કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, DRONE VIDEO:20 JCB અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસકર્મીઓ તૈનાત, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાશે
40 અધિકારીઓ અને 500 પોલીસકર્મીઓ તૈનાત દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે આ કામગીરી વહેલી સવારથી શરૂ થઈ છે, જે સાંજ સુધી ચાલુ રહેશે. દબાણ દૂર કરવા માટે પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
આ વિસ્તાર બુટલેગરો માટે કુખ્યાત આ મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં આશરે 4,000થી 5,000 લોકોની વસ્તી હતી. આ દબાણવાળો વિસ્તાર શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ અને જાણીતા પ્રોહીબિશન બુટલેગરો માટે કુખ્યાત હતો.ખાસ કરીને, આ વિસ્તારમાં પેટ્રોલિયમ એક્ટ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળતું હતું.
ડ્રોન મારફતે વીડિયોગ્રાફી સાથે કાર્યવાહી આ મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટર અને વીડિયોગ્રાફી માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દબાણ હટાવતી વખતે પૂર્વ કચ્છ પોલીસ વડા સહિત તમામ પોલીસ અધિકારીઓ, LCB, SOG અને કંડલા પોલીસનો મોટો કાફલો સુરક્ષા માટે ખડકી દેવામાં આવ્યો છે
અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી: નાયબ પોલીસવડા આ અંગે અંજાર નાયબ પોલીસવડા મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ છે. એ તમામ બાંધકામ તોડવાની કામગીરી અત્યારે ચાલુ છે. આ વિસ્તારના જે રહેવાસી છે, જેમાં મોટાભાગના લોકો ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. આ 100 એકર જેટલો વિસ્તાર છે, જેની કિંમત 250 કરોડ જેટલી થાય છે. અહીં ચારથી પાંચ હજાર જેટલા લોકો રહેવાસી છે, જેમને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી.
એકાદ મહિના અગાઉ ગાંધીધામમાં દબાણ હટાવાયા હતા એકાદ મહિના અગાઉ ગાંધીધામ મહાનગરપાલિકાએ કલેક્ટર રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે 104 પાકા દબાણો દૂર કરયા હતા. દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જોકે, સ્થાનિકોએ દબાણો દુર ન કરતાં સમયમર્યાદા પૂરી થતાં વહીવટીતંત્ર દ્વારા આ દબાણો દૂર કરાયા હતા
