વલસાડમાં નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું:પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત, ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ; બે પિલર વચ્ચે ટેકો ખસી જતા ધડાકાભેર તૂટ્યો બ્રિજ
પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયા કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઇ રહી છે.
ઇજાગ્રસ્ત પાંચેય શ્રમિકોની તબિયત સારી છે: SP વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આજે સવારે નવ-સવા નવ વાગ્યાના અરસામાં ઓરંગા નદી પર બની રહેલા ઓવરબ્રિજ માટે ગડર મૂકવામાં આવ્યો હતો. જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રકચરનો એક ભાગ સ્પીપ થઇ ગયો હતો. અહીં કામ કરી રહેલા પાંચ મજૂરોને રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું છે.
એકદમ જોરદાર આવ્યો ને પબ્લિક ભેગી થઇ ગઇ: પ્રત્યક્ષ દર્શી પ્રત્યક્ષ દર્શી બીપેન્દ્ર ચૈરસિયાએ જણાવ્યું કે, હું અહીં સમશાન ભૂમીએ આવ્યો હતો. એકદમ જોરદાર આવ્યો ને પબ્લિક ભેગી થઇ ગઇ. બાદમાં અમે 108 અને પોલીસને જાણ કરી. દુર્ઘટના ઘટતાં અહીં ખુબ જ પબ્લિક ભેગી થઇ જતાં ફૂલ ટ્રાફિકજામ થઇ ગયો હતો.
'બે એમ્યુલન્સમાં ચાર માણસને સારવાર માટે મોકલ્યા' અહીંથી નીકળતા હરિચંન્દ્ર પ્રધાન નામના રાહદારીએ જણાવ્યું કે, બ્રિજમાં સળીયા નાખવાનું કામકાજ ચાલુ છે, અનબેલેન્સ થતાં આ પડી ગયો હોવાનું દેખાય છે. મેં એમ્બ્યુલન્સ ને ફોન કર્યો હતો, બે એમ્યુલન્સમાં ચાર માણસને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ક્રેન આવે ત્યારે ખબર પડે કે હજી કોઇ દબાયેલું છે કે નહીં.
'એકદમ જાણે કે ભૂકંપ આવ્યો હોય એવો અવાજ આવ્યો' હરિચંન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું કે, હું સામે જ ઉભો હતો અને એકદમ જાણે કે ભૂકંપ આવ્યો હોય એવો ધડાકાભેર અવાજ આવ્યો હતો. પિલર માટીમાં દબાઇ ગયો કે અન બેલેન્સ થયું હોય એવું લાગી આવે છે. ચાર માણસોને સારવાર માટે મોકલ્યા છે. એક માણસ તો બરાબરનો ફસાઇ ગયો હતો અમે એને ખેંચીને બહાર કાઢ્યો હતો.
'છેલ્લા બે પિલર વચ્ચે ટેકો ખસી જતા ધડાકાભેર તૂટી પડ્યો' પારડી-સાંઢપોર ગ્રામ પંચાયતના સરપંચ ભોલાભાઈ પટેલે જણાવ્યું કે, બ્રિજના છેલ્લા બે પિલર વચ્ચે લોખંડના ગડરથી સ્લેબ બનાવવાના હતા, પરંતું કંઇક ટેકો ખસી જતા આજે ધડાકાભેર તૂટી પડ્યો છે. ચાર લોકોને હોસ્પિટલ લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એકની શોધખોળ કરી રહ્યા હોવાનું મને જાણવા મળ્યું છે.
