Loading...

રમરમાટ મહિન્દ્રા BE-6 કારે 5 વાહનને અડફેટે લીધાં:સુરતમાં નબીરાએ રસ્તાને બનાવ્યો રેસિંગ ટ્રેક; મામલો દબાવવા 'ખેંચ'નું બહાનું?

ડાયમંડ સિટી સુરતમાં નબીરાઓની બેદરકારી અને તેજ રફ્તારનો કહેર યથાવત છે. શહેરના પોશ ગણાતા મગદલ્લા-ડુમસ વિસ્તારમાં આવેલા એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક ગત(1 ફેબ્રુઆરી) મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક માલેતુજાર પરિવારના યુવકે પોતાની પૂરપાટ ઝડપે જતી લક્ઝરી કાર પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર ઉભેલા વાહનોના ફુરચા બોલાવી દીધા હતા. આ સાથે ત્રણ કાર અને બે મોપેડને ટક્કર મારતા ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

એક સાથે 5 વાહનોને અડફેટે લીધા મોડી રાત્રે મહિન્દ્રા BE 6 (ઇલેક્ટ્રિક લક્ઝરી કાર)ના ચાલકે રોડને જાણે રેસિંગ ટ્રેક સમજી લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ બેકાબૂ કારે રોડ પર પાર્ક કરેલી 3 કારને જોરદાર ટક્કર મારી હતી. સાથે 2 મોપેડને પણ ઉડાવ્યા હતા. સદનસીબે આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હોવાથી અને વાહનો પાર્ક કરેલા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.

મામલો દબાવવા 'ખેંચ'નું બહાનું? અકસ્માત સર્જનાર યુવકની ઓળખ વિરલ દેસાઈ તરીકે થઈ છે, જે પોતે પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો છે. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડીને સારવાર કરવામાં આવી રહી છે. જોકે ઘટનાના થોડા જ સમયમાં મામલો થાળે પાડવા અને નબીરાને બચાવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અકસ્માત બાદ એવી વાત વહેતી કરવામાં આવી હતી કે ચાલક યુવકને ચાલુ ગાડીએ 'ખેંચ' આવી હતી, જેના કારણે અકસ્માત થયો હતો.

શું ખરેખર તબીબી કારણોસર અકસ્માત કે પછી ઓવરસ્પીડિંગ જવાબદાર? બનાવની જાણ થતા જ ડુમસ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે. શું ચાલક નશાની હાલતમાં હતો? શું ખરેખર તબીબી કારણોસર અકસ્માત થયો કે પછી ઓવરસ્પીડિંગ જવાબદાર છે? આ તમામ પાસાઓ પર તપાસ ચાલી રહી છે.

Image Gallery