Loading...

'અચાનક જ ફાયરિંગ થયું ને હું દોડી બેડરૂમમાં ગયો':યશરાજસિંહે 30 સેકન્ડમાં જ માથામાં ગોળી મારી લીધી, શક્તિસિંહના ભત્રીજા અને વહુનાં મોત પહેલાં શું શું થયું?

તારીખ: 21 જાન્યુઆરી, 2026 સ્થળ: NRI ટાવર, જજીસ બંગલો રોડ-અમદાવાદ. સમય: રાતના 11.35 આસપાસ.

અમદાવાદ શહેરના પોશ ગણાતા જજીસ બંગલો રોડ ઉપર આવેલા NRI ટાવરના 502 નંબરના ફ્લેટમાં એક પિસ્તોલમાંથી છૂટેલી બે ગોળીએ લીમડા સ્ટેટના રોયલ ફેમિલીને કારમો આઘાત આપ્યો છે. બે મહિના પહેલાં જ હાથેથી મીંઢોળ છૂટ્યો હતો અને હવે લોહીના ખાબોચિયામાં સજોડે લાશ થઈને ગોહિલ દંપતી પડ્યું હતું.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ વન અધિકારી યશરાજસિંહ ગોહિલથી અકસ્માતે પિસ્તોલ વડે ફાયરિંગ થઈ જતાં તેમનાં પત્ની રાજેશ્વરીબાનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ 108 ઇમર્જન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સના કર્મચારી ફ્લેટમાં પહોંચ્યા અને તેમનાં પત્નીની લોહીલુહાણ હાલતમાં પડેલી લાશ જોઈને તપાસ કરી અને 108 કોલ સેન્ટરમાં જાણ કરતા હતા. આ દરમિયાન રાજેશ્વરીબાને તપાસીને મૃત હોવાની જાણ કરતા હતા ત્યાં 30 સેકન્ડમાં જ યશરાજસિંહ ગોહિલે પણ માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી.

ભાવનગરથી લઈ અમદાવાદ સહિત શક્તિસિંહ ગોહિલનાં પરિવાર અને નિકટજનોને એક ક્યારેય ન ભુલાઈ એવા જખ્મ આપનારી આ ઘટના બની ત્યારે ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચેલા બોડકદેવ લોકેશનની એમ્બ્યુલન્સના કર્મચારી પરેશ પટેલ સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ફ્લેટ નં.502માં એ રાત્રે શું શું જોયું તે અંગેનો ઘટનાક્રમ વર્ણવ્યો હતો.

'યશરાજસિંહના પત્ની લોહી લુહાણ હાલતમાં બેડની બાજુમાં પડેલા હતા' દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા 108 ઇમરજન્સી સેવાના EMT પરેશ પટેલે જણાવ્યું હતું કે, હું બોડકદેવ લોકેશનની એમ્બ્યુલન્સમાં પેરામેડિકલ સ્ટાફ તરીકે ફરજ બજાવું છે. 21 જાન્યુઆરીના રોજ રાત્રે 11.42 વાગ્યે કોલ સેન્ટર તરફથી કોલ મળ્યો હતો કે એક ગન શૂટ થયું છે. જેથી જે સ્થળ અને લોકેશન આપવામાં આવ્યું હતું ત્યાં 11:45 વાગ્યે અમારી એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. જે ઘરમાં ગનશૂટ થયું હતું ત્યાં પહોંચ્યો ત્યારે બેડરૂમમાં યશરાજસિંહના પત્ની લોહી લુહાણ હાલતમાં બેડની બાજુમાં પડેલા હતા. તેમની માતા પણ બેડરૂમમાં હતા.

‘હું બેડરૂમમાંથી થોડો બહાર નીકળ્યો ને અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો’ જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મેં યશરાજસિંહને મેં પૂછ્યું હતું કે આ કેવી રીતે બન્યું છે. જેથી તેમણે મને કહ્યું હતું કે પિસ્તોલનાં કવરમાંથી પિસ્તોલ કાઢવા જતા ભૂલથી ફાયરિંગ થઈ ગયું છે. ત્યાર બાદ મેં બેડની બાજુમાં લોહી લુહાણ હાલતમાં પડેલા રાજેશ્વરીબાના ધબકારા તેઓ તપાસી રહ્યા હતા ત્યારે ધબકારા મળ્યા નહોતા. જેથી હું બેડરૂમમાંથી થોડાક જ બહાર નીકળી 108 કોલ સેન્ટરમાં ફોન કરી આ બાબતે જાણ કરી અને અચાનક જ ફાયરિંગનો અવાજ આવ્યો.