1500 કરોડના કૌભાંડમાં ના.મામલતદાર એરેસ્ટ, સુરેન્દ્રનગર કલેક્ટર શંકાના ઘેરામાં:EDએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા, કલેક્ટરના બંગલામાંથી 100 ફાઈલ જપ્ત, 17 કલાકમાં શું થયું?
આરોપીને નજીકની કોર્ટમાં ન લઈ જતાં કોર્ટે EDને ખખડાવી આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે EDની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો. કોર્ટે EDને શરૂઆતમાં ખખડાવી કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ના કર્યો?. જેના જવાબમાં EDએ કહ્યું કે, કેસની ગંભીરતાને જોતા સ્પેશ્યલ કોર્ટમાં લાવ્યા છીએ. કોર્ટે EDની અટક અંગે, ક્યારે અટક કરી, પરિવારને જાણ કરી વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. EDએ કોર્ટને જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળી આવ્યું હોવાથી અટકાયત કરવામાં આવી છે.
સોલાર પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો સુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢીયે 5 વાગ્યે EDએ રૂ. 1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, વકીલ અને ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા સંભાળ્યા બાદ નળસરોવર, ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના તલસાણા અને પાટડીમાં સોલાર પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કલેક્ટર જે ફાઇલનો વહિવટ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા.
કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ સમગ્ર તપાસનું એપી સેન્ટર આ 5 જણાંનું નિવાસસ્થાન હતું. કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ EDની ટીમે 1500 કરોડના જમીન સંપાદનમાં કટકી બટકીના આરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા, કલાર્ક મયુરસિંહ ગોહિલ અને હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આટલું મોટું જમીન કૌભાંડ ક્યાં આચરવામાં આવ્યું તે ચોક્કસ રીતે જાણી શકાયું નથી.
