ભરૂચ-દાદરા અને નગર-હવેલીમાં ભીષણ આગ:ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ થતાં એકનું મોત, દાદરામાં પ્લાસ્ટિકની કંપનીમાં વિસ્ફોટની ઝપેટમાં અન્ય કંપનીઓ આવી ગઈ
અન્ય કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી દાદરા અને નગર-હવેલીના દાદરા ગામે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગવાના કારણે પ્લાસ્ટિકની હાજરીને લીધે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી મોટી બની ગઈ હતી કે કંપનીમાં નાના-મોટા વિસ્ફોટ પણ થયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ વિકરાળ આગની જ્વાળાઓએ બાજુમાં આવેલી આસપાસની અન્ય કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના કારણે આગ વિકરાળ બની ઘટનાની જાણ થતાં જ સંઘપ્રદેશ દાદરા અને નગર-હવેલીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે અન્ય વિસ્તારોના ફાયર ફાઇટરો પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં જોડાયા હતા. જોકે, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના કારણે આગ પર કાબૂ મેળવતા ખુબ જ મુશ્કેલીઓ પડી હતી.'
આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવ્યા દાદરા અને નગર-હવેલીની પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવ્યા હતા. કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસે સુરક્ષાના પગલાં લીધા હતા.હાલ આગ કાબૂમાં આવી ગઇ છે. જ્યારે કુલિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે
આગ કયા કારણોસર લાગી એ તપાસનો વિષય: અમરત લાલ દાદરા અને નગર-હવેલીના ફાયર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર અમરત લાલે જણાવ્યું હતું કે, અમને આગ લાગ્યાનો ફોન મળતાં અમારી ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને વાપી, સગીગામ સહિતના ફાયર ફાયટરોને પણ બોલાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકની કંપની હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીઓ પડી હતી. આ આગ આજુ બાજુની કંપનીઓમાં પણ ફેલાઇ હતી. જેના કારણે તેમને પણ નુકસાન પહોંચ્યું છે. આગ કયા કારણોસર લાગી એ તપાસનો વિષય છે.
ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ, એકનું મોત-એક ગંભીર બીજી તરફ ભરૂચના ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કંપનીમાં આજે સવારે રસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના અવાજ સાથે જ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી.આ દુર્ઘટના સમયે નજીકમાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ભિલોડ ગામના મહેશ વસાવાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો બ્લાસ્ટ પછી કંપનીના પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાઈ આવતા આસપાસના વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેક્નિકલ ખામીના કારણે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ સામે આવશે.
પારડીની બી.એન. ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ, 6 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો
06 ડિસેમ્બરને શનિવારના રોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામે આવેલી બી.એન. ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ શિફ્ટ સંચાલકો અને કંપનીના મેનેજમેન્ટે તાત્કાલિક કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો હતો. કંપની સંચાલકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા 6 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
