નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટમાં બ્લાસ્ટ:અનેક લોકોનાં મોત થયાંના અહેવાલ, ઘણા ઘાયલ; અત્યારસુધીમાં અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી
વિસ્ફોટ વાળી જગ્યાને સીલ કરી દેવામાં આવી
સ્વિટ્ઝર્લેન્ડના દક્ષિણ-પશ્ચિમી રીજન વાલેસ કેન્ટનની પોલીસના પ્રવક્તા ગાયતાન લાથિયોએ મીડિયાને જણાવ્યું કે 'હાલ વિસ્ફોટનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. તેમણે કહ્યું કે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.'
ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાવચેતીના ભાગરૂપે વિસ્ફોટ વાળી જગ્યા અને તેની આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
ક્રાન્સ-મોન્ટાનામાં હોલિડે પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે
ક્રાન્સ-મોન્ટાના સ્વિટ્ઝર્લેન્ડના આલ્પ્સ પર્વત ક્ષેત્રમાં સ્થિત એક લક્ઝરી સ્કી રિસોર્ટ છે. આ જગ્યા સ્વિસ રાજધાની બર્નથી લગભગ બે કલાકના અંતરે છે અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, ખાસ કરીને શિયાળા અને નવા વર્ષના સમયે.
ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે અને બારમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા કેટલાક વીડિયોમાં બારમાં આગ લાગેલી જોવા મળી રહી છે, જોકે પોલીસે આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
