Loading...

બજેટ પહેલાં રઘુરામ રાજનની 3 ચેતવણી:દુનિયા અને ભારત બંને બહુ ખતરનાક દોરમાંથી પસાર થઈ રહ્યાં છે, ફરીવાર 1990 જેવા આર્થિક સુધારાની જરૂર

તમને યાદ હશે. 15 ડિસેમ્બર 2022ના દિવસે રાહુલ ગાંધીએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો ઈન્ટરવ્યુ લીધો હતો. ત્યારે રઘુરામ રાજને કહેલું કે, ભારતની નિકાસ ઓછી છે. વિકાસમાં અવરોધ છે. લોકશાહી આપણી તાકાત છે એટલે ભારતે આફત વચ્ચે અવસર શોધવો જોઈએ. આ વાતને ચાર વર્ષ વીતી ગયા. રઘુરામ રાજનનો એ ઈન્ટરવ્યુ જોઈએ તો થાય કે, રાજનની વાત તો સાચી હતી.

ભારતનું યુનિયન બજેટ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે તે પહેલાં રઘુરામ રાજને PTI સાથેની વાતચીતમાં કેટલાક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી છે.

વાત એમ છે કે, દુનિયા એવા વળાંક પર ઊભી છે જ્યાં એક ખોટો નિર્ણય દુનિયાના કોઈપણ દેશને વર્ષો પાછળ ધકેલી શકે છે. યુદ્ધ, ટ્રેડવોર, ટેરિફ, ખર્ચનો જંગી પહાડ, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની તેજ રફતાર અને મહાસત્તા માટે ખેંચતાણ. આ બધા વચ્ચે ભારત એવા ત્રિભેટે ઊભું છે કે તેણે બહુ સમજી વિચારીને નિર્ણય લેવા પડશે.

ભારતના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બજેટ પહેલાં ચેતવણી આપી છે. જેને હળવાશથી લેવા જેવી નથી. રઘુરામ રાજને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દુનિયા અને ભારત બંને બહુ ખતરનાક દોરમાંથી પસાર થઈ રહ્યા છે. આ સમય માત્ર આંકડાનો નથી, લોન્ગ ટર્મ વિઝનનો છે. એવું બજેટ આપવું પડશે જે આવનારા એક વર્ષ માટે નહિ પણ 10થી 15 વર્ષ માટે ભારતને મજબૂત રીતે તૈયાર કરે. 1 ફેબ્રુઆરી, રવિવારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. રઘુરામ રાજનને આશા છે કે આ બજેટ માત્ર રાહત કે જાહેરાતો પૂરતું સિમિત ન રહે પણ ત્રણ મોટા ટાર્ગેટ પૂરા કરે. આ બજેટ આવનારા દાયકાનો આર્થિક પાયો મજબૂત બનાવનારું હોવું જોઈએ. ભારતને વધારે આત્મનિર્ભર બનાવવારું હોવું જોઈએ. એવું બજેટ હોવું જોઈએ જે ભારતના ગ્રોથને નવી રફતાર આપે. ભારત આર્થિક રીતે પણ એવો દેશ બને કે દુનિયાના દેશો મિત્રતા કરવા ઈચ્છે. રઘુરામ રાજને કહ્યું છે કે ભારત આજે ત્રણ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

  1. જિઓપોલિટિકલ ટેન્શન
  2. ટ્રેડ વોર અને ટેરિફ
  3. AIનો ઝડપથી વધતો ઉપયોગ
  4. જિઓપોલિટિકલ ટેન્શન : રશિયા, યુક્રેન યુદ્ધ ત્રણ વર્ષથી ચાલે છે. મિડલ ઈસ્ટમાં તો ટેન્શન છે જ. હવે અમેરિકા-ઈરાન વચ્ચે પણ ટેન્શન વધતું જાય છે. ત્રીજું, અમેરિકા અને ચીન જેવા મહાશક્તિશાળી દેશોની દુશ્મની વધી રહી છે. ભારતનો ચીન સાથે સીમા તણાવ છે. ટેરિફના કારણે અમેરિકાથી અંતર થઈ ગયું છે. ભારત હજી પણ ગ્લોબલ સપ્લાય ચેનનો ભાગ નથી. કારણ કે ભારત કોઈ અમીર માર્કેટ પાસે નથી. બીજા દેશોની અનિશ્ચિતતાવાળી નીતિઓએ ભારત માટે તક ઊભી કરી છે. જો ભારત સાચી દિશામાં સુધારાના પગલાં ભરે છે તો મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર અને ટેકનોલોજી આ બધા સેક્ટરમાં ભારત પોતાની ગ્લોબલ સપ્લાય ચેનમાં આગળ વધી શકે છે. તેમણે સૂચન કર્યું કે ભારતે ચીન પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, પશ્ચિમ એશિયા અને પૂર્વ એશિયાઈ દેશો સાથે તેના વેપાર સંબંધોને મજબૂત બનાવવા જોઈએ.
  5. ટ્રેડ વોર અને ટેરિફ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 50% ટેરિફ લગાવી દીધો છે. EU સાથે મધર ઓફ ઓલ ડિલ કરવાથી અમેરિકા વધારે ગુસ્સામાં છે. તેનો સામનો કરવા ભારતે તૈયાર રહેવું પડશે. ગ્લોબલ સપ્લાય ચેનનો ઉલ્લેખ કરતાં રાજને કહ્યું કે ભારતને વિશ્વ સાથે વધુ સારી રીતે સંકલન કરવા માટે કેટલાક ટેરિફ ઘટાડવાની જરૂર પડી શકે છે. આ સાથે જ રાજ્યોએ રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવવાની જરૂર પડશે. જ્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની શકે છે ત્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ જેવા પડોશી દેશો સાથે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
  6. AIનો ઝડપથી વધતો ઉપયોગ : AIમાં મોટાપાયે રોકાણ થઈ રહ્યું છે પણ ટેકનોલોજી પર કેટલાક દેશોનો કંટ્રોલ છે. ભારત જો કેટલાક ચોક્કસ દેશ કે ચોક્કસ કંપનીઓ પર નિર્ભર થઈ જશે તો એ જ દેશો ભારતને દબાવશે. રાજન માને છે કે AI ભારત માટે મોટી તક છે. જે આગળ જઈને અવસર બની શકે છે. પણ જો ભારત AI માટે બીજા દેશો પર જ નિર્ભર રહેશે તો ભવિષ્યમાં આપણે નબળાં પડી જઈશું. આપણને ટેકનોલોજી જોઈએ છે પણ કંટ્રોલમાં જોઈએ છે. ગૂગલ, ઓપનએઆઈ અને મેટા જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં એકાધિકાર સ્થાપિત કરવાની આશામાં AI માં ભારે રોકાણ કરી રહી છે. જોકે, હજુ સુધી કોઈ એક કંપની AI રેસમાં કાયમી લીડ મેળવી શકી નથી. એકબીજાને પાછળ છોડી દેવા માટે આ રેસ સતત લડાઈ રહી છે.

    અમેરિકા અને યુરોપે પણ ફાસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી માટે પગલાં ભર્યાં છે

    રઘુરામ રાજને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા માટે નિશ્ચિત રૂપે એક દિલચસ્પ સમય છે કારણ તે તમે જુઓ કે અમેરિકા, યુરોપ અને જાપાનમાં અપેક્ષા કરતાં વધારે વિકાસ થઈ રહ્યો છે. ચીન પોતાના વિકાસના ટાર્ગેટ પૂરા કરવામાં સફળ થઈ રહ્યું છે પણ શું દુનિયાભરમાં ચીની માલ ઠાલવી દેવાથી વિકાસનો ટાર્ગેટ પૂરો થઈ શકશે? જ્યાં સુધી અમેરિકા અને યુરોપની વાત છે તો અમેરિકાના લોકો બચત અને ખર્ચાનું સંતુલન જાળવે છે. વર્તમાનમાં વિકાસના બે પાસાંઓને જોઈ શકો છો.

  7. એક તો નોકરીઓ મેળવવી સહેલી નથી કારણ કે કંપનીઓ ઝડપથી ભરતી કરતી નથી પણ જે લોકો નોકરી કરે છે તેને કાઢતી પણ નથી. બીજું, અમેરિકામાં પ્રોડક્ટિવિટી ગ્રોથ વધ્યો છે. છતાં કંપનીઓને તેજી નથી થઈ ને વધારે પગાર આપવાની છૂટ મળી છે. સાથે સાથે ફેડરલ રિઝર્વ પણ વ્યાજદર ઓછા કરીને સહયોગ આપે છે. ટ્રમ્પનું બિગ બ્યુટિફૂલ બિલના કારણે અનિશ્ચિતતા વચ્ચે અમેરિકામાં મજબૂત રીતે આર્થિક વિકાસ થયો છે. પણ ભવિષ્યમાં આવી જ સ્થિતિ રહેશે કે કેમ, તેની કલ્પના કોઈ કરી ન શકે.

    એવું જ યુરોપમાં છે. જર્મનીએ ફિસકલ સ્ટીમુલસ (અર્થ વ્યવસ્થા સુધારવા ટેક્સ ઘટાડવો), ડિફેન્સ ખર્ચામાં વૃદ્ધિ કરવી એવા પ્રયોગો કર્યા છે. ગ્લોબલ ઈકોનોમિક સંકટ દરમિયાન આવી સ્થિતિને 'પિગ્સ' કહે છે. એ બહુ સારું પ્રદર્શન કરે છે. પોર્ટુગલ, આયરલેન્ડ, ગ્રીસ, સ્પેન જેવા દેશોનો વિકાસદર બહુ સારો રહ્યો છે. એકંદરે દુનિયાના દેશો વિકાસ કરી રહ્યા છે. ભારત પણ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લાર્જ ઈકોનોમી છે.

    ભારતમાં ફરી 1990 જેવા આર્થિક સુધારાની જરૂર; દેખાડા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી

    રઘુરામ રાજન માને છે કે આ સમયે ભારતને 1990 જેવા મોટા રિફોર્મની જરૂરત છે. 1990ના દાયકામાં ભારતમાં મોટા આર્થિક સુધારા થયા હતા. 2000ના શરૂઆતના વર્ષથી ભારતમાં આર્થિક સુધારા પર જાણે બ્રેક જ લાગી ગઈ. હવે ભારતને સ્પીડમાં રિફોર્મની જરૂરિયાત છે. તેમણે એમ પણ કહ્યું કે જરૂરી નથી કે ફાસ્ટ ગ્રોથ ટકાઉ હોય છે. રાજન કહે છે, એવી ચર્ચા થયા કરે છે કે ચીન જેવા ઝડપી વિકાસ દરની ભારતને જરૂર છે. પણ હું માનું છું કે ચીનમાં પણ ટકાઉ ગ્રોથ નથી. ત્યાં પ્રોપર્ટી પર સંકટ અને ભારે દેણું છે.

    રાજને કહ્યું કે, ભારતે પણ ખોટા ખર્ચાથી બચવું પડશે. ભારતના શહેરોમાં મેટ્રો બની રહી છે પણ દરેક શહેરને મેટ્રોની જરૂર નથી. ખોટી જગ્યાએ રોકાણ થયું હશે તો પૈસો પાછો નહિ આવે. એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન બનાવો, જેનો ઉપયોગ લોકો કરી જ ન શકે. તેમણે તર્ક આપ્યો કે ભારતને ઉતાવળે ગ્રોથની જરૂર નથી. માત્ર દેખાડા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. ભારતને ટકાઉપણું, સ્માર્ટ રોકાણ અને આત્મનિર્ભર ભારતની જરૂર છે.

  8. બજેટ એક વર્ષ માટે નહિ, 10-15 વર્ષ માટેનું બનાવવું જોઈએ

    રઘુરામ રાજને જણાવ્યું હતું કે વિશ્વ અત્યારે આર્થિક, રાજકીય અને રણનીતિક સ્તરે અતિમુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આવા વાતાવરણમાં ભારત માટે તેના બજેટ અને નીતિઓ મારફત ભવિષ્ય માટે તૈયારી કરવી જરૂરી છે. ભારત પાસે અગાઉ પંચવર્ષીય યોજનાઓ હતી, તેમ છતાં બજેટને તેની સાથે યોગ્ય રીતે જોડાયું નહોતું. અત્યારે કોઈ પંચ વર્ષીય યોજના નથી એટલે સવાલ એ છે કે બજેટને કોની સાથે જોડી શકાય? પણ મને લાગે છે કે હવે બજેટ માટે લોન્ગ ટર્મ વિઝન સાથે આગળ વધવાનો સમય છે. અત્યારે આપણે એક-એક વર્ષ માટેનું બજેટ રજૂ કરીએ છીએ. હકીકતે જો ઝડપથી અને મક્કમ વિકાસ કરવો હોય તો એક વર્ષ નહિ, આવનારા 10-15 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવું પડશે.

  9. રાજને કહ્યું કે 2026-27 ના બજેટમાં ભારત કેવી રીતે ફ્લેક્સિબલ, સ્વતંત્ર અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની શકે છે તેનો રોડમેપ આપવો જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં સુધારાઓનો પાયો નાખશે જે ગ્લોબલ ઈકોનોમિક અનસર્ટેનિટી વચ્ચે ભારતને મજબૂત બનાવશે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ભારત માટે એક મોટી તક ગણાવી, સાથે ચેતવણી પણ આપી કે પસંદગીની કેટલીક વૈશ્વિક શક્તિઓ પર વધુ પડતી નિર્ભરતા ભવિષ્યમાં જોખમ ઊભું કરી શકે છે.ભારતે આત્મનિર્ભર ક્ષમતાઓ વિકસાવવાની સાથે ટેકનોલોજીમાં રોકાણ કરવું જોઈએ.

    હવે એક નવા સુધારા ચક્રની જરૂર અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર તણાવ પર ટિપ્પણી કરતાં રાજને કહ્યું કે જો તણાવ વધશે, તો ભારતે બાહ્ય દબાણથી દૂર રહેવું જોઈએ અને સ્થાનિક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં થયેલા મોટા સુધારાઓ પછી હવે એક નવા સુધારા ચક્રની જરૂર છે, જે ભારતના વિકાસ દરમાં 2 ટકાનો વધારો કરી શકે છે. અમેરિકા અને અન્ય મોટા શક્તિશાળી દેશોની પોલિસી અનસર્ટેનિટી ભારત માટે અવસર સાબિત થાય તેમ છે. ભારત યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, પશ્ચિમ એશિયા અને પૂર્વ એશિયાના દેશો સાથે વેપાર વધારીને ગ્લોબલ સપ્લાય ચેનમાં તેની ભૂમિકાને મજબૂત બનાવી શકે છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે કામચલાઉ અને અસંતુલિત વિકાસ ટાળવો મહત્વપૂર્ણ છે. કેટલાક ખોટા નિર્ણયો લાંબા ગાળે આર્થિક બોજ બની શકે છે.