અમદાવાદમાં બનેલા ડિવાઇસે અવકાશમાંથી આપ્યો ડેટા:પૃથ્વી પર 72 હજાર કિમી/કલાકની ઝડપે આવી રહ્યા છે રજકણો, સ્પેસશટલ, સ્પેસસૂટ બનાવવામાં કામ લાગશે માહિતી
આજના સમયે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે હવે તો સામાન્ય માણસ પણ અવકાશની મુસાફરી કરવી શક્ય છે. જો કે સ્પેસ ટૂરિઝમના નવા વિકલ્પો વચ્ચે પડકારો પણ ઓછા નથી. અવકાશમાં સૌથી મોટો ખતરો એટલે એવી અજાણી વસ્તુ જે સ્પેસશટલ સાથે ટકરાઈ શકે અથવા તો સ્પેસવોક વખતે અવકાશયાત્રીના સ્પેસશુટને નુકસાન કરી શકે છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોના મતે આવા મોટા કદના પદાર્થો પૃથ્વી પર પહોંચી જાય તો આફત નોતરી શકે છે. એટલે પૃથ્વી તરફ આવી રહેલી આવી વસ્તુને જાણવા, સમજવા અને ખતરાનો અંદાજો લગાવવા માટે વિશ્વભરની અગ્રણી સ્પેસ એજન્સીઓ મથામણ કરી રહી છે.
અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRLએ એક નાનકડું ઇક્વિપમેન્ટ બનાવીને અવકાશમાં મોકલ્યું છે. એક નાનકડા ચોરસ બોક્સે વિજ્ઞાનની દુનિયામાં નવા માપદંડો નક્કી કર્યા છે. આ બોક્સ એટલે કે કોસ્મિક ડસ્ટ એક્પરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, જે DEXના નામે ઓળખાય છે. નોંધવા જેવી વાત એ છે કે આ ઇક્વિપમેન્ટ વિશ્વમાં ક્યાંય વેચાતું નથી. એટલે PRLએ જાતે બનાવ્યું છે.
વિશ્વમાં માત્ર ચાર જ સંસ્થા પાસે આવી ટેક્નોલોજી પ્રોફેસર પાબારીએ જણાવ્યું, આ ભારતનો પહેલો કોસ્મિક ડસ્ટ એક્સપેરિમેન્ટ છે. આ સબ્જેક્ટ ઉપર દુનિયામાં ચારેક ગ્રુપ જ કામ કરે છે. એમાનું એક ગ્રુપ અમારું PRLનું છે. અમેરિકાએ ચારેક ડિટેક્ટર્સ અલગ-અલગ ગ્રહ પર મોકલેલા છે. ઉપરાંત જર્મની, જાપાન અને રશિયાએ પણ આ ક્ષેત્રે કામ કર્યું છે. જો કે એક્ટિવ ગ્રુપ અમેરિકા, જર્મની અને ભારતમાં જ છે.
લગભગ 4.6 બિલિયન વર્ષ પહેલા સૂર્યમંડળ બન્યું. સૌરમંડળ બન્યા પછી અમુક ટૂકડા બચી ગયા જેને પ્રિસટીન કહેવાય છે, જે સૂર્યમંડળમાં બે જગ્યાએ એકઠા થયેલા છે. જેમાંની એક જગ્યા એસ્ટેરોઇડ અને બીજી જગ્યા કાઈપર કે કુપર બેલ્ટ તરીકે ઓળખાય છે. જેમાં પાર્ટીકલની સંખ્યા હજારો કરોડમાં છે. આ પાર્ટીકલ પણ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે અને લાખો વર્ષોની યાત્રા બાદ અલગ-અલગ ગ્રહો સુધી પહોંચે છે.
કરોડો કિલોમીટરની સફર પછી પૃથ્વી સુધી પહોંચે છે પાર્ટિકલ સૌરમંડળમાં સૌથી કેન્દ્રમાં સૂર્ય છે. બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. ત્યાર બાદ શુક્ર, પૃથ્વી અને મંગળ પરિભ્રમણ કરે છે. મંગળ અને ગુરુની વચ્ચે એસ્ટેરોઇડ બેલ્ટ આવેલું છે. એ પછી શનિ, યુરેન્સ અને નેપ્ચ્યુન આવેલા છે. એસ્ટેરોઇડ બેલ્ટમાંથી નાના પાર્ટીકલ્સ બહારની તરફ જાય છે અને મોટા અંદરની તરફ આવે છે. પહેલાં આ પાર્ટીકલ્સ મંગળની નજીક જાય છે જો ત્યાંથી બચી જાય તો પૃથ્વી પાસે આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળથી તે ખેંચાઈને વાતાવરણમાં ન પ્રવેશી શકે તો શુક્ર તરફ આગળ વધી જાય છે. ત્યાર બાદ બુધ અને ત્યાં પણ બચી જાય તો સૂર્ય તરફ જતા રહે છે. જેમ-જેમ સૂર્યની નજીક જાય એમ તાપમાન વધતું જાય અને અંતે સૂર્યની ગરમીના કારણે આવા પાર્ટિકલ બળી જતાં હોય છે.
પૃથ્વીની સપાટીથી 350 કિલોમીટર ઊંચાઈએ PRLનું સેન્સર પૃથ્વીની નજીકથી પસાર થતાં આવા પાર્ટિકલના અભ્યાસ માટે જ PRLએ કોસ્મિક ડસ્ટ એક્પરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે. અવકાશમાં પૃથ્વીની સપાટીથી 350 કિલોમીટર ઊંચાઈએ ભ્રમણ કરતું આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કરોડો કિલોમીટર દૂરથી આવેલા પાર્ટિકલ અથડાય છે. DEXમાં રાખેલા સેન્સર અને અન્ય ઇક્વિપમેન્ટ મારફતે આવા પાર્ટિકલનો ડેટા મળે છે, જે બાયનરી ફોર્મેટમાં હોય છે. જેમાં ડસ્ટની સિગ્નેચર અથવા ઇન્ફોર્મેશન હોય છે. આ સાથે જ સ્પેસમાં ડિટેક્ટરનું બેક ગ્રાઉન્ડ પણ જાણી શકાય છે. આ તમામ ડેટાને ફિલ્ટર કરીને તેનું એનાલિસિસ કરવામાં આવે છે. ટૂંકમાં આ ડેટા સાયન્ટિફિક અને ટેક્નોલોજીકલી એમ બે પ્રકારનો હોય છે.
જયેશ પાબારીએ કહ્યું, અમે કેટલાક મહિનાઓ સુધી ઓબ્ઝર્વેશન કર્યું. ત્યારબાદ સતત 22 દિવસ સુધી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આ પાર્ટીકલનું કદ આશરે 260 મીમીથી 230 મીમી જેટલું છે. આ ઇક્વિપમેન્ટની નીચે અને આજુબાજુના ભાગમાં ટાર્ગેટ પ્લેટ્સ લગાવી છે. જેથી પાર્ટીકલ તેની સાથે અથડાઈ શકે. અવકાશમાંથી આવતા ડસ્ટ પાર્ટીકલની ગતિ અત્યંત ઝડપી એટલે કે પ્રતિ સેકન્ડ 10થી 20 કિમી (36 હજારથી 72 હજાર કિ.મી. પ્રતિ કલાક) જેટલી હોય છે. જ્યારે ડસ્ટ પાર્ટીકલ ટાર્ગેટ પ્લેન સાથે અથડાય છે ત્યારે માઇક્રો સેકન્ડ માટે પ્લાઝમા (ઇલેક્ટ્રોન્સ અને આયન) ઉત્પન્ન થાય છે. આ પ્લાઝમાને ઉપલા ભાગમાં લગાવેલા ઇલેક્ટ્રોસ્ટેટિક એનેલાઇઝર દ્વારા કેપ્ચર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ઇલેક્ટ્રોનિક પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે.
1 હજાર સેકન્ડે એક પાર્ટિકલ હિટ થાય છે આ પ્રક્રિયા દરમિયાન મળતા સિગ્નલને અમે ડિજિટાઇઝ કરીએ છીએ. ડસ્ટ ઇમ્પેક્ટના કારણે મળતા પલ્સનો અમે અભ્યાસ કરીએ છીએ, જેમાં મુખ્યત્વે ત્રણ બાબતો તપાસવામાં આવે છે: પાર્ટીકલની સંખ્યા, રાઇઝ ટાઈમ અને પીક વૉલ્ટેજ. આ પ્રયોગ દ્વારા અમે પૃથ્વી પર કેટલી ધૂળ આવે છે એ માપી શકીએ છીએ. અમારા તારણ મુજબ સરેરાશ દર 1 હજાર સેકન્ડે એક પાર્ટીકલ હિટ થાય છે.
એસ્ટેરોઈડ બેલ્ટમાંથી આવતા પાર્ટીકલ સૂર્યમંડળની રચના થઈ એ સમયના હોવાનું માનવામાં આવે છે, જ્યારે કાઇપર કે કુપર બેલ્ટના પાર્ટીકલની તેનાથી અલગ પડે છે. PRLએ બનાવેલા DEXથી આવા પાર્ટિકલના મટિરિયલ અને સોર્સ વિશે ઘણી મહત્વની જાણકારી મળે છે. કયું પાર્ટીકલ ક્યાંથી આવે છે? શેનું બનેલું છે? એ બધુ જાણી શકાય છે. ઉપરાંત પાર્ટીકલ સૂર્યમંડળમાં ફરતા હોય ત્યારે નોબલ ગેસ ટ્રેપ થતાં હોય છે. એના વિષે જાણી શકાય.
વર્ષે 2 હજાર ડમ્પર ભરાય એટલી ધૂળ અવકાશમાંથી પડે છે 1992માં કેટલાક વૈજ્ઞાનિકોએ આંકડો આપ્યો હતો કે પૃથ્વી પર વર્ષે 20થી 40 હજાર ટન ડસ્ટ પાર્ટીકલ અવકાશમાંથી આવે છે. સરળ રીતે તુલના કરીએ તો 2 હજાર ડમ્પર ભરાય એટલી ધૂળ અવકાશમાંથી પડે છે. આ અંદાજ પ્રમાણે 50થી 150 ટન જેટલી ડસ્ટ રોજ પૃથ્વી પર એસ્ટેરોઇડ બેલ્ટમાંથી આવે છે. જો કે મોટાભાગની ડસ્ટ વાતાવરણમાં પ્રવેશતા જ સળગી જાય છે. ખરતા તારા એ બીજું કઈ નહીં પણ ડસ્ટ કે સ્ટોન પાર્ટીકલ જ છે. જે વાતાવરણમાં પ્રવેશતા જ સળગી ઉઠે છે. જો બચે તો જમીન કે પાણી પર આવે છે. એક બાય એક સ્ક્વેર મીટરમાંથી પ્રતિ સેકન્ડ જેટલા પાર્ટીકલ પસાર થાય તેને ફ્લક્સ કહે છે.