રાયપુરમાં વન-ડેમાં ક્યારેય ભારત હાર્યું નથી, આજે બીજી મેચ:બાવુમા-મહારાજની વાપસીથી સાઉથ આફ્રિકા મજબૂત, શું ગાયકવાડની જગ્યાએ પંત રમશે?
રાયપુરમાં ભારત વન-ડે નથી હાર્યું રાયપુરમાં અત્યાર સુધી એક જ વન-ડે રમાઈ છે. જાન્યુઆરી 2023માં ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. હેડ-ટુ-હેડમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 59 વન-ડે રમાઈ છે. ભારતે 28 અને સાઉથ આફ્રિકાએ 30 વન-ડે જીતી છે. એક મુકાબલો અનિર્ણીત રહ્યો હતો. ભારતમાં બંનેએ 25 મેચ રમી, ટીમ ઈન્ડિયાએ 15 અને સાઉથ આફ્રિકાએ 10 મેચ જીતી છે.
શું ગાયકવાડને બહાર કરવામાં આવશે? રાંચીમાં ઋતુરાજ ગાયકવાડને તક આપવામાં આવી હતી. તે નંબર-4 પર ઊતર્યો. પરંતુ 8 રન બનાવીને આઉટ થયો. આ મેચ પહેલાં કેએલ રાહુલે કહ્યું હતું કે પંત બેટર તરીકે પણ રમી શકે છે. એવામાં પંતને રાયપુરમાં તક આપવામાં આવી શકે છે. તેને પ્રેક્ટિસ સેશનમાં બેટિંગ કરતા જોવામાં આવ્યો. મેચમાં વિકેટકીપિંગ અને બેટિંગની જવાબદારી ખુદ કેપ્ટન કેએલ રાહુલ સંભાળી રહ્યો છે. જોકે, તેણે પ્રેક્ટિસ કરી નથી. રોહિત, કોહલી અને સુંદરે પણ બેટિંગ કરી.
રોહિત ટૉપ સ્કોરર, હર્ષિતને સૌથી વધુ વિકેટ મળી ભારત તરફથી આ વર્ષે સૌથી વધુ રન રોહિત શર્માએ બનાવ્યા છે. તેણે જાન્યુઆરી 2025 પછીથી 51ની સરેરાશથી 561 રન બનાવ્યા છે. રોહિતે ગત મેચમાં 57 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે, હર્ષિત રાણાએ 3 વિકેટ ઝડપી હતી. હર્ષિત પણ આ વર્ષે 19 વિકેટ લઈ ચૂક્યો છે.
બ્રીટ્ઝકીએ સૌથી વધુ રન બનાવ્યા, એન્ગિડીએ 18 વિકેટ લીધી સાઉથ આફ્રિકા તરફથી મેથ્યુ બ્રીટ્ઝકીએ રાંચીમાં સૌથી વધુ 72 રન બનાવ્યા હતા. તે આ વર્ષે 10 મેચમાં 68.22ની સરેરાશથી 614 રન બનાવી ચૂક્યો છે. લુંગી એન્ગિડીએ જાન્યુઆરી 2025 પછી રમેલી 11 મેચમાં 18 વિકેટ ઝડપી છે. તેઆ મેચથી વાપસી કરી શકે છે.
રાયપુરમાં ટૉસ મોટું પરિબળ, બેટર્સને મદદની શક્યતા આ મુકાબલામાં પણ ટૉસ મોટું પરિબળ સાબિત થઈ શકે છે. કારણ કે, રાયપુરમાં સાંજ પછી ઝાકળ આવવા લાગશે. પહેલી વન-ડે દરમિયાન રાંચીમાં પણ ઝાકળ જોવા મળી હતી. રાયપુરની પીચ સામાન્ય રીતે બેટર્સ માટે મદદરૂપ માનવામાં આવે છે. એવામાં હાઇ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. ટૉસ જીતનારી ટીમ પહેલા ચેઝ કરવાનું પસંદ કરશે.
યાન્સેન નહીં રમે, પત્નીની તબિયત ખરાબ; રાંચીમાં રોકાયો સાઉથ આફ્રિકાના ઝડપી બોલર માર્કો યાન્સેનના બીજી વન-ડેમાં રમવા પર શંકા છે. તે ટીમ સાથે રાયપુર પહોંચ્યો નથી. પત્નીની તબિયત ખરાબ હોવાને કારણે તેને રાંચીમાં જ રોકાવું પડ્યું. તેના પ્રદર્શન પર કેપ્ટન બાવુમાએ કહ્યું- 'તેનું (યાન્સેન) બેટ અને બોલ બંનેથી પ્રદર્શન અમારી સફળતામાં ખૂબ મોટું યોગદાન છે.' યાન્સેને ગત મેચમાં 70 રનની ઇનિંગ્સ રમી. તેણે બોલિંગમાં 2 વિકેટ પણ લીધી હતી.
આજે T20 વર્લ્ડ કપની જર્સી લૉન્ચ થશે, પંડ્યા રાયપુર પહોંચ્યો બુધવારે રાયપુરમાં T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જર્સી પણ લૉન્ચ થશે. અહીં BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા પણ હાજર રહેશે. હાર્દિક પંડ્યા પણ રાયપુર પહોંચી ચૂક્યો છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત (IND): કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર/નીતિશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
સાઉથ આફ્રિકા (SA): ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરમ, મેથ્યુ બ્રીટ્ઝકી, ટોની ડી જ્યોર્જી, ડેવાલ્ડ બ્રેવિસ, કોર્બિન બોશ, પ્રનેલન સુબ્રાયન/કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર અને ઓટનિલ બાર્ટમેન/લુંગી એન્ગિડી.
