ખાલિદા ઝિયાના પુત્ર 17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યા:ઢાકા એરપોર્ટ પર 1 લાખ કાર્યકર્તાઓ એકઠા થયા; લંડનમાં રહેતા હતા, PM બનવાના દાવેદાર
તારિક પોતાની પાલતુ બિલાડી 'જીબુ'ને ઢાકા લઈને આવ્યા
તારિક રહેમાન પોતાની સાથે પોતાની પાલતુ બિલાડી 'જીબુ' (Jebu)ને પણ ઢાકા લાવ્યા છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે જીબુને એક વિશેષ વ્યવસ્થા હેઠળ લાવવામાં આવી હતી.
ખરેખર, આ બિલાડી તારિક રહેમાનની પુત્રી ઝૈમા રહેમાનની છે, પરંતુ હવે તે સમગ્ર પરિવારની વહાલી બની ગઈ છે. તારિક રહેમાન અવારનવાર સોશિયલ મીડિયા પર જીબુ સાથેની તસવીરો શેર કરતા રહે છે અને તેઓ પ્રાણી કલ્યાણ પ્રત્યે પણ ઘણો લગાવ ધરાવે છે.
ચુસ્ત સુરક્ષા વચ્ચે તારિક 300 ફૂટ રોડ પહોંચ્યા
તારિક રહેમાનનો કાફલો કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હવાઈ મથકથી '300 ફૂટ રોડ' (જુલાઈ 36 એક્સપ્રેસવે) પહોંચ્યો છે.
સેના અને પોલીસના વાહનો કાફલાની આગળ અને પાછળ તહેનાત છે, જ્યારે સુરક્ષાકર્મીઓ પણ કાફલાની સાથે-સાથે ચાલી રહ્યા છે. રસ્તાની બંને બાજુ હજારો સમર્થકો ઉભા રહીને તેમનું સ્વાગત કરી રહ્યા છે.
તારિકે યુનુસને ફોન કર્યો, સુરક્ષા વ્યવસ્થા માટે આભાર માન્યો
ઢાકા પહોંચ્યા પછી તરત જ BNP નેતા તારિક રહેમાને મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે ફોન પર વાત કરી.
વાતચીત દરમિયાન, તારિકે પોતાના સ્વદેશાગમન માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ, ખાસ કરીને સુરક્ષાના પગલાં માટે વચગાળાની સરકારનો આભાર વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું, “મારા વતી અને મારા પરિવાર વતી, હું તમારો આભાર માનું છું. આપે ખાસ કરીને મારી સુરક્ષા માટે જે વ્યવસ્થાઓ કરી છે તે પ્રશંસનીય છે.”
રહેમાનને જોવા 300 ફૂટ રોડ પર લાખોની ભીડ ઉમટી
તારિક રહેમાનને જોવા માટે 300 ફૂટ રોડ પર લાખો લોકોની ભીડ એકઠી થઈ છે. રહેમાન અહીં આયોજિત ભવ્ય સ્વાગત સમારોહમાં જનમેદનીને સંબોધિત કરશે. આ ઐતિહાસિક ક્ષણને જોવા માટે લોકો વહેલી સવારથી જ રસ્તાની બંને બાજુએ ગોઠવાઈ ગયા હતા.
લાલ-લીલા રંગની બસમાં બેસી સ્વાગત સમારોહ માટે રવાના થયા તારિક
હવાઈ મથક પર ઉષ્માભર્યા સ્વાગત બાદ, BNP નેતા તારિક રહેમાન લાલ અને લીલા રંગની (પાર્ટીના રંગોવાળી) ખાસ બસમાં સવાર થઈને '300 ફૂટ રોડ' (પૂર્વાંચલ એક્સપ્રેસવે) માટે રવાના થઈ ગયા છે.
પાર્ટી દ્વારા તેમના માટે એક વિશાળ સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળ તરફ જતી વખતે તારિકે બસના આગળના ભાગેથી હજારો સમર્થકોનું હાથ હલાવીને અભિવાદન ઝીલ્યું હતું.
તારિકે જૂતા ઉતારીને બાંગ્લાદેશની ધરતી પર પગ મૂક્યો
એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ તારિક રહેમાને પોતાના જૂતા ઉતારી દીધા અને બાંગ્લાદેશની ધરતી પર પગ મૂક્યો.
તેમને મુઠ્ઠીભર માટી ઉઠાવતા અને તેને આદરપૂર્વક સ્પર્શ કરતા પણ જોવા મળ્યા હતા.
થોડીવારમાં માતા ખાલિદા ઝિયાને મળવા જશે તારિક
બાંગ્લાદેશમાં તારિકના સાસુએ તેમની પત્ની ઝુબૈદા રહેમાન, પુત્રી ઝૈમા રહેમાન અને પરિવારના અન્ય સભ્યો સાથે તેમનું માળા પહેરાવીને સ્વાગત કર્યું.
એરપોર્ટથી નીકળ્યા પછી, તારિક રહેમાન પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે '300 ફૂટ' (જુલાઈ 36 એક્સપ્રેસવે) જશે અને ત્યારબાદ તેઓ તેમની માતા ખાલિદા ઝિયાને મળવા જશે, જેઓ હાલ એવરકેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તારિક બોલ્યા- 6,314 દિવસો પછી બાંગ્લાદેશ પરત ફર્યો
તારિકે સિલ્હટથી ફેસબુક પર અપડેટ શેર કર્યા. સવારે 10 વાગ્યે અને 18 મિનિટે તેમણે પોતાની પત્નીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, “આખરે સિલ્હટમાં, બાંગ્લાદેશની ધરતી પર!” આ પહેલા સવારે 9 વાગ્યે અને 34 મિનિટે તેમણે એક અન્ય પોસ્ટમાં લખ્યું હતું, “લાંબા 6,314 દિવસો પછી, બાંગ્લાદેશના આકાશમાં!”
તારિકને મળવા દેશના અલગ-અલગ ભાગોમાંથી લોકો પહોંચ્યા
BNP સમર્થકો તારિક રહેમાનનું સ્વાગત કરવા માટે જુલાઈ 36 એક્સપ્રેસવે, જેને 300 ફૂટ રોડ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ઉમટી પડ્યા છે. આમાંના ઘણા લોકો રાતભર દેશના અલગ-અલગ ભાગોમાંથી આવ્યા હતા અને ખુલ્લામાં જ સૂતા હતા.
BNPએ જાહેરાત કરી છે કે તારિક રહેમાન ચૂંટણીમાં બોગુરા-6 બેઠક પરથી ચૂંટણી લડશે. આ એ જ બેઠક છે, જ્યાંથી પહેલા તેમની માતા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા સાંસદ રહી ચૂક્યા છે
ઢાકા એરપોર્ટ પર BNP નેતાઓએ તારિકનું સ્વાગત કર્યું
BNPના વરિષ્ઠ નેતાઓએ ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તારિક રહેમાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
પાર્ટીના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઈસ્લામ આલમગીર અને BNP સ્થાયી સમિતિના સભ્યોએ હવાઈ મથકના VIP લાઉન્જમાં તારિકને ભેટી, ફૂલ આપીને સ્વાગત કર્યું.
રહેમાનને ચૂંટણીમાં કોણ પડકારશે?
જુલાઈ 2024માં શેખ હસીના વિરુદ્ધ થયેલા આંદોલનમાં બાંગ્લાદેશી ઇસ્લામિક સંગઠન જમાત-એ-ઇસ્લામીએ સક્રિયપણે ભાગ લીધો હતો. હસીના સરકારે હિંસા ભડકાવવાના આરોપમાં જમાત અને તેના વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી છાત્ર શિબિર પર પ્રતિબંધ મૂક્યો હતો.
જોકે, ઓગસ્ટ 2024માં વચગાળાની સરકારે જમાત-એ-ઇસ્લામી પરથી પ્રતિબંધ હટાવી દીધો હતો અને જૂન 2025માં સુપ્રીમ કોર્ટે પાર્ટીનું રજીસ્ટ્રેશન પણ પુનઃસ્થાપિત કર્યું હતું.
જમાત-એ-ઇસ્લામીના વિદ્યાર્થી સંગઠન સાથે સંકળાયેલા યુવાનોએ હસીનાના દેશ છોડ્યા પછી નેશનલ સિટીઝન પાર્ટી (NCP)ની રચના કરી, જેના કેટલાક નેતાઓ બાંગ્લાદેશની કાર્યકારી સરકારમાં પણ સામેલ છે.
અવામી લીગ ચૂંટણી મેદાનમાં ન હોવાને કારણે BNP સામે NCP જ એકમાત્ર મુખ્ય પડકાર માનવામાં આવી રહ્યો છે. જોકે, બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમાત-એ-ઇસ્લામીને ગત ચૂંટણીઓમાં એટલો સારો ટેકો મળ્યો ન હતો કે તે એકલા હાથે ચૂંટણી જીતી શકે.
ભારત પર શું અસર પડશે?
JNU માં ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર રાજન કુમાર અનુસાર, તારિક રહેમાનનું આવા સમયે બાંગ્લાદેશ પાછા ફરવું એક મોટી ઘટના છે. જોકે, તેમના વડાપ્રધાન બનવા અંગે આટલી જલદી કંઈ કહી શકાય નહીં, કારણ કે જમાત-એ-ઇસ્લામી પણ પોતાનો વડાપ્રધાન પદનો ઉમેદવાર ઊભો કરવાની તૈયારીમાં છે.
રાજન જણાવે છે કે જો આ બધા પછી પણ તારિક વડાપ્રધાન બની જાય છે, તો ભારતે બાંગ્લાદેશના મુદ્દે પોતાની ડિપ્લોમસી તેજ કરવી પડશે, કારણ કે તારિકના કાર્યકાળમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓને પ્રોત્સાહન મળી શકે છે, જેનાથી બાંગ્લાદેશી હિંદુઓ પ્રભાવિત થશે.
તેઓ પાકિસ્તાન સાથે લાંબા સમયથી રોકાયેલા ડિફેન્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરી શકે છે, જેનાથી બાંગ્લાદેશી સરહદને અડીને આવેલા રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમની સુરક્ષા કરવી ભારત માટે પડકાર બની શકે છે.
