જર્મન શેફર્ડ ડોગનો બે બાળક પર હુમલો, CCTV:અમદાવાદમાં પાર્કિંગમાંથી મહિલા કૂતરાને લઈને જતાં સમયે બાળક પાછળ દોડ્યો, નીચે પાડી દાંત બેસાડી દીધા
શરણમ એલિગન્સમાં E 202 માં રહેતા કુતરાના માલિકનાં ઘરે જ્યારે તેઓએ આ બાબતે કોઈ વાતચીત કરવાની ના પાડી હતી. ઘરમાં હાજર એક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ લોકો પોલીસ સ્ટેશન ગયા છે. હાજર વ્યક્તિએ કહ્યું હતું કે આ એક દુર્ઘટના હતી કોઈપણ વ્યક્તિએ જાતે કરીને કર્યું નથી. જોકે આ મામલે તેઓએ કોઈપણ વાતચીત કરવાની ના પાડી હતી.
બાળક ગભરાઈને દોડતા બચકું ભરી લીધું મળતી માહિતી મુજબ, શહેરના ન્યુ મણીનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટની પાસે આવેલા શરણમ એલીગન્સ નામના ફ્લેટમાં 45 વર્ષે વ્યક્તિ રહે છે અને પોતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેમનો છ વર્ષનો પુત્ર છે. 5 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ જ્યારે તેમનો પુત્ર ફ્લેટની નીચે પાર્કિંગમાં રમતો હતો, ત્યારે ફ્લેટમાં રહેતા પાપાબેન ઉર્ફે સંગીતાબેન વનિયર તેમનું પાલતુ કુતરુ જર્મન શેફર્ડ લઈને નીચે ફરતા હતા. દરમિયાનમાં છ વર્ષીય બાળક જ્યારે પાર્કિંગમાંથી પસાર થતો તો ત્યારે જર્મન શેફર્ડ કૂતરાએ અચાનક જ આ બાળક ઉપર હુમલો કરી દીધો હતો, જેથી બાળક ગભરાઈ ગયો હતો અને દોડવા જતા તેને સામાન્ય બચકું ભરી લીધું હતું. કૂતરાના હુમલાથી બાળકને દાંત બેસી ગયા હતા.
એક જ ફ્લેટમાં રહેતા બે બાળક પર કૂતરાનો હુમલો બાળક ખૂબ જ ગભરાઈ ગયું હતુ અને તરત જ નીચે પડી જતા ઉભું થઈ અને તેના માતાને જાણ કરી હતી. આ બાબતે બાળકના પિતાને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘરે આવી ગયા હતા. ત્યારબાદ બાળકના પિતાને જાણવા મળ્યું હતું કે, સોસાયટીમાં રહેતા અન્ય એક વ્યક્તિના બાળકને પણ આ કૂતરું કરડ્યું હતું, જેથી બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપવામાં આવી હતી. એક જ ફ્લેટમાં રહેતા બે બાળકોને કૂતરું કરડવાની ઘટના બની હતી.
બળકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી જર્મન શેફર્ડ કુતરા દ્વારા એક બાળકને જમણા પગના સાથળના ભાગે અને એક બાળકને જમણી હાથની આંગળીઓ ઉપર બચકું ભરીને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો. પાપાબેન વનિયર નામની મહિલાએ માણસોની જિંદગી જોખમાય તે રીતે પોતાના પાલતુ કૂતરા જર્મન શેફર્ડને લઈને પાર્કિંગમાં ફરી રહ્યાં હતાં. આ ઘટના બનતા બાળકના પિતાએ રામોલ રામોલ સ્ટેશનમાં મામલે ફરિયાદ નોંધાવી છે.
આ પહેલાં પણ બાળકને કરડ્યું હતું: સોસાયટીના રહીશ સ્થાનિક સોસાયટીના રહીશ મયંકભાઇ ડબગરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પહેલી વખત ઘટના બનેલી નથી. આ અગાઉ પણ આ જ કૂતરા દ્વારા બાળકને કરડવાની ઘટના બની હતી જે તે સમયે અમે કૂતરા માલિકને ઠપકો પણ આપ્યો હતો. તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે પગલાં લેવામાં આવે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
ડોગ માલિક સામે બેદરકારીની પોલીસ ફરિયાદ ન્યુ મણીનગર વિસ્તારમાં આવેલા શરણમ એલીગન્સમાં રહેતા નિતેશ ગુંદેલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં તેમની જ સોસાયટીમાં રહેતી પાપાબેન ઉર્ફે સંગીતા વનીયર વિરૂધ્ધ બેદરકારીની ફરિયાદ કરી છે. નિતેશ ગુંદેલા પત્ની, દીકરી અને દીકરા સાથે રહે છે અને ડ્રાઈવીંગ સ્કૂલ ચલાવે છે.ગઈકાલે નિતેશ ગુંદેલા પોતાની ઓફિસ પર હાજર હતા ત્યારે રિંકીનો ફોન આવ્યો કે સવા એક વાગ્યા આસપાસ મારો દીકરો ફ્લેટમાં રમી રહ્યો હતો ત્યારે સંગીતાના પાલતું ડોગ જર્મન શેફર્ડે તેના પગની સાથળના ભાગે બચકું ભરી લીધું હતું.
દીકરાને ડોગે બચકું ભર્યાના સમાચાર મળતા જ નિતેશ ગુંદેલા પોતના ઘરે પહોંચી ગયા હતા. નિતેશે દીકરાને પૂછ્યું તો તેણે જણાવ્યુ હતું કે હું ફ્લેટ નીચે નાના છોકરાઓ સાથે રમતો હતો, તે સમયે કૂતરાએ મને પગે બચકું ભરી લીધું હતું. નિતેશ તુરંત જ દીકરાને હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા ત્યારે જ ફ્લેટમાં રહેતા ગણેશ પાટીલ તેને મળ્યા હતા અને કહેવા લાગ્યા કે સંગીતાના કૂતરાએ તેના દીકરાને પણ બચકું ભર્યુ છે. બન્ને બાળકોને તાત્કાલિક મણીનગર ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને વેક્સિન આપી હતી.
સોસાયટીવાસીઓમાં આક્રોશ, ડોગ માલિક દાદાગીરી પર ઉતર્યા એક જ દિવસે બે બાળકને શેફર્ડ ડોગે બાઈટ કરતાની સાથે જ સોસાયટીના લોકો આક્રોશમાં આવી ગયા હતા અને સંગીતા તેમજ તેના પતિ પલાનીસ્વામી સાથે બેઠક કરી હતી. સોસાયટીના રહીશોએ કૂતરાને નહીં રાખવાની માંગ કરી હતી. પરંતુ પલાનીસ્વામી અને સંગીતા દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. આ મામલે નિતેશ ગુંદેલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અયાનને કુતરૂ કરડ્યુ તેના સીસીટીવી ફુટેજ પણ સામે આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
મોડી રાત સુધી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો કુતરાને લઈને મોડીરાત સુધી સોસાયટીમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. સોસાયટીના 300થી વધુ રહીશો એક થઈ ગયા હતા અને કૂતરાને હટાવવાની માંગ કરી હતી. જોકે દંપતીએ તમામની વાત અવગણી હતી. આ બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જ્યા પલાનીસ્વામી દાદાગીરી કરવા લાગ્યો હતો. જેથી એક રહીશે સમગ્ર ઘટના એક્સ પર કરતા મામલો છેક ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. આ મામલે સંગીતા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે કૂતરાને રાખવા મામલે હજુ સુધી અસમંજસ છે.
એક વર્ષ પહેલાં બચકું ભર્યું ત્યારે માફી માગી હતી, થોડા દિવસ નિયમોનું પાલન કર્યું આ અંગે ફરિયાદી નિતેશે જણાવ્યું છેકે સંગીતાના કૂતરાએ એક વર્ષ પહેલા સોસાયટીમાં રહેતા એક વ્યકિતને બચકું ભર્યું હતું ત્યારે પણ લોકો રોષે ભરાયા હતા. જે તે સમયે સંગીતા અને તેના પતિએ માફી માંગી લીધી હતી અને હવે કૂતરું કોઈને નહી કરડે તેવી બાહેંધરી આપી દીધી હતી. જોકે જેતે સમય ઉપર કોઈ કાર્યવાહી કરી નહી પરંતું ગઈકાલે બે બાળકો ઉપર એટેક થતા અંતે ફરિયાદ કરવી પડી છે. પહેલાં જ્યારે ડોગે બચકું ભર્યું ત્યારે સંગીતા અને પલાનીસ્વામીએ માફી માંગી લીધી હતી, કુતરાને તેમની પાસે રાખવા માટે પલાનીસ્વામીએ કેટલાક નિયમો બનાવી લીધા હતા. કુતરાના મોઢા પર માસ્ક બાંધીને રાખવો, મોડીરાતે તેને બહાર લઈને નીકળવું. થોડા દિવસ નિયમોનું પાલન થયુ હતું પરંતુ બાદમાં નિયમોને નેવે મુકી દેવાયા હતા.
50 હજાર પાલતુ શ્વાનમાંથી 19000નું જ રજિસ્ટ્રેશન થયું 13 મે, 2025ના રોજ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં એક પાલતું રોટવીલર ડોગે રાત્રિના 9:00 વાગ્યાથી 9:30 વાગ્યા દરમિયાન 4 માસની બાળકી પર હુમલો કરી દેતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રહેલા 50 હજાર પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ શહેરમાં પેટ ડોગ ધરાવનારા માલિકો દ્વારા હજી પણ રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે. 1 જાન્યુઆરી 2025થી આજ દિન સુધીમાં 16500થી વધુ પેટ ડોગ માલિકો દ્વારા તેમના 19000 જેટલા પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા છે. લોકો હજી પણ પેટ ડોગના રજીસ્ટ્રેશન કરાવી રહ્યા નથી. પેટ ડોગની રજિસ્ટ્રેશન ફી હાલ 2000 છે.
