ગોંડલ-આટકોટ રોડ પર ભયાનક અકસ્માત, ત્રણનાં મોત:8 ફૂટની ઊંચાઈથી કાર પુલ નીચે ખાબકતાં આગના ગોળામાં ફેરવાઈ; દરવાજા જામ થઈ જતાં માસૂમ બાળક સહિત 3 લોકો જીવતા ભુંજાયા
રાજકોટ જિલ્લાના ગોંડલ-આટકોટ હાઈવે પર આજે (30 જાન્યુઆરી) વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે એક હ્યુન્ડાઈ 'ઓરા' કાર પુલ નીચે ખાબક્યા બાદ તેમાં લાગેલી ભીષણ આગમાં એક માસૂમ બાળક સહિત ત્રણ મુસાફર જીવતા ભુંજાયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બચવાની એક તક પણ મળી ન હતી.
પુલ નીચે કાર ઊંધી વળી અને આગના ગોળામાં ફેરવાઈ વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ સાણથલી 108 એમ્બ્યુલન્સને અકસ્માતનો કોલ મળ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, પૂરઝડપે જઈ રહેલી ઓરા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પરથી નીચે ઉતરી 8 ફૂટની ઊંચાઈએથી પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતા જ ઈંધણ લીકેજ કે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. કાર પટકાવાને કારણે તેના દરવાજા જામ થઈ ગયા હતા, પરિણામે અંદર સવાર બાળક અને અન્ય બે વ્યક્તિ બહાર નીકળી શક્યા ન હતા અને જોતજોતામાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.
કટરથી પતરા કાપી મૃતદેહો બહાર કાઢ્યા ઘટનાની જાણ થતા જ ગોંડલ નગરપાલિકાના ફાયર જવાનો અજયસિંહ વાળા, જયેશભાઇ સોજીત્રા, દિવ્યરાજસિંહ ઝાલા અને સતુભા જાડેજાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં કારસવાર લોકો સંપૂર્ણ બળીને ભડથું થઈ ગયા હતા.
કાર પડીકું વળી ગઈ હોવાથી સ્પેશિયલ રેસ્ક્યૂ ફાયર ફાઈટરની મદદથી હાઇડ્રોલીક અને સાદા કટર વડે ગાડીના દરવાજા કાપવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ અંદરથી હાડપિંજર બની ગયેલા ત્રણ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ કરવાની તજવીજ તેજ રાજકોટ ગ્રામ્ય પોલીસના IPS ડૉ. નવીન ચક્રવર્તી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સળગેલી ગાડીની તપાસ દરમિયાન પોલીસને એક પર્સ મળી આવ્યું છે. આ પર્સમાં રહેલા દસ્તાવેજો અને ગાડીના ચેસિસ નંબરના આધારે મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હાલ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ડીએનએ ટેસ્ટ માટે રાજકોટ ફોરેન્સિક લેબ (FSL) ખાતે ખસેડવામાં આવ્યા છે.
ધુમ્મસ કે ઊંઘનું ઝોકું? પ્રાથમિક દૃષ્ટિએ વહેલી સવારે છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી અથવા ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. આ અકસ્માતે સમગ્ર ગોંડલ પંથક સહિત ગુજરાતમાં અરેરાટી ફેલાવી દીધી છે.
અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક 12 ડિસેમ્બર સવારના સમયે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. સૌથી પહેલાં બે ટુવ્હીલર વાહન એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે. એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે, અને ટ્રકની પાછળ એક રીક્ષા આવે છે. રિક્ષાચાલક બ્રેક મારવા જતાં કાબૂ ગુમાવી દે છે અને રીક્ષા પલટી મારી દૂર ફંગોળાઇ જાય છે. જ્યારે ટુવ્હિલર પણ ગળોટીયું ખાઇને ફેંકાય છે. રીક્ષા સાથેની આ જોરદાર ટક્કર બાદ અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠે છે.