ઈરાનમાં મોંઘવારી સામે હજારો GenZ રસ્તા પર ઊતર્યા:સરકારી ઇમારતમાં તોડફોડ કરી, રાજશાહી પાછી લાવવાની માગ; 9 લોકોનાં મોત
ઈરાનમાં મોંઘવારીથી સામાન્ય લોકોમાં નારાજગી વધી
દેશભરમાં GenZ આક્રોશમાં છે. એનું કારણ કથળતી આર્થિક સ્થિતિ રહ્યું છે. ડિસેમ્બર 2025માં ઈરાની મુદ્રા રિયાલ ઘટીને લગભગ 1.45 મિલિયન પ્રતિ અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ, જે અત્યારસુધીનો સૌથી નીચો સ્તર છે.
વર્ષની શરૂઆતથી રિયાલની કિંમત લગભગ અડધી થઈ ગઈ છે. અહીં મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં 72% અને દવાઓની કિંમતોમાં 50% સુધીનો વધારો નોંધાયો છે.
આ ઉપરાંત સરકાર દ્વારા 2026ના બજેટમાં 62% ટેક્સ વધારવાના પ્રસ્તાવથી સામાન્ય લોકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે.
રાષ્ટ્રપતિ બોલ્યા- વિદેશી તાકાતો દેશમાં ભાગલા પાડી રહી છે
તેહરાનમાં યુનિવર્સિટી અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં શરૂ થયેલાં આ પ્રદર્શનો હવે ઘણાં શહેરોમાં ફેલાઈ ચૂક્યાં છે. ઘણી જગ્યાએ બજારો બંધ રહ્યાં અને વેપારીઓ રસ્તાઓ પર ઊતરી આવ્યા છે.
પ્રદર્શનકારીઓ કટ્ટરપંથી મૌલાનાઓના શાસનના અંત અને રાજશાહી પાછી લાવવાની માગ કરી રહ્યા છે. આ નારાઓમાં સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેની પર નિશાન સાધવામાં આવી રહ્યું હતું.
કેટલાક વીડિયોમાં લોકો નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીના સમર્થનમાં નારા લગાવતા અને તેમને સત્તા સોંપવાની માગ કરતા જોવા મળ્યા.
રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને પરિસ્થિતિ સંભાળવા મોરચો સંભાળ્યો છે. તેમણે આ પ્રદર્શનો માટે વિદેશી હસ્તક્ષેપને જવાબદાર ઠેરવ્યો અને દેશવાસીઓને એકજૂટ રહેવાની અપીલ કરી છે.
તેમણે કહ્યું હતું કે વિદેશી તાકાતો દેશમાં ભાગલા પાડીને પોતાનો ફાયદો ઉઠાવવા માગે છે.
ઇસ્લામિક ક્રાંતિ પછી ખોમેનીએ ઇરાનમાં મૌલાના શાસનનો પાયો નાખ્યો
ઇરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખામેની સત્તામાં આવ્યા. તેઓ 1979થી 1989 સુધી 10 વર્ષ સુપ્રીમ લીડર રહ્યા.
તેમના પછી સુપ્રીમ લીડર બનેલા આયાતુલ્લાહ અલી ખામેની 1989થી અત્યારસુધી 37 વર્ષથી સત્તામાં છે.
ઇરાન આજે આર્થિક સંકટ, ભારે મોંઘવારી, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, બેરોજગારી, ચલણના ઘટાડા અને સતત જન આંદોલનો જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે.
ક્રાઉન પ્રિન્સને સત્તા સોંપવાની માગ
47 વર્ષ પછી હવે વર્તમાન આર્થિક કટોકટી અને કડક ધાર્મિક શાસનથી નારાજ લોકો હવે પરિવર્તન ઈચ્છે છે.
આ જ કારણોસર 65 વર્ષીય ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીને સત્તા સોંપવાની માગ થઈ રહી છે. પ્રદર્શનકારીઓ તેમને એક બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક વિકલ્પ માને છે.
યુવાનો અને GenZને લાગે છે કે પહેલવીની વાપસીથી ઈરાનને આર્થિક સ્થિરતા, વૈશ્વિક સ્વીકૃતિ અને વ્યક્તિગત આઝાદી મળી શકે છે.
ત્રણ વર્ષમાં સૌથી મોટું વિરોધપ્રદર્શન
આ પ્રદર્શનો 2022 પછીનાં સૌથી મોટાં માનવામાં આવે છે. એે સમયે 22 વર્ષની મહસા અમીનીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પછી આખા દેશમાં આંદોલન ફાટી નીકળ્યું હતું. તેમને હિઝાબ યોગ્ય રીતે ન પહેરવાના આરોપમાં મોરાલિટી પોલીસે પકડ્યા હતા.
આ પહેલાં સોમવારે તેહરાનના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર થતાં પોલીસે ટિયરગેસના શેલ છોડીને પ્રદર્શનકારીઓને હટાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
ઈરાનની અર્થવ્યવસ્થા ઓઈલ નિકાસ પર નિર્ભર
વર્ષ 2024માં ઈરાનની કુલ નિકાસ આશરે 22.18 બિલિયન ડોલર હતી, જેમાં ઓઈલ અને પેટ્રોકેમિકલ્સનો મોટો હિસ્સો હતો, જ્યારે આયાત 34.65 બિલિયન ડોલર રહી, જેના કારણે વેપાર ખાધ 12.47 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ.
2025માં ઓઈલની નિકાસમાં ઘટાડો અને પ્રતિબંધોને કારણે આ ખાધ વધુ વધીને 15 બિલિયન ડોલર સુધી પહોંચી છે. મુખ્ય વેપારી ભાગીદારોમાં ચીન (35% નિકાસ), તુર્કી, યુએઈ અને ઇરાકનો સમાવેશ થાય છે. ઈરાન ચીનને 90% ઓઈલની નિકાસ કરે છે.
ઈરાને પાડોશી દેશો અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે વેપાર વધારવાનો પ્રયાસ કર્યો છે, જેમ કે INSTC કોરિડોર અને ચીન સાથેના નવા ટ્રાન્ઝિટ રૂટ્સ. તેમ છતાં 2025માં જીડીપી વૃદ્ધિ માત્ર 0.3% રહેવાનો અંદાજ છે. પ્રતિબંધો હટાવ્યા વિના અથવા પરમાણુ કરારની પુનઃસ્થાપના વિના વેપાર અને રિયાલનું મૂલ્ય સ્થિર કરવું મુશ્કેલ રહેશે.
