'મમ્મી હું જાઉં છું, મમ્મી-પપ્પા ખુશ રહેજો':પિતા તાળું મારીને નીકળ્યા ને 12 વર્ષની કિશોરીનો ઘરમાં આપઘાત, સુસાઇડ નોટ લખી ભેદી સંજોગોમાં જીવન ટૂંકાવતાં પરિવાર આઘાતમાં
પરિવારમાં પતિ-પત્ની અને બે બાળકો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકની સામે આવેલા ભગતસિંહનગરમાં રહેતા જગદીશભાઈ ગોહિલ એમએસ બિલ્ડિંગ ખાતે આંકડાશાસ્ત્ર મદદનીશ તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમના પત્ની જાગૃતિબેન પ્રાઈવેટ નોકરી કરે છે. જેમને સંતાનમાં એક 16 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી છે. જે બંને ગુરૂકુળમાં અભ્યાસ કરે છે.
દીકરી ઘરમાં અને પતિ બહારથી તાળું મારી નોકરી ગયા આજે નિત્યક્રમ મુજબ બંને ભાઈ-બહેન સ્કૂલે અને પતિ-પત્ની નોકરી ગયા હતા. બપોરે બંને બાળકો સ્કૂલથી પરત ઘરે આવ્યા હતા. દરમિયાન જગદીશભાઈ બપોરે 1 વાગ્યા આસપાસ ઘરે જમવા આવ્યા હતા. બાદમાં 2:30 વાગ્યે તેમનો મોટો દીકરો ટ્યુશન જવા નીકળ્યો હતો. બાદમાં જગદીશભાઈ ઘરને બહારથી તાળું મારીને નોકરીએ ગયા હતા.
માતાએ દરવાજો ખખડાવ્યો પરંતુ દીકરીએ કોઈ જવાબ ન આપ્યો આ સમયે 12 વર્ષની કિશોરી ઘરે એકલી જ હતી. ઢળતી સાંજના સાડા ચાર-પાંચ વાગ્યે જાગૃતિબેન નોકરી પરથી પરત આવીને ઘરનું તાળું ખોલીને અંદર પ્રવેશ્યા હતા. જ્યાં ઘરના એક રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી તેમણે દીકરીને બૂમો પાડીને દરવાજો ખોલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંદરથી કોઈ જવાબ આવી રહ્યો નહોતો. જેના પગલે જાગૃતિબેને તેમના પતિ જગદીશભાઈને ઘરે બોલાવી લીધા હતા.
દીકરીને પંખે લટકતી જોઈ પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ બાદમાં જગદીશભાઈએ રૂમની બારીમાંથી અંદર નજર કરતા દીકરી પંખાએ દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. આ દૃશ્ય જોઇને જગદીશભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં પતિ-પત્નીએ જેમ તેમ દરવાજો ખોલ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ બોલાવીને દીકરીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે કિશોરીને મૃત જાહેર કરી હતી.
પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી આ બનાવની જાણ થતા સેક્ટર 7 પોલીસ સ્ટેશનના ASI રતનલાલ તેમજ હવાલદાર ઉમેશ રાઠોડ તાત્કાલિક સિવિલ દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. આ અંગે ASI રતનલાલે જણાવ્યું હતું કે, ચાર દિવસથી પરિવાર રાજસ્થાન ફરવા ગયો હતો જેઓ ગઈકાલે રાતે જ પરત ફર્યા હતા. આજે સવારે જગદીશભાઈ બંને બાળકોને સ્કૂલે મૂકી આવ્યા હતા. બાદમાં પતિ-પત્ની પોતપોતાની નોકરીએ ગયા હતા.
'હાલમાં પરિવારના નિવેદન લેવામાં આવ્યા છે': ASI રતનલાલ બપોરના એકાદ વાગ્યે જગદીશભાઈ સ્કૂલેથી બંને બાળકોને પરત ઘરે લઈ આવ્યા હતા અને ત્રણેય જણા બપોરે સાથે જમ્યા હતા. બાદમાં મોટો દીકરો જે ધોરણ 11માં ભણે છે તે 2:30 વાગ્યાના અરસામાં ટ્યુશન જવા નીકળી ગયો હતો. જ્યારે જગદીશભાઈ ઘરને બહારથી તાળું મારીને નોકરી ગયા હતા. આ દરમિયાન તેમની 12 વર્ષની દીકરી ઘરે એકલી જ હતી. જેણે એકલતાનો લાભ લઇ પંખાએ દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો છે. હાલમાં પરિવારના નિવેદન લેવાનું તેમજ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે.
'મમ્મી, પપ્પા, ભાઈ અને દાદી બાય' સુસાઇડ નોટમાં લખ્યું વધુમાં ASI રતનલાલે ઉમેર્યું કે, રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે જેમાં કિશોરીએ ઉલ્લેખ કર્યો છે કે, મમ્મી હું જાઉં છું, હું બોર આવી ગઈ છું. મમ્મી, પપ્પા, ભાઈ અને દાદી બાય. મમ્મી પપ્પા ખુશ રહેજો. આ આ ચિઠ્ઠીને કબજે લેવામાં આવી છે, પરંતુ હજી સુધી કિશોરીના આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરિવારમાં શોકનું મહાવરો હોવાથી વધુ પૂછપરછ થઈ શકી નથી.
