્ર સુધી પહોંચાડી
આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપવાના છે.
ધો-10નું પ્રથમ ભાષાનું પેપર શરૂ થઈ ગયું છે. સુરતમાં વિદ્યાર્થીઓનું બેન્ડબાજાથી સ્વાગત કરાયું હતું તો રાજકોટમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે ગીત સાથે આવકાર અપાયો હતો. વિદ્યાર્થીઓને તિલક કરી ફૂલ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ અપાયો હતો.
પરીક્ષાર્થી ગેરરીતિમુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટેની પણ વ્યવસ્થા દરેક પરીક્ષા કેન્દ્ર પર કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રની તમામ બિલ્ડિંગ CCTVથી સજ્જ કરવામાં આવી છે. તેમજ તમામ પરીક્ષા સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ હાજર રહેવાની છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ વર્ષે એક કલાકનો સમય વધારે આપવામાં આવશે.
દિવ્યાંગ વિધાર્થીઓને એક કલાકનો વધુ સમય મળશે ગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. રાજ્યમાં SSC માટે કુલ 87 ઝોન અને HSC માટે કુલ 59 ઝોનની રચના કરવામાં આવી છે. તેમજ ધોરણ 10 માટે કુલ 1006 કેન્દ્ર અને ધોરણ 12માં કુલ 695 કેન્દ્ર છેજેમાંથી સામાન્ય પ્રવાહમાં 539 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહના 156 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.