Loading...

ભારતે 4 વર્ષમાં પહેલીવાર રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ઓછું કર્યું:અમેરિકા, સાઉદી અને UAEથી ખરીદી વધી; ટ્રમ્પની ધમકી કે કોઈ અન્ય કારણ?

શિયન ઓઈલની ખરીદી ઘટવાનાં 5 કારણ જાણો…

1. અમેરિકી ટેરિફથી રશિયન ઓઈલનો ફાયદો ઘટ્યો, નુકસાન વધારે

એપ્રિલ 2022થી જૂન 2025 સુધી ભારતે રશિયા પાસેથી દરરોજ 17-19 લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદ્યું. આનાથી ભારતને 17 અબજ ડોલરની બચત થઈ. ભારતીય કંપનીઓને પણ કરોડો રૂપિયાનો ફાયદો થયો, પરંતુ રશિયન ઓઈલ ખરીદવાને કારણે ટ્રમ્પે ઓગસ્ટમાં ભારત પર 25% ટેરિફ લગાવી દીધો.

ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પના વધારાના ટેરિફથી ભારતીય નિકાસને લગભગ 37 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે અને GDP વૃદ્ધિ દર 1% સુધી ઘટી શકે છે.

2. રશિયન કંપનીઓ પર પ્રતિબંધથી ભારતને નુકસાન

અમેરિકાએ નવેમ્બરમાં રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપનીઓ 'રોસનેફ્ટ' અને 'લુકોઇલ' પર કડક પ્રતિબંધો લગાવ્યા. આ બંને કંપની ભારતને રશિયાનું લગભગ 60% ઓઈલ સપ્લાય કરતી હતી. આનાથી ભારતને રશિયન ઓઈલનો સીધો સપ્લાય મુશ્કેલ બન્યો.

અમેરિકી પ્રતિબંધો લાગુ થતાં જ આ કંપનીઓ પાસેથી કોઈપણ પ્રકારની ચુકવણી, બેંકિંગ વ્યવહાર, વીમો કે શિપિંગ કરવું ગેરકાનૂની બની ગયું. આની સીધી અસર ભારત પર પડી, કારણ કે ભારતીય રિફાઇનરીઓ આ જ બે કંપની પર સૌથી વધુ નિર્ભર હતી.

પ્રતિબંધો લાગુ થયા પછી તરત જ ભારતીય બેંકોએ રશિયાની આ કંપનીઓને ચુકવણી રોકી દીધી. ચુકવણી અટકતાં જ ભારતીય ઓઇલ કંપનીઓએ પણ ખરીદીના ઓર્ડર પાછા ખેંચવાનું શરૂ કરી દીધું.

3. રશિયાએ ડિસ્કાઉન્ટ આપવાનું ઓછું કર્યું

યુક્રેન યુદ્ધ પછી રશિયાએ 20-25 ડોલર પ્રતિ બેરલ સસ્તું ક્રૂડ ઓઇલ વેચવાનું શરૂ કર્યું. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 130 ડોલર પ્રતિ બેરલ હતી, આવી સ્થિતિમાં આ છૂટ ભારત માટે સસ્તી હતી.

જોકે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 63 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. રશિયાએ પણ એેની છૂટ ઘટાડીને 1.5 થી 2 ડોલર પ્રતિ બેરલ કરી દીધી છે. આટલી ઓછી છૂટમાં ભારતને પહેલા જેવો ફાયદો નથી મળતો, ઉપરથી રશિયાથી ઓઈલ લાવવામાં શિપિંગ અને વીમાખર્ચ પણ વધુ થાય છે.

આ જ કારણોસર ભારત હવે ફરીથી સાઉદી, UAE અને અમેરિકા જેવા સ્થિર અને ભરોસાપાત્ર સપ્લાયર્સ પાસેથી ઓઈલ ખરીદી રહ્યું છે, કારણ કે હવે કિંમતમાં પહેલાં જેવો મોટો તફાવત રહ્યો નથી.

4. EUએ રશિયન ઓઈલમાંથી બનેલાં ઉત્પાદનો લેવાનો ઇનકાર કર્યો

યુરોપિયન યુનિયન (EU)એ એક નવો નિયમ બનાવ્યો છે, જે અંતર્ગત 21 જાન્યુઆરી 2026 પછી એ ભારત, તુર્કીયે અને ચીન જેવા દેશો પાસેથી એવું ડીઝલ, પેટ્રોલ કે જેટ ફયૂઅલ નહીં ખરીદે, જે રશિયન ક્રૂડ ઓઇલમાંથી બન્યું હોય.

આ નિયમ રશિયા પર આર્થિક દબાણ લાવવા માટે લાવવામાં આવેલા યુરોપના 18મા પ્રતિબંધ પેકેજનો એક ભાગ છે. અત્યારસુધી ભારત સસ્તું રશિયન ઓઈલ ખરીદીને એને રિફાઇન કરીને યુરોપને વેચતું હતું, પરંતુ હવે આ રસ્તો લગભગ બંધ થઈ જશે.

2024–25માં ભારતે રશિયન ઓઈલમાંથી બનેલાં ઉત્પાદનોનો લગભગ અડધો હિસ્સો યુરોપને વેચ્યો હતો, તેથી નવો નિયમ ભારત પર સીધી અસર કરે છે.

EU એ પણ ઈચ્છે છે કે વેચાણ કરતા દેશોએ સાબિતી આપવી પડે કે તેમના ઇંધણમાં રશિયન ઓઈલ નથી. આ માટે રિફાઇનરીએ પોતાની ક્રૂડ સ્ટ્રીમ અલગ રાખવી પડશે અથવા 60 દિવસ સુધી રશિયન ઓઈલનો ઉપયોગ બંધ કરીને બતાવવો પડશે. જો શંકા જાગે તો બેંક પણ ફાઇનાન્સિંગ રોકી શકે છે.

5. રશિયા રૂપિયામાં ચુકવણી લેવા તૈયાર નથી

છેલ્લાં બે વર્ષમાં ભારતે રશિયા પાસેથી ઘણું વધારે ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. જ્યારે ભારતે રશિયાને ઘણું ઓછી નિકાસ કરી છે. આ અસંતુલનને કારણે રશિયા પાસે ઘણો ભારતીય રૂપિયો જમા થઈ ગયો છે.

રશિયા એેને સરળતાથી ડોલરમાં બદલી શકતું નથી અને ન તો એેને અન્ય દેશો સાથેના વેપારમાં ઉપયોગ કરી શકે છે.

આનું કારણ એ છે કે રૂપિયો આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ એવી કરન્સી નથી, જેને દુનિયાના મોટા ભાગના દેશો સરળતાથી સ્વીકારી લે અથવા જેને વૈશ્વિક બજારમાં સરળતાથી બદલી શકાય. આવી સ્થિતિમાં રશિયા રૂપિયાનો ક્યાંય ઉપયોગ કરી શકતું નથી, તેથી તે એમાં ચુકવણી લેવાનું ટાળે છે.

આ ઉપરાંત રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદ્યા પછી સૌથી મોટી મુશ્કેલી ચુકવણીની આવે છે. અમેરિકા અને યુરોપે રશિયા પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બેંકો રશિયા સંબંધિત લેણદેણ અંગે ખૂબ જ સાવચેત રહે છે. જ્યારે ભારત રશિયાને ચુકવણી મોકલે છે ત્યારે ઘણીવાર ટ્રાન્ઝેક્શન અટકી જાય છે અથવા મંજૂરી આપવામાં ઘણો સમય લાગે છે.

ડોલરમાં ચુકવણી કરવા પર અમેરિકી દબાણ અને પ્રતિબંધોનો ખતરો રહે છે, તેથી ઘણીવાર કોઈ ત્રીજા દેશની બેંક દ્વારા પૈસા મોકલવા પડે છે, જેનાથી પ્રક્રિયા વધુ જટિલ બની જાય છે. આ બધાની અસર ભારતીય ઓઈલ કંપનીઓ પર પડે છે. ઓઈલ ભલે સસ્તું હોય, પરંતુ ચુકવણી અટકવાથી શિપમેન્ટ પણ મોડું પહોંચે છે.