માતાએ પુત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી, દીકરાનું મોત:બંને કાર પર પડ્યા, ગંભીર ઈજાગ્રસ્ત માતાની સુરત સિવિલમાં સારવાર ચાલી રહી છે
માતા-પુત્ર નીચે પાર્ક કાર પર પડ્યા મહિલાએ 14મા માળેથી પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી, ત્યારે તે નીચે પાર્ક કરેલી એક કાળા રંગની કાર પર પટકાઈ હતી. મહિલા કારના પાછળના ભાગે પડતા કારનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને પાછળનો ભાગ દબાઈ ગયો હતો. કારની પાસે જ મહિલા લોહીલુહાણ હાલતમાં પટકાઈ હતી, જેના કારણે આ ગમખ્વાર અકસ્માતમાં કારને પણ ભારે નુકસાન થયું હતું. આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
પુત્રનું મોત, માતાની સ્થિતિ ક્રિટિકલ અલથાણ પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે,આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ સુમન અમૃત આવાસ છે જે ભટાર ચોકી વિસ્તારમાં લાગે છે, ત્યાં એક આશરે 30 વર્ષની મહિલા છે જે પોતાના બાળકને લઈને 14મા માળેથી જમ્પ કરેલાનું જણાઈ આવે છે. આ ઘટનામાં બાળકનું જગ્યા ઉપર જ અવસાન થયેલું છે અને બેનની કન્ડિશન થોડી ક્રિટિકલ છે, હાલ સારવાર અર્થે સિવિલ માટે લાવેલા છે.
બાળકની ઉંમર આશરે 5 વર્ષની આસપાસ પ્રાથમિક તપાસ દરમિયાન મહિલા આવાસની ના હોવાનું જાણવા મળે છે. મહિલા કોણ છે, ક્યાંથી આવી અને આ બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે તો બનાવ પોતે આત્મહત્યા કરવા માટે 14મા માળેથી કૂદેલી હોય એવું જણાઈ આવે છે, છતાં પણ પોલીસ સીસીટીવી ફૂટેજ અને બીજા ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી રહી છે. બાળકની ઉંમર આશરે 5 વર્ષની આસપાસ છે.
આવાસમાં રહેતા લોકો મહિલાને ઓળખતા નથી ઘટનાસ્થળે જ પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે હાલ માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધી આ મહિલાની ઓળખ થઈ શકી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આવાસમાં રહેતા લોકો પણ તેમને ઓળખતા નથી. એવી શક્યતા છે કે તેઓ ત્યાં હાલમાં જ રહેવા આવ્યા હોય અથવા આત્મહત્યા કરવાના ઈરાદે બહારથી આ બિલ્ડિંગમાં આવ્યા હોય. પોલીસે આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
