પૂર્વ પત્નીના પતિની હત્યા બદલ યુવાનને આજીવન કેદ:પત્નીએ બીજા લગ્ન કર્યા તો પૂર્વ પતિએ યુવકની હત્યા કરી, જસદણમાં 3 વર્ષ પહેલાના મર્ડર કેસમાં કોર્ટની સજા
યશવંતે પોતાની પત્નીને પરત લાવવા હત્યાનુ નક્કી કર્યું હતું યશવંતે જૂન - 2022 માં પોતાના પત્નીને છુટાછેડા આપ્યા હતા. જે બાદ તેની પત્ની કોમલે કમલેશભાઈ મોહનભાઈ ચાવડા સાથે 15 ઓગસ્ટ, 2022ના રોજ લગ્ન કરી લીધા હતાં. જોકે આ લગ્નથી આરોપીને સારૂ ન લાગતા અને પોતાની પત્નીને પરત લઈ આવવા માગતા યશવંતે કમલેશની હત્યા કરવાનુ નક્કી કર્યું હતુ.
16 ઓગસ્ટે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો જે બાદ 16 ઓગસ્ટ, 2022ના રોજ મોડી રાત્રીના સમયે આરોપી યશવંત કમલેશ ચાવડાના ઘરે પહોંચ્યો હતો અને તેને બહાર બોલાવી મકાનના નવેરામા ઉપરાછાપરી છરીના ઘા મારી તેનુ મૃત્યુ નિપજાવ્યું હતુ. આ સમયે કમલેશે દેકારો કરતા તેના ભાઈ અને બનેવી દોડી આવ્યા હતા અને બંનેએ હત્યાનો બનાવ નજરોનજર જોયેલો હતો. આ બાબતે કમલેશના ભાઈ વિનોદભાઈ ચાવડાએ ફરીયાદ નોંધાવી હતી અને પોલીસ તપાસના અંતે આરોપી યશવંત સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી.
22 સાક્ષીઓના નિવેદનો સામે ફક્ત 8 સાક્ષીઓની જુબાની
આ કેસમા આરોપી તરફે રજૂઆત કરવામા આવી હતી કે, ફરીયાદ પક્ષે મરણજનારના મોત અંગે આરોપી વિરૂધ્ધ પૂરતા પુરાવા લાવવામાં આવ્યા નથી અને બનાવ નજરે જોનાર બન્ને કુટુંબીજનોમાથી ફકત એક ને જ સાક્ષી બનાવેલા છે. આ કેસમા 22 સાક્ષીઓના નિવેદનો હોવા છતા ફક્ત 8 સાક્ષીઓની જ જુબાની લેવામાં આવી છે.
આ ઉપરાંત સાહેદોના નિવેદનોમા બનાવની ઘટનાને જે ક્રમમા દર્શાવવામા આવ્યા છે તેનાથી જુદા ક્રમમા જુબાની દરમ્યાન બનાવની ઘટના જણાવવામા આવેલી છે. આ સંજોગોમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવો જોઈએ.
જોકે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, કોઈ પ્રસંગના ઘટનાક્રમને જુદા જુદા સમયે એક વ્યકિત ઉચ્ચારે તો પણ આવા ઘટનાક્રમના વર્ણનમા ફેર આવવો કુદરતી છે. કોર્ટમા જયારે જુબાની નોંધાતી હોય ત્યારે તેની સ્મરણશકિત કે બુધ્ધિમતાની પરીક્ષા નથી હોતી. કાયદાની જરૂરીયાત ફકત તેટલી જ છે કે ઘટનાક્રમની મહત્વની ઘટનાનો જુબાની દરમ્યાન ઉલ્લેખ થાય છે.
આરોપીના કપડા પર મરણજનારના લોહીના ડાઘાઓ મળ્યા વકિલ એસ. કે. વોરાએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત આરોપીના કપડા ઉપર મરણજનારના લોહીના ડાઘાઓ મળી આવેલા છે ત્યારે આરોપીએ આ અંગે કોઈ જ ખુલાસો કર્યો નથી. તે જ રીતે મરણજનારના ભાઈએ ફરીયાદ આપેલ છે તે ફરીયાદ હાલના આરોપી વિરૂધ્ધ કયા કારણોસર ખોટી આપેલ છે તે અંગે કોઈ જ કારણ દર્શાવેલ નથી. નજરે જોનાર સાક્ષીએ જુબાની દરમ્યાન એક ચોકકસ વર્ણન કરેલું હોય ત્યારે આરોપીએ જાતે જુબાની આપી સાહેદની જુબાની ન માનવાના કારણો દર્શાવવા જોઈએ. પોતાને નિર્દોષ સાબિત કરવા માટે આ ત્રણ મહત્વના પરીબળોમાથી આરોપી કોઈ એક પણ પરીબળનુ ખંડન કરી શક્યા નથી. જેથી આરોપી સામેનો ગુન્હો પુરવાર માનવાનો રહે છે.
કમલેશને હત્યા બદલ આજીવન કેદ અને 15 હજારનો દંડ સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ આઈ.બી.પઠાણે આરોપી યશવંત ઉર્ફે અશ્વિન મહેશભાઈ મકવાણા (ઉ.વ.40, રહે. વડીયા મફતીયા પરા, અમરનગર રોડ, તા.વડીયા, જિ. અમરેલી)ને કમલેશભાઈ મોહનભાઈ ચાવડાની હત્યા બદલ આજીવન કેદની સજા સંભળાવી છે અને રૂ.15000 નો દંડ ફટકાર્યો છે.
પ્રેમસંબંધમાં નિર્દોષ પતિ હણાયો:જસદણના નવાગામમાં પત્નીના પ્રેમીએ પતિને છરીના 5 ઘા ઝીંકી પતાવી દીધો, લગ્નને હજી એક જ દિવસ થયો હતો જસદણના નવાગામમાં રહેતા કમલેશ મોહનભાઈ ચાવડાએ 15 ઓગસ્ટે વડિયા ગામની કોમલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કમલેશ ક્યાં જાણતો હતો કે તેની પત્ની કોમલને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ છે. પ્રેમિકા કોમલના લગ્ન થતાં જ પ્રેમી યશંવત મહેશભાઈ મકવાણાને ખાર ચડ્યો હતો, આથી તે ગત રાત્રિના કમલેશના ઘરે ઘૂસી તેને છરીના 5 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો
