કાશ્મીર જેવો અદભુત નજારો, ફૂલોએ મનડાં મોહ્યાં:આજથી ફ્લાવર શોનો આરંભ, સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે, જાણો ફ્રી પાર્કિંગ ક્યાં મળશે
CMએ ઉદ્ઘાટન કરી ફ્લાવર શોને નિહાળ્યો CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ફ્લાવર શો 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ઉદ્ઘાટન બાદ તેઓ દ્વારા સમગ્ર ફ્લાવર શોને નિહાળવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની સાથે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, ભાજપના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિત ભાજપના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર પટેલની પ્રતિકૃતિ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપિત કરાશે ફ્લાવર શોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે, જેમાં એક મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતાનું પ્રતીકાત્મક ઝોન છે. જેમાં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ બનાવવામાં આવ્યું છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતી આ પ્રતિકૃતિ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
"સ્ત્રી સશક્તિકરણ" ની થીમ પર 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો મેયર પ્રતિભા જૈન અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે. 'ભારત એક ગાથા' થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026થી 22 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે. મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોનું ઉદઘાટન કરી "સ્ત્રી સશક્તિકરણ" ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ અનાવરણ કરશે. આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દૃશ્યપટ રજૂ કરશે.
પ્રવેશદ્વાર પર બે વિશાળ ફૂલોના સિંહો સ્વાગત કરશે ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશદ્વારથી શરૂ થશે, જ્યાં બે વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે. પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જશે.
બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ફૂલકળાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ, હોળીના રંગો અને ઉલ્લાસ, ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જીવંત સ્વરૂપ આપવામાં આવશે. આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે.
'શાશ્વત ભારત' ઝોન ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો 'શાશ્વત ભારત' ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે. આ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્ર મન્થન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રીતે પુનઃરચિત કરવામાં આવશે, જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે ફરી જોડશે. આ સાથે ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્ય પરંપરાઓને સમર્પિત ઝોનમાં કુચિપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવા નૃત્ય સ્વરૂપોની સૌમ્યતા રજૂ થશે. આ ઝોનના કેન્દ્રમાં ભગવાન નટરાજનું ભવ્ય પ્રતિનિધિત્વ રહેશે, જે ભારતની કલાત્મક સમૃદ્ધિ, પરંપરાની સતતતા અને તાલની સર્વવ્યાપી ભાષાનું પ્રતીક બની રહેશે.
આધુનિક ભારતની પ્રગતિને દર્શાવતો 'ભારતની સિદ્ધિઓ' ઝોન ફૂલોના માધ્યમથી દેશની હાઈ-સ્પીડ રેલ, નવનીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે. આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી નવીનતાના સંતુલિત વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરશે.
10524 સ્ક્વેર.મીટર એરિયામાં સ્પ્રીન્ક્લીંગ ઇરીગેશન નેટવર્ક સિસ્ટમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા ફલાવર શો-2026 અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડમાં ડીસ્પ્લે માટે લગાવવામાં આવેલા સિઝનલ પ્લાન્ટ્સની જાળવણી માટે દર વર્ષની જેમ ટ્રેક્ટર કે પાઈપ જેવી પરંપરાગત વોટરીંગ પદ્ધતિના બદલે 10524 સ્ક્વેર.મીટર એરિયામાં સ્પ્રીન્ક્લીંગ ઇરીગેશન નેટવર્ક સિસ્ટમ લગાવવામાં આવી છે. ફ્લાવર શોમાં બેંક ઓફ બરોડા, અરવિંદ સ્માર્ટ સ્પેસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઈઝ, ઔદ્યોગિક ગૃહો દ્વારા વિવિધ ઝોનને સ્પોન્સર કરવામાં આવ્યા છે.
જાણો મુલાકાતીઓ માટે કયા સમયે કેટલો ટિકિટનો દર? ફ્લાવર શોની પ્રવેશ ફી સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે રૂ. 80 તથા શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે રૂ. 100 રહેશે. વધુમાં, તમામ પ્રકારના દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષ તથા નીચેની વયના બાળકો તથા અ.મ્યુ.કો. હસ્તકની શાળાના બાળકો માટે તમામ દિવસોએ નિ:શુલ્ક પ્રવેશ રહેશે. AMC સિવાયની સ્કૂલના બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે 9થી 1 સુધી રૂ. 10 રહેશે. મુલાકાતીઓ માટે સવારે 8થી 9 તેમજ રાત્રે 10 થી 11 સુધી પ્રાઈમ ટાઈમ સ્લોટમાં ટિકિટ રૂ. 500 રહેશે.
AMC દ્વારા ઓનલાઇન ટિકિટ માટે QR કોડ જાહેર કરાયો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના માટે QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. જે સ્કેન કરી વિગતો ભરીને ઓનલાઇન પેમેન્ટ બાદ ટિકિટ મેળવી શકાશે, જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકાશે.
