Loading...

બુમરાહની પહેલીવાર ટી-20 ઇનિંગમાં 4 સિક્સર:અર્શદીપે 13 બોલની ઓવર ફેંકી, ભારતની ઘરઆંગણે સૌથી મોટી હાર; રેકોર્ડ્સ-મોમેન્ટ્સ

ટી-20ના ટોપ રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ

1. ભારતની ટી-20માં ઘરઆંગણે સૌથી મોટી હાર

ભારતને ઘરઆંગણે સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. આ પહેલા 4 ઓક્ટોબર 2022ના રોજ ઇન્દોરમાં પણ ભારતને સાઉથ આફ્રિકાએ 49 રનથી હરાવ્યું હતું.

2. તિલક વર્માએ SA સામે 27 સિક્સર ફટકારી

તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામે T20I માં ભારત તરફથી સૌથી વધુ 27 સિક્સ ફટકારીને પ્રથમ સ્થાન મેળવ્યું. તેમના પછી બીજા નંબરે સૂર્યકુમાર યાદવ છે, જેણે સાઉથ આફ્રિકા સામે 25 સિક્સ ફટકારી છે. ત્રીજા નંબરે સંજુ સેમસન છે, જેના નામે 19 છગ્ગા નોંધાયેલા છે.

3. બુમરાહને એક ટી-20 ઇનિંગ્સમાં 4 સિક્સર લાગી

જસપ્રીત બુમરાહને તેના T20I કરિયરમાં પ્રથમ વખત એક જ ઇનિંગ્સમાં ચાર છગ્ગા પડ્યા. આ તેની 82મી ટી-20 ઇન્ટરનેશનલ મેચ હતી. આ પહેલાં કોઈપણ મેચમાં તેને ત્રણથી વધુ છગ્ગા લાગ્યા ન હતા. તેનો અગાઉનો સૌથી ખરાબ રેકોર્ડ 2016માં વેસ્ટ ઇન્ડીઝ સામે હતો, ત્યારે તેને ત્રણ છગ્ગા પડ્યા હતા.

4. અર્શદીપે 13 બોલની ઓવર ફેંકી

અર્શદીપ સિંહે 13 બોલનો ઓવર ફેંકીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો. પૂર્ણ સભ્ય દેશોની મેચોમાં આ અત્યાર સુધીનો સૌથી લાંબી ઓવર રહી. સાઉથ આફ્રિકાની ઇનિંગ્સની 11મી ઓવરમાં અર્શદીપે 7 વાઇડ ફેંક્યાં, જેના કારણે ઓવર 13 બોલ સુધી લંબાઈ ગઈ.

આ પહેલા આવો રેકોર્ડ 2024માં બન્યો હતો, જ્યારે અફઘાનિસ્તાનના નવીન-ઉલ-હકે હરારેમાં ઝિમ્બાબ્વે સામે 13 બોલની ઓવર ફેંકી હતી.

5. ભારતીય બોલરોએ 16 વાઈડ બોલ ફેંક્યા

ભારતે ગુરુવારે 16 વાઈડ બોલ ફેંક્યા, જે T20I ઇતિહાસમાં ટીમનો સંયુક્ત રીતે બીજો સૌથી ખરાબ દેખાવ છે. આ પહેલા ભારતે 2009માં મોહાલીમાં શ્રીલંકા સામે 17 વાઈડ ફેંક્યા હતા, જે હજુ પણ યાદીમાં ટોપ પર છે.

2018માં ચેન્નઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પણ ભારતે 16 વાઈડ નાખ્યા હતા. જ્યારે 2007માં ડરબનમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતીય બોલરોએ 15 વાઈડ ફેંક્યા હતા.

6. ડી કોકે 5મી વખત ભારત સામે 50+ સ્કોર બનાવ્યો

ક્વિન્ટન ડી કોકે ભારત સામે ફરી શાનદાર બેટિંગ કરતા ટી-20માં પોતાનો પાંચમો 50+ સ્કોર બનાવ્યો. ભારત સામે આટલી વાર 50+ રન બનાવનારા અન્ય ખેલાડીઓમાં નિકોલસ પૂરન અને જોસ બટલર પણ સામેલ છે, પરંતુ ફરક એ છે કે પૂરનને આ કરવામાં 20 ઇનિંગ્સ લાગી અને બટલરને 24 ઇનિંગ્સ. જ્યારે ડી કોકે માત્ર 12 ઇનિંગ્સમાં જ આ રેકોર્ડ હાંસલ કરી લીધો, એટલે કે ભારત સામે સૌથી ઝડપથી 5 વખત 50+ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયા.

7. સાઉથ આફ્રિકાએ ભારત સામે T20Iમાં પોતાના બીજા સૌથી વધુ છગ્ગા ફટકાર્યા

સાઉથ આફ્રિકાએ ભારત સામેની આ મેચમાં 15 છગ્ગા ફટકારીને T20Iમાં પોતાના બીજા સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ બનાવ્યો. આ પહેલા તેમનો સૌથી મોટું પ્રદર્શન 2022માં ઇન્દોરમાં કર્યુ હતું, ત્યારે ટીમે એક જ ઇનિંગમાં 16 છગ્ગા ફટકાર્યા હતા.

અહીંથી મોમેન્ટ્સ...

1. યુવરાજ અને હરમનપ્રીતનાં નામ પર સ્ટેન્ડ

મેચ પહેલાં સ્ટેડિયમમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરના નામ પર નવા સ્ટેન્ડની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા.

2. યુવરાજે ટીમ ઇન્ડિયાના હર્ડલને સંબોધિત કર્યું

મેચ પહેલાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ટીમ ઇન્ડિયાના હર્ડલને સંબોધન કર્યું અને ખેલાડીઓ સાથે વાતચીત કરી. આ પહેલાં યુવરાજે વુમન્સ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ખેલાડીઓને તે પ્રોત્સાહન રકમ પણ સોંપી, જેને સ્થાનિક સરકારે જાહેર કરી હતી.

3. હેન્ડ્રિક્સ રનઆઉટ થતા બચ્યો

પહેલી ઓવરમાં રીઝા હેન્ડ્રિક્સ લગભગ રનઆઉટ થતા બચ્યો. તે રન લેવા માટે ઘણો આગળ નીકળી ગયો હતો, પરંતુ ક્વિન્ટન ડી કોકે રન લેવાની ના પાડી દીધી. કવરમાંથી તિલક વર્માએ થ્રો ફેંક્યો, પરંતુ ચૂકી ગયો.

જો થ્રો સાચો લાગ્યો હોત તો હેન્ડ્રિક્સ ખાતું ખોલ્યા વગર આઉટ થઈ જાત. આ જ ઓવરમાં ડી કોકે અર્શદીપની બોલ પર પિક-અપ ફ્લિક સાથે સિક્સર ફટકારી. ઓવરમાં કુલ 8 રન આવ્યા અને સાઉથ આફ્રિકાએ વિકેટ ગુમાવ્યા વગર શરૂઆત કરી.

4. વરુણ ચક્રવર્તીને પહેલી બોલ પર વિકેટ

વરુણ ચક્રવર્તીએ પોતાની પહેલી જ બોલ પર વિકેટ લીધી. તેણે પાંચમી ઓવરની પહેલી બોલ પર રીઝા હેન્ડ્રિક્સને બોલ્ડ કર્યો. હેન્ડ્રિક્સ માત્ર 8 રન બનાવીને આઉટ થયો.

5. અર્શદીપે ઓવરમાં 7 વાઈડ ફેંક્યા

અર્શદીપ સિંહે 11મી ઓવરમાં 18 રન આપ્યા. આ ઓવરમાં તેની લાઇન અને લેન્થ સંપૂર્ણપણે બગડી ગઈ અને તેણે 7 વાઈડ બોલ ફેંક્યા. ઓવરના પહેલા જ બોલ પર ડી કોકે 87 મીટરનો મોટો છગ્ગો ફટકાર્યો, જેના પછી અર્શદીપ લયમાં પાછો ફરી શક્યો નહીં. આ જ ઓવરમાં સાઉથ આફ્રિકાની ટીમે પોતાના 100 રન પણ પૂરા કર્યા.

6. જીતેશે ડી કોકને રનઆઉટ કર્યો

16મી ઓવરના પહેલા બોલ પર ક્વિન્ટન ડી કોક 90 રન બનાવીને રનઆઉટ થયો. વરુણ ચક્રવર્તીની ફુલ લેન્થ બોલ પર ડી કોક આગળ નીકળીને ડિફેન્સ કરવા ગયો, પરંતુ બોલ સીધો વિકેટકીપર જીતેશ શર્માના હાથમાં જતો રહ્યો. જીતેશે તરત જ સ્ટમ્પ્સ પર નિશાન લગાવીને તેમને રનઆઉટ કરી દીધો.

7. તિલકના ડાઇવિંગ કેચથી બ્રેવિસ આઉટ

17મી ઓવરના પહેલા બોલ પર અક્ષર પટેલે ડેવાલ્ડ બ્રેવિસની વિકેટ અપાવી. બ્રેવિસે અક્ષરના શોર્ટ લેન્થ બોલને સીધો રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હવામાં ઉછળી ગયો. તિલક વર્મા ઝડપથી આગળ દોડ્યા અને ડાઇવ લગાવીને શાનદાર કેચ પકડ્યો.

8. શુભમન ગિલ પહેલી બોલ પર શૂન્યમાં આઉટ

214 રનના લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમે પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી. શુભમન ગિલ પોતાની પહેલી જ બોલ પર શૂન્ય પર આઉટ થઈ ગયો. લુંગી એનગિડીની બહાર જતી ગુડ લેન્થ બોલને તેમણે સ્લિપની દિશામાં રમ્યો, જ્યાં રીઝા હેન્ડ્રિક્સે સરળતાથી કેચ પકડી લીધો.

9. સૂર્યા રિવ્યુ પર આઉટ

ચોથી ઓવરના પાંચમા બોલ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયા. માર્કો યાનસનના બોલ પર તેણે વિકેટકીપર ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આપ્યો. અમ્પાયરે શરૂઆતમાં નોટઆઉટ આપ્યો હતો, પરંતુ સાઉથ આફ્રિકાએ રિવ્યુ લીધો અને સૂર્યાને પેવેલિયન પાછું ફરવું પડ્યું.

10. તિલકની સિક્સરથી ફિફ્ટી

14મી ઓવરમાં તિલક વર્માએ પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે લુંગી એનગિડીની ત્રીજી બોલ પર ડીપ મિડવિકેટની દિશામાં છગ્ગો ફટકારીને 50 રન પૂરા કર્યા.