વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ:‘1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેજો નહીં તો ઉડાવી દઇશું', બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ કર્યું
અમદાવાદમાં મેલ મળ્યો તેનું કનેકશન છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ DCP, મંજિતા વણઝારાએ જણાવ્યું હતું કે, મેલ મળતા જ પોલીસની તમામ ટીમો કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી. કલેક્ટર કચેરીની અંદર અને બહાર ચેકિંગ કરવામાં આવ્યું પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. વહેલી સવારે 6 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો હતો. ગઈકાલે અમદાવાદમાં મેલ મળ્યો તેનું કનેકશન છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે.
તપાસમાં હજુ સુધી કોઈપણ વાંધાજનક વસ્તુ મળી નથી ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિત અન્ય વિસ્તારોમાં આવેલી નામાંકિત સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલતા ભારે દોડધામ મચી હતી. જેમાં તપાસના અંતે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. જ્યારે થોડા મહિના પહેલા આજ પ્રકારે વડોદરાની નામાંકિત સ્કૂલ, કંપની અને કલેકટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જોકે તે સમયે પણ તપાસ દરમિયાન કલેક્ટર કચેરીમાં કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રે હાશકારો અનુભવાયો હતો. જોકે કચેરીની આસપાસ હજુ ચેકિંગ ચાલુ છે.
ખેડૂતો વળતર માટે રજૂઆત કરવા આવ્યા પણ બોમ્બની ધમકીને કારણે ન કરી શક્યા કલેકટર કચેરીમાં રજૂઆત કરવા માટે આવેલા અરજદારો અટવાયા. ખેડૂતો વળતર માટે રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ બોમ્બની ધમકીને પગલે રજૂઆત કરી શક્યા ન હતા. રજૂઆત કરવા આવેલા ખેડૂત મુકેશ પટેલે જણાવ્યું હતું કે, અમારા ખેતરમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની લાઈન જાય છે જેને વળતર માટે અમે આવ્યા છીએ, અમને આજે અહીં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ અહીં બોમ્બની ધમકી વળી હોવાથી અમે રજૂઆત કરી શક્યા નથી. અમે અહીં ઊભા છીએ ત્યારે રજૂઆત કરી શકીશું તેની ખબર નથી.
અન્ય એક ખેડૂત અરજદાર રશ્મિકાંત પટેલે જણાવ્યું હતું કે, અમારા ખેતરમાંથી પાવર ગ્રીન કોર્પોરેશનના વાયરો જાય છે, જો કે અમને તેનું વળતર મળ્યું નથી. તેને વળતર માટે આજે અમે અહીં આવ્યા છીએ. એ વળતર 2011ની જંત્રી પ્રમાણે કર્યું છે અને અમારે આજની જંત્રી પ્રમાણે ચાર જણા ભાવ જોઈએ છે. આજે બોમ્બની ધમકી હોવાથી સાહેબ મળ્યા નથી. આ પ્રશ્ન 200થી વધુ ખેડૂતોનો છે.
અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી 17 ડિસેમ્બરને બુધવારે અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાં તપાસ પૂર્ણ કરાઈ છે અને કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ મળી નથી. ઉલ્લેખનીય છે કે ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી.
અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ઈ-મેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું હતું. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ હતી.
