'આવાને માર ન મરાય, મોનોકોટો પીવડાવી દેવાય':સુરતમાં નશામાં ધુત સો. મીડિયા ઇન્ફ્લુએન્સરે બે બાઇકસવારને ઉડાવતાં ઇજાગ્રસ્ત, કારમાંથી દારૂ મળતાં લોકોએ મેથીપાક ચખાડ્યો
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગઈ રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધુત થઈને પોતાની કાર વડે બે બાઇકસવારને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે રોષે ભરાયેલા લોકોએ ઈન્ફ્લુએન્સરને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.
બે બાઇકસવારને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા મળતી માહિતી મુજબ, મોટા વરાછામાં આવેલા 'દુઃખિયાના દરબાર' પાસે હિરેન પટેલ પોતાની કાર (GJ-11-CQ-6007) લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની ઝડપ એટલી વધારે હતી કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પર જઈ રહેલા બે બાઇકસવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક તો કારની નીચે ફસાઈને લાંબે સુધી ઢસડાઈ હતી.
કારમાંથી મળી આવી દારૂની બોટલ અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ જ્યારે કારચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે નશામાં ધુત હોવાનું જણાયું હતું. ફક્ત એટલું જ નહીં, કારની તપાસ કરતાં અંદરથી દારૂની નાની બોટલ પણ મળી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક સેલિબ્રિટી દ્વારા આ પ્રકારે નશાની હાલતમાં ગાડી ચલાવતા જોઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.