વડોદરામાં હાર્ટ-એટેક બાદ ડ્રાઇવરનું મોત, CCTV:દીકરીએ આક્રંદ સાથે કહ્યું, સમયસર સારવાર ન આપી કંપનીએ મારા પિતાનું મર્ડર કર્યું છે, અમે 3 બહેન બાપ વગરની થઈ ગઈ
ઢળી પડ્યાથી લઈને 108માં લઈ જતા સુધીની ઘટના CCTVમાં કેદ કંપનીના CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે જયદીપભાઈ ચાલતાં-ચાલતાં અચાનક લથડિયા ખાઈ પડી જાય છે. ત્યાર બાદ કેટલાક લોકો તેમને ઊંચકીને રૂમમાં લઈ જાય છે અને જ્યાં તેમને ચા, પાણી અને ફૂટ આપવામાં આવે છે. પરિવારનો આક્ષેપ છે કે તેમને ચા-સફરજન નહીં, પણ સારવારની જરૂર હતી, પણ સમયસર સારવાર આપવામાં ન આવતાં તેમનું મોત થયું છે. મૃતકના પરિવારજનો છેલ્લા એક મહિનાથી રઝળપાટ કરી રહ્યાં છે, પણ તેમને કોઈ મદદ મળી નથી.
કંપનીની ભૂલના કારણે અમારે ભોગવવું પડી રહ્યું છેઃ જીનલ મૃતકની દીકરી જીનલ ગોઠવાલે આક્રંદ સાથે જણાવ્યું હતું કે સમયસર સારવાર ન આપીને કંપનીવાળાઓએ મારા પિતાનું મર્ડર જ કર્યું છે. હું અને મારી બહેનો બાપ વગરના થઈ ગયા છીએ. અમારે પપ્પા માટે ન્યાય જોઈએ છે. કંપનીની ભૂલના કારણે અમારે ભોગવવું પડી રહ્યું છે. કંપનીએ તો હાથ અધ્ધર કરી દીધા છે. તેમને સફરજન ખવડાવ્યું, પાણી પિવડાવ્યું એ કઈ દવા થોડી છે. મારા પિતાને 108 બોલાવી સારવારમાં ખસેડ્યા હોત તો બચી ગયા હોત.
ફોન પર કહ્યું, કંપનીવાળા 108 નથી બોલાવતા, તું ફટાફટ આવી જાઃ મિત્ર મૃતકના મિત્ર સોનુ ઠાકુરે જણાવ્યું હતું કે 27/09/2025ના રોજ મારા મિત્ર જયદીપ ચિરંજીલાલ ગોઠવાલનો મને ફોન આવ્યો હતો કે મને ચક્કર આવે છે. હું કંપનીમાં પડી ગયો છું અને આ લોકો 108 એમ્બ્યુલન્સ બોલાવતા નથી. મને તકલીફ થઈ રહી છે, તું ફટાફટ આવી જા. આ સાંભળીને હું વડોદરાથી 55 મિનિટમાં મંજુસર પહોંચ્યો હતો. હું રસ્તામાં હતો એ દરમિયાનમાં વિપુલ પરમાર નામની વ્યક્તિ વારંવાર મને ફોન કરતી હતી કે ફટાફટ આવો. હું વિપુલ પરમારને એક જ વસ્તુ કહેતો હતો કે તમે 108 એમ્બ્યુલન્સને ફોન કરો.
‘દોઢ કલાક કંપનીવાળાઓએ બરબાદ કર્યો’ છેલ્લે એ લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને હું પહોંચ્યો ત્યારે કંપનીના એક-બે હોદ્દેદારો હાજર હતા. ત્યાર પછી હું મારા મિત્રને જયદીપને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં હાજર તબીબોએ જયદીપ ગોઠવાલને મૃત જાહેર કર્યા હતા. દોઢ કલાક કંપનીવાળાઓએ બરબાદ કર્યો છે, જેના કારણે મારા મિત્ર જયદીપ ચિરંજીલાલ ગોઠવાલનું મોત થયું છે.
મારા પતિને સમયસર હોસ્પિટલ પહોંચાડ્યા હોત તો જીવતા હોતઃ મનીષાબેન મૃતકનાં પત્ની મનીષા ગોઠવાલે જણાવ્યું હતું કે ABP ઈન્ડક્શન કંપનીની અંદર આ ઘટના બની હતી. મારા પતિને 4.30 વાગ્યે ચક્કર આવ્યાં હતાં, દોઢ કલાક સુધી તેમને કંપનીમાં જ રાખ્યા હતા અને સમયસર સારવાર ન મળતાં તેમનું ત્યાં જ મોત થઈ ગયું હતું. કંપનીવાળાઓએ મારા પતિને ચા અને સફરજન ખવડાવ્યાં હતાં, પણ તેમને ચક્કર આવે ત્યારે ડોક્ટરની જરૂર હતી. કંપનીની બેદરકારીને કારણે મારા પતિનું મોત થયું છે. તેમણે મારા પતિને સમયસર હોસ્પિટલ પહોંચાડ્યા હોત તો મારા પતિ આજે જીવતા હોત.
‘કંપની કહે છે કે તમારા પતિ અમારા કર્મચારી નહોતા’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારે ત્રણ દીકરી છે, તેમણે તેમના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. મારા ઘરમાં મારા પતિ એકમાત્ર કમાનારા હતા. કંપનીવાળા કઈ મદદ કરવા તૈયાર નથી. કંપનીવાળાએ હાથ અધ્ધર કરી દીધા છે. તેઓ કહે છે કે તમારા પતિ અમારા કર્મચારી નહોતા. મારા પતિ શાહ ટ્રાવેલ્સની બસ ચલાવીને કંપનીમાં જતા હતા.
જયદીપભાઈ અમારી કંપનીના કર્મચારી નહોતાઃ મેનેજર ABP ઈન્ડક્શન કંપનીના મેનેજર ગૌતમ મહેતાએ જણાવ્યું હતું કે જયદીપભાઇ અમારી કંપનીના કર્મચારી નહોતા, જેથી અમે તેમને કઈ મદદ કરી શકીએ એમ નથી. ઉપરાંત તેમનું નેચરલ ડેથ થયું છે, જેથી એના માટે પણ કોઈ પોલિસી નથી.
