Loading...

ધાબું ભાડે આપો ને 1.50 લાખ સુધીની કમાણી કરો:અમદાવાદીઓને બે દિવસની બેઠી આવક, ઉત્તરાયણ પર ટેરેસ રેન્ટ પર લેવાનો NRIમાં જબ્બર ક્રેઝ

પોળમાં પતંગ ચગાવવાનો NRIમાં ક્રેઝ અમદાવાદ શહેરમાં પોળ વિસ્તારમાં રહેતા લોકો હાલ અન્ય વિસ્તારમાં રહેવા ગયા હોઈ, તેઓ પણ ઉત્તરાયણ પર તો પોળ વિસ્તારમાં જ આવતા હોય છે. આ ઉપરાંત NRI પણ મોટી સંખ્યામાં અમદાવાદ આવતા હોય છે. જેઓ અમદાવાદના રાયપુર અને ખાડિયાની પોળમાં પતંગ ચગાવવાનું પસંદ કરતા હોય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી માટે પોળ વિસ્તારમાં આવેલી ઈમારતોનાં ધાબાં ભાડાં પર રાખતા હોય છે.

પોળના ધાબાનું ભાડું દસ હજારથી દોઢ લાખ સુધી આ અંગે વાડા પોળના અજય મોદીએ જણાવ્યું હતું કે અમે વર્ષ દરમિયાન ટેરેસ મેન્ટેન કરીએ છીએ. મ્યુનિસિપલ ટેક્સ અને લાઈટ બિલ જેવા ખર્ચ આ ટેરેસના ભાડામાંથી નીકળી જાય છે. અહીં આવતા ગેસ્ટને પતંગબાજીનો જે આનંદ મળે છે એ અદભુત હોય છે. અમારા ટેરેસ પર આ વર્ષે પંજાબથી એક કપલ આવી રહ્યું છે, તો ઘણા NRI પણ ઉત્તરાયણ માટે અહીં આવે છે. ભાડાં 10,000થી શરૂ કરીને 1,50,000 સુધી હોય છે. ઘણા પરિવારો ફૂડ પેકેજ પણ આપે છે, જેમાં ઊંધિયું-પૂરી, જલેબી, તલની ચીકી અને ભજિયાં જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. અન્ય સુવિધાઓમાં પીવાનું મિનરલ વોટર, બેસવા માટે ખુરસીઓ અને વડીલો કે બાળકો માટે આરામ કરવા માટે એક અલગ રૂમની સગવડ પણ આપવામાં આવે છે.

તેમના જણાવ્યા મુજબ, આ ટેરેસ ટૂરિઝમને કારણે માત્ર ઘરમાલિકો જ નહીં, પરંતુ આસપાસના નાના વેપારીઓને પણ મોટો ફાયદો થાય છે. નાસ્તાની દુકાનો, પતંગ-દોરીના વિક્રેતાઓ અને ગૃહઉદ્યોગ ચલાવતી મહિલાઓ (જેઓ બાજરીનાં વડાં કે અન્ય નાસ્તો બનાવે છે) તેમને પણ આ બે દિવસ દરમિયાન 2,000થી 5,000 સુધીની વધારાની આવક થાય છે.

પતંગની સાથે બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનરની પણ વ્યવસ્થા પોળમાં રહેતા અને ઉત્તરાયણ પર ધાબા ભાડે આપનાર જિજ્ઞેશભાઈ રામીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ એટલે અમદાવાદીઓ માટે એક બહુ મોટો તહેવાર છે. 14મી અને 15મી તારીખે અમદાવાદીઓ જેટલી મજા કરે છે એટલી કદાચ જ બીજે ક્યાંય જોવા મળતી હશે. છેલ્લાં 4-5 વર્ષથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જે લોકો અમદાવાદની બહાર રહેવા ગયા છે અથવા જે વિદેશીઓ છે તેઓ ખાસ ઉત્તરાયણની મજા માણવા માટે અમદાવાદ આવે છે. તેઓ આખા દિવસ માટે ધાબા ભાડે રાખે છે, જેથી તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે આ તહેવાર માણી શકે. સામાન્ય રીતે ધાબાનું ભાડું 20થી 25 હજાર રૂપિયા જેવું હોય છે. આ ઉપરાંત જો સવારનો નાસ્તો, બપોરનું લંચ અને સાંજનો નાસ્તો (Hi-tea) પણ સામેલ હોય, તો વ્યક્તિદીઠ 1500થી 2000 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે.

સાંજે 4થી 6:30 વાગ્યા સુધીનો જે નજારો હોય છે એ જોવા જેવો હોય છે. દિવાળીમાં પણ ન જોવા મળે એવી અદભુત આતશબાજી અને આખું આકાશ પતંગોથી ભરાયેલું હોય છે. જૂની હવેલીઓ અને પોળનાં ધાબાં એકબીજા સાથે જોડાયેલાં હોવાથી માહોલ ખૂબ જ આનંદદાયક બની જાય છે.

સ્થાનિકો માટે ઉત્તરાયણનું પર્વ આવકનું સ્ત્રોત બન્યો ગીતાબેન રાણાએ જણાવ્યું હતું કે હું અને મારા હસબન્ડ અમે બંને હેન્ડિકેપ છીએ. મારી દીકરી પણ બોલતી-સાંભળતી નથી. તો અમારે ઘણો બધો ખર્ચો લાગી જાય છે. અમે પહોંચી નથી વળતા. અમે મધ્યમ ક્લાસના માણસો છીએ, એટલે પહોંચી નથી વળતા. જે ટેરેસમાં NRI આવે કે આજુબાજુના દૂરના એરિયામાંથી આવે, તો અમે તેમને ટેરેસ ભાડે આપીએ છીએ. આમ પર્સનદીઠ ખાવા-પીવા સાથે 3થી 4 હજાર હોય છે, પણ અમે હેન્ડિકેપ હોવાના કારણે જમવાનું નથી આપી શકતા, એટલે ખાલી ટેરેસ ભાડે આપીએ તો દિવસના 1000થી 2000 રૂપિયા, સામે જેવો કસ્ટમર. પણ દિવસના 2000 ફિક્સ, ખાવા-પીવાના પેકેજ વગર અને પેકેજ સાથે 3થી 3.5 હજાર. મને 20થી 30 હજારની મદદ થઈ જાય છે અને ખાસ કરીને એ મદદ મારી બેબીને ખૂબ ઉપયોગી આવે છે.

Image Gallery