Loading...

અમેરિકાનું F-16 ફાઇટર જેટ ક્રેશ:જમીન સાથે અથડાતાં જ આગ લાગી; દુર્ઘટનાની થોડી સેકન્ડ પહેલાં પાઇલટ સુરક્ષિત બહાર નીકળી ગયો

F-16ની કિંમત 1.70 હજાર કરોડ રૂપિયા

એરફોર્સના 2021ના ડેટા મુજબ, એક F-16 ફાઇટિંગ ફાલ્કનની કિંમત લગભગ 18.8 મિલિયન ડોલર (લગભગ ₹170 હજાર કરોડ) છે. આ એરક્રાફ્ટ થંડરબર્ડ્સ સ્ક્વૉડ્રનનું હતું. આ ટીમ લાંસ વેગાસ પાસેના નેલિસ એરફોર્સ બેઝ પરથી કામ કરે છે. આ ટીમ તેના એર શો અને ખતરનાક સ્ટંટ્સ માટે દુનિયાભરમાં જાણીતી છે.

થંડરબર્ડ્સ ટીમે જણાવ્યું હતું કે તાલીમ મિશન દરમિયાન પાઇલટે સફળતાપૂર્વક ઇજેક્ટ કર્યું. પાઇલટને સામાન્ય ઈજાઓ થઈ અને તેને રિડ્જક્રેસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે માત્ર પાઇલટ હાજર હતો અને આગથી આસપાસના વિસ્તારને કોઈ ખતરો નથી.

ક્રેશનું કારણ હજુ સ્પષ્ટ નથી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે 6 થંડરબર્ડ્સ જેટ તાલીમ માટે ઊડ્યાં હતાં, પરંતુ એમાંથી માત્ર પાંચ જ પાછાં ફર્યાં. પ્રારંભિક માહિતી અનુસાર, વિમાન ચાઇના લેક નેવલ એર વેપન્સ સ્ટેશન નજીક ક્રેશ થયું હતું.

આ વિસ્તારનો ઉપયોગ ઘણીવાર સૈન્ય તાલીમ માટે થાય છે. થંડરબર્ડ્સના એર શો અને તાલીમ મિશનમાં F-16 ફાઇટિંગ ફાલ્કન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એરફોર્સની 57મી વિંગ પબ્લિક અફેર્સ ઓફિસ અનુસાર, દુર્ઘટનાની તપાસ ચાલુ છે અને ક્રેશ સાઇટની તપાસ પૂર્ણ થયા પછી વધુ માહિતી શેર કરવામાં આવશે.

25થી વધુ દેશો F-16નો ઉપયોગ કરે છે

F-16 અમેરિકાનું પ્રખ્યાત અને શક્તિશાળી ફાઇટર જેટ છે, જેને 1970ના દાયકામાં જનરલ ડાયનેમિક્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે એને અમેરિકી સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિન બનાવે છે. પાકિસ્તાન સહિત 25થી વધુ દેશો F-16નો ઉપયોગ કરે છે.

F-16એ 2 ફેબ્રુઆરી 1974ના રોજ પ્રથમ વખત ઉડાન ભરી હતી. એને 21 જુલાઈ 1980ના રોજ "ફાઈટિંગ ફાલ્કન" નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 1976થી અત્યારસુધીમાં 4,600થી વધુ F-16 જેટ વિવિધ દેશો માટે બનાવવામાં આવ્યાં છે.

F-16ની ઝડપ 2414 કિલોમીટર પ્રતિ કલાક છે. એની રેન્જ 4220 કિલોમીટર સુધીની છે. એમાં એડવાન્સ રડાર સિસ્ટમ છે, સાથે જ એ એડવાન્સ હથિયારોથી સજ્જ હોય છે.

આ ફાઈટર જેટ હવાથી હવામાં મારવામાં સક્ષમ છે. એ એક મિનિટમાં લગભગ 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. F-16 ચોથી જનરેશનનું લડાકુ વિમાન છે. એ ખરાબ હવામાનમાં પણ ઉડાન ભરી શકે છે.

Image Gallery