Loading...

SG હાઇવે પર હિટ એન્ડ રન, યુવકનું મોત:ગાંધીનગરથી નોકરી જવા નીકળેલા બાઇક ચાલકને નિરમા યુનિ. પાસે ટક્કર મારી વાહન ચાલક ફરાર, અકસ્માત સ્થળે પરિજનોનું હૈયાફાટ રૂદન

નિરમા યુનિવર્સિટી પાસે ટક્કર મારી વાહન ચાલક ફરાર મળતી માહિતી મુજબ કથન ખરચર નામનો 21 વર્ષીય યુવક ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહે છે. કથન YMCA પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કથન રોજની જેમ આજે(1 ડિસેમ્બર) વહેલી સવારે ગાંધીનગરથી બાઇક પર પોતાની ઓફિસ જવા નીકળ્યો હતો. નિરમા યુનિવર્સિટી પાસે પહોંચતા સવારે 6:30 વાગ્યાની આસપાસ કથનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેને લીધે કથન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.

અકસ્માત સ્થળે પરિવારજનોનું હૈયાફાટ રૂદન આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિજનો સ્થળ પર પહોંચ્યા હતા. યુવાન દીકરાનું મોત થતા પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા CCTV ફુટેજમાં આધારે વધુ તપાસ શરૂ કરી છે.

એસ.જી હાઈવે પરના CCTV ફૂટેજ તપાસી રહ્યા છીએ: PI એસ.જી 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI આર.વી વીછીએ જણાવ્યું હતું કે અકસ્માત કરીને અજાણ્યો વાહન ચાલક નાસી ગયો છે. પોલીસ દ્વારા એસ.જી હાઈવે પરના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

નિકોલમાં હીટ એન્ડ રન, અસલાલીમાં ડમ્પરની અડફેટે બે યુવાનોનાં મોત 3 દિવસ પહેલા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અકસ્માતમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. નિકોલમાં ભક્તિનગર સર્કલ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં ચાલવા નીકળેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે, અકસ્માતની ઘટના બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો તો અસલાલીમાં મહીજડા પાટિયા પાસે ડમ્પરની અડફેટે એક્ટિવા લઈને જતા યુવકનું મોત નિપજ્યું હતું

13 નવેમ્બરની મોડી રાત્રે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં કાંકરિયા રોડ પર ન્યુ ગ્રીન માર્કેટ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ન્યુ ગ્રીન માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રમણભાઈ પરમાર રાત્રે 3 વાગ્યે ચા પીવા માટે જતા હતા, ત્યારે રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી નીચે પાડી દેતા કોઈ વાહનનું વ્હીલ તેમના માથા ઉપરથી ફરી વળ્યું હતું. જેમાં તેમનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું.