Loading...

પ્લેન ક્રેશ સ્થળે સૌથી પહેલા પહોંચેલા DCPએ શું શું જોયું?

ગત 12 જૂન, 2025ના રોજ બપોરે 1.38 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ નં.171 1.40 વાગ્યે અમદાવાદના ઘોડા કેમ્પ પાસે ક્રેશ થઈ ગઈ હતી. આ ફ્લાઇટમાં સવાર 10 ક્રૂ-મેમ્બર, 2 પાઇલટ અને 230 પ્રવાસી મળીને 242 લોકોમાંથી 241નાં મોત થઈ ગયાં હતાં. જ્યારે અતુલ્યમ હોસ્ટેલમાં 4 ડૉક્ટર અને ડોક્ટર સ્વજનોના તથા આસપાસમાંથી પસાર થયેલા લોકો મળીને મૃત્યુઆંક 260 થયો છે. આ કરુણાંતિકાને આજે એક મહિનો થઈ ગયો છે.

આ દુર્ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે સૌથી પહેલા મહિલા ડીસીપી કાનન દેસાઈ પહોંચ્યાં હતા. બીજી તરફ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી જ્યારે ઓપરેશનમાં વ્યસ્ત હતા ત્યારે તેમને ચીફ સિક્યોરિટી ઓફિસર કર્નલ માથુરે ફોન કરી જાણ કરી હતી. કાનન દેસાઈ અને ડૉ.રાકેશ જોષી પાસેથી એ દિવસનો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ જાણવાનો પ્રયાસ કર્યો છે.

આ ઘટના અંગે સૌથી પહેલા જાણ થવા અંગે ઝોન-4 DCP કાનન દેસાઈ કહે છે,

12 જૂન 2025ના રોજ અમારી પોલીસ કમિશનર જીએસ મલિકની ક્રાઇમ કોન્ફરન્સ ચાલી રહી હતી, એ પતાવીને જ્યારે અમે ઓફિસ તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં મને લોકલ ફોન આવ્યો અને અધિકારીઓએ કમિશરને પણ ફોન કર્યો, જેમાં આ પ્રકારની ઘટના બની છે એવી માહિતી આપી, પરંતુ ખરેખર શું બન્યું હતું એ વિશે નક્કર માહિતી નહોતી. મેં પણ સરને કહ્યું કે મને પણ ફોન આવ્યા છે અને આવી માહિતી આવી છે. હું રસ્તામાં જ છું અને પહોંચી રહી છું, ચેક કરીને આપને જાણ કરું.

'10-20 ફૂટ આગળ જોવાનું ચાલુ કર્યું તો ઘણા મૃતદેહ દેખાવા લાગ્યા' હું પહોંચી એટલીવારમાં તો ત્યાંના લોકલ માણસો, લોકલ કોર્પોરેટર, મેઘાણીનગર પીઆઈ, પોલીસકર્મીઓ પહોંચ્યા, જેમ જેમ ક્લિયર થયું એમ એમ આજુબાજુમાંથી ડોલો ભરીને પાણી લેવાનું ચાલુ કર્યું, એ રીતે બાજુમાં ઘોડા કેમ્પ છે ત્યાંથી પાણી નાખવાનું ચાલુ કર્યું. 10-20 ફૂટ આગળ જોવાનું ચાલુ કર્યું તેમ અમને ઘણા બધા મૃતદેહ દેખાવા લાગ્યા, એની પાછળ તો આગ ને બધું ચાલુ જ હતું. ધુમાડા અને આજુબાજુના જે લોકો છે તે યોદ્ધાની જેમ કામ ચાલુ કરી રહ્યા હતા.

ઓપરેશન ચાલી રહ્યું હતું ને સિક્યોરિટી ઓફિસરે મને ફોન કર્યો: સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ આ ઘટનાની જાણ થવા અંગે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી કહે છે, હું પીડિયાટ્રિક છું.12 જૂનની બપોરે ઓટી(ઓપરેશન થિયેટર)માં હતો. ત્યાં ઓપરેશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન મને ચીફ સિક્યોરિટી ઓફિસર કર્નલ માથુરે ફોન કરી મને જણાવ્યું હતું કે હોસ્પિટલની કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં આગ લાગી છે, તેથી મેં તેમને તાત્કાલિક ત્યાં જઈ તપાસ કરવા કહ્યું. 30 સેકન્ડમાં તેમણે ફરીથી ફોન કરી જણાવ્યું હતું કે હોસ્ટેલમાં પ્લેન ક્રેશ થયું છે. આ વાત સાંભળતાં જ તાત્કાલિક મારા સાથી ડોક્ટરને જણાવીને ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યો. મેં મારા ડ્રાઇવરને ફોન કરી તાત્કાલિક બોલાવ્યો. ગાડીમાં બેસીને જતો હતો ત્યારે મેં હોસ્પિટલના RMO, નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ, સેનિટરી ઇન્સ્પેક્ટર સહિત તમામ લોકોને એલર્ટ કરી દીધા. જે લોકો કોઈ બીજા કામમાં નહોતા તેમને ટ્રોમા સેન્ટર બોલાવ્યા. શરૂઆતમાં પ્લેન ક્રેશ થયું છે તેવા સમાચાર હતા પણ બાદમાં જાણ થઈ કે અમદાવાદથી લંડન જતી ઇન્ટરનેશનલ ફાઈટ હતી.જેથી વધુ લોકો ઇજાગ્રસ્ત હોય એમ લાગતું હતું.