મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું:આ સન્માન મેળવનારા પ્રથમ ગ્લોબલ લીડર બન્યા; PMએ કહ્યું- અહીં ઘર જેવું લાગ્યું
PM અલી પોતે કાર ચલાવીને મોદીને હોટલ લઈ ગયા હતા
ઇથોપિયાના વડાપ્રધાન અહેમદ અલી ગઈકાલે PM મોદીને અદીસ અબાબા એરપોર્ટ પર લેવા પહોંચ્યા હતા. બંને નેતાઓએ એરપોર્ટ પર જ અનૌપચારિક વાતચીત કરી. આ દરમિયાન PM અહેમદ અલીએ મોદીને પરંપરાગત કોફી પણ પીવડાવી.
ત્યારબાદ અહેમદ અલી પોતે કાર ચલાવીને મોદીને હોટેલ લઈ ગયા. તેમણે રસ્તામાં મોદીને સાયન્સ મ્યુઝિયમ અને મૈત્રી પાર્ક પણ બતાવ્યા. આ PMનો પ્રથમ ઇથોપિયા પ્રવાસ છે. તેઓ અહીં 2 દિવસના રાજકીય પ્રવાસે છે.
PM અલીએ મોદીની વિચારસરણીના વખાણ કર્યા
ઇથોપિયન વડાપ્રધાન અહેમદ અલીએ મંગળવારે દ્વિપક્ષીય બેઠક દરમિયાન PM મોદીની વિચારસરણીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી હંમેશા કહે છે કે આફ્રિકા સાથેની ભાગીદારી તેની જરૂરિયાતો અનુસાર હોવી જોઈએ.
તેમણે કહ્યું કે આજે ભારત અને ઇથોપિયા વચ્ચે નવી અને મજબૂત ભાગીદારીની જરૂર છે. અહેમદ અલીએ કહ્યું કે દેશમાં વિદેશી રોકાણ પણ ઝડપથી વધી રહ્યું છે અને તેમાં ભારત સૌથી મોટો રોકાણકાર બનીને ઉભર્યું છે. તેમણે જણાવ્યું કે ઇથોપિયામાં 615 થી વધુ ભારતીય કંપનીઓ રોકાણ કરી રહી છે.
બેઠકમાં મોદીએ ઇથોપિયાના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બમણી કરવાની જાહેરાત કરી. આ સાથે પહેલગામ આતંકવાદી હુમલા પર સંવેદના અને આતંકવાદ વિરુદ્ધ ભારતના સમર્થન બદલ આભાર માન્યો.
ઇથોપિયાનો બીજો સૌથી મોટો વેપાર ભાગીદાર ભારત
ભારત, ઇથોપિયાનો બીજો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે 2023-24માં 5175 કરોડ રૂપિયાનો વેપાર થયો. આ દરમિયાન ભારતે 4433 કરોડ રૂપિયા અને ઇથોપિયાએ 742 કરોડ રૂપિયાની નિકાસ કરી.
ઇથોપિયા, ભારતમાંથી લોખંડ, સ્ટીલ, દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ, મશીનરી અને ઉપકરણોની આયાત કરે છે. જ્યારે ભારત, ઇથોપિયામાંથી કઠોળ, કિંમતી પથ્થરો, શાકભાજી અને બીજ, ચામડું અને મસાલાની આયાત કરે છે.
ભારત અને ઇથોપિયા વચ્ચેના વ્યાપારી સંબંધોની શરૂઆત 1940ના દાયકામાં થઈ હતી. આઝાદી પહેલા જ બંને વચ્ચે વેપાર શરૂ થઈ ગયો હતો. 1950માં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા પછી બંને દેશોમાં ઔપચારિક વેપાર શરૂ થયો.
